સ્ટોક માર્કેટ ફ્રોડમાં ખાતામાં દોઢ કરોડ જમા કરાવનારો પકડાયોે

સાઉથ મુંબઈના રહીશે સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ૪ કરોડ ગુમાવ્યા હતા
ભાવિક પેઠાના જે કંપનીનો ડિરેકટર છે તેના બેંક ખાતા સામે દેશભરમાંથી ૭૪ ફરિયાદો મળી છે
મુંબઈ-દક્ષિણ મુંબઈમાં રહેતા એક વ્યક્તિએ સ્ટોક માર્કેટ ફ્રોડમાં ૪.૧૨ કરોડ રૃપિયાની રકમ ગુમાવી હતી. આ બાબતે આ વ્યક્તિએ દક્ષિણ વિભાગ સાયબર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ૧.૫૦ કરોડ રૃપિયાની રકમ જેના બેંક ખાતામાં જમા થયા હતા તેવા ફર્સ્ટ લેવરના બેંક ખાતાધારક ભાવિક મોહન પેઠાનાની તાજેતરમાં મુંબઈની ધરપકડ કરી છે. આ પહેલા આ કેસમાં પોલીસે શિલફાટા, મુંબ્રાથી અન્ય એક આરોપી રેહાન નિયાઝ અહમદ ઠાણગે (૨૨)ની ધરપકડ કરી હતી જેના ખાતામાં ફ્રોડના ૩૧ લાખ રૃપિયા જમા થયા હતા. હાલ ઠાણગે અદાલતી કસ્ટડીમાં છે.
આ વિશે વધુ વિગત આપતા દક્ષિણ વિભાગ સાયબરના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદીને તા.૨૦ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન તનિષ્કા સત્યમ અહાના ગિલ નામની એક મહિલાએ સંપર્ક કર્યો હતો. આ મહિલાએ ફરિયાદીને વોટસ એપ કોલ કરી સ્ટોક માર્કેટની ખોટી માહિતી આપી વોટસ એપ ગુ્રપમાં સમાવેશ કરી લીધો હતો. ત્યારબાદા ફરિયાદીનો વિશ્વાસ કેળવી બનાવટી શેર માર્કેટ એપની મદદથી રોકાણ કરવા મજબૂર કર્યા હતા, ફ્રોડસ્ચરોએ ત્યારબાદ એપમાં ખોટો નફો દર્શાવી છેતરપિંડી કરી હતી. આ લોકોએ ષડયંત્ર રચી ફરિયાદી પાસેથી વિવિધ ખાતામાં ૪.૧૨ કરોડ રૃપિયાની રકમ જમા કરાવી હતી. ફરિયાદીને જાણ થઈ હતી કે તેની સાથે મોટું ફ્રોડ આચરવામાં આવ્યું છે. ત્યારબાદ તેમણે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે બીએનએસની કલમ ૩૧૮ (૨), ૩૧૯ (૨), ૬૧ (૨) અ ને આઈટી એક્ટની કલમ ૬૬ (ક) અને ૬૬ (ડ) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસે જે બેંક ખાતાઓમાં ફરિયાદીની રકમ જમા થઈ હતી તેની વિગતો કાઢતા પ્રથમ મુંબ્રાના રેહાન ઠાણગેને પકડી પાડયો હતો તેના ખાતામાં ૩૧ લાખ રૃપિયાની રકમ જમા થઈ હતી. તેની વધુ તપાસમાં કોલકાતાના એસન આઈટી સર્વિસ નામના બેંક ખાતામાં બે ટ્રાન્ઝેકશનમાં ૭૫ લાખ મળીને કુલ દોઢ કરોડની રકમ જમા થઈ હતી. પોલીસે આ બન્ને ખાતાના કેવાયસીની વિગત મેળવતા કંપનીના એક ડાયરેકટરમાં ભાવિક મોહન પેઠાના (રહે. ગોરેગાંવ) અને પ્રણબ સરકાર (રહે. ૨૪ પરગના પશ્ચિમ બંગાળ)નું નામ ખુલ્યિું હતું. વધુ તપાસ કરતા ભાવિક પેઠાના મુંબઈમાં હોવાની જાણ થતા પોલીસે તેને પકડી પાડયો હતો. તેની ફ્રોડમાં પૂર્ણપણે સંડોવણી બહાર આવી હતી. એટલું જ નહીં પેઠાના જે કંપનીમાં ડાયરેકટર છે તે કંપનીના નામે નેશનલ ક્રાઈમ પોર્ટલ પર દેશભરમાંથી ૭૪ ફરિયાદ નોંધાઈ હોવાનું જણાયું હતું. મહારાષ્ટ્રમાં પેઠાના સામે પૂર્વ વિભાગ સાયબરમાં એક અને ઉત્તર વિભાગ સાયબરમાં બે ફરિયાદો નોંધાયેલી છે.
આ સમગ્ર ફ્રોડ પ્રકરણે પોલીસ વધુ અને ઊંડી તપાસ હાથ ધરી છે.








