Mumbai

પ્રેમિકાના અન્ય યુવક સાથેના વાંધાજનક ફોટા જોતાં ચાકુ મારી હત્યા

By GS TEAM
12 Oct 20252 mins read
પ્રેમિકાના અન્ય યુવક સાથેના વાંધાજનક ફોટા જોતાં ચાકુ મારી હત્યા

પ્રેમીએ પ્રેમિકાનો મોબાઈલ ચેક કર્યો ને ભાંડો ફૂટયો

પ્રેમિકાને જન્મદિન નિમિત્તે હોટલમાં લઈ ગયો  કેક પણ કાપીઃ હત્યા બાદ જાતે પોલીસ મથકે હાજર 

મુંબઈ: પુણેના વાકડ વિસ્તારમાં એક હોટલમાં પ્રેમીએ તેની પ્રેમિકાના જન્મદિવસની ઉજવણી વખતે તેનો મોબાઈલ ફોન તપાસતા તેમાં અન્ય પુરુષ સાથેના અશ્લીલ ફોટા જોયા બાદ ગુસ્સે ભરાતા ચાકુના ઘા મારીને પ્રેમિકાની હત્યા કરી હતી. આ બાદ પચ્ચીસ વર્ષીય યુવકે પોલીસ સ્ટેશનમાં જઈને આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. 

આ  કેસમાં ૨૫ વર્ષીય દિલાવર સિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેણે દેહુ રોડ વિસ્તરામાં રહેતી તેની ૨૬ વર્ષીય પ્રેમિકાની મેરી તેલગુની હત્યા કરી હતી. 

પોલીસના  જણાવ્યા મુજબ, દિલાવર અને મેરી ૨૦૧૯ થી પ્રેમ સંબંધ ધરાવતા હતા. તેઓ બંને સોશિયલ મિડીયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને પ્રેમમાં પડયા હતા.

જો કે, કેટલાક દિવસોથી દિલાવરને શંકા હતી કે મેરી કોઈ અન્ય શખ્સ સાથે પ્રેમ  સંબંધમાં છે. આ કારણે બંને વચ્ચે સતત ઝઘડો પણ થતો હતો. 

વધુમાં દિલાવરને ખબર પડી હતી કે મેરીએ તેના બીજા બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તેથી હવે તે તેની સાથેના સંબંધો કાપી નાખશે. તેથી નિરાશામાં સરી પડયો હતો.

દરમિયાન મેરીનો શનિવારે જન્મદિવસ હોવાથી બપોરે દિલાવર તેને વાકડ પોલીસ સ્ટેશનની હદ હેઠળના કાલાખડક વિસ્તારમાં આવેલ એક લોજ પર લઈ ગયો હતો. અહીં દિલાવરે મેરી સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી અને બંનેએ સાથે મળીને કેક કાપ્યો હતો.

 જો કે,આ સમયે તેણે મેરીનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાં તેના બીજા બોયફ્રેન્ડ સાથેના વાંધાજનક ફોટો નજરે ચઢ્યા હતા.

આ વાતથી ગુસ્સે ભરાતા દિલાવરે કેક કાપવા માટે રાખેલ ચાકુથી તેની ગર્લફ્રેન્ડ પર હુમલો કર્યો હતો અને ચાકુના અનેક ઘા કરતા તેની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી પુણેના કોંધવા પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને તેણે પોલીસને આ અંગે જાણ કરી હતી કે તેણે તેની પ્રેમિકાની હત્યા કરી છે. 

આ ખુલાસા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામુ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે દિલાવર સામે હત્યાનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.