Mumbai

મહારાષ્ટ્રના એસ.ટી. કર્મચારીઓ 12મી ઓક્ટોબરથી આંદોલન છેડવા મક્કમ

By GS TEAM
9 Oct 20252 mins read
મહારાષ્ટ્રના એસ.ટી. કર્મચારીઓ 12મી ઓક્ટોબરથી આંદોલન છેડવા મક્કમ

દિવાળીમાં સ્પેશ્યલ બસોની જાહેરાત થઇ વચ્ચે એલાન 

મોંઘવારી ભથ્થુ, ઘરભાડા ભથ્થું સહિતની માગણી બાબત સરકાર સાથે મંગળવારની ચર્ચા નિષ્ફળ રહી

મુંબઇ -  મહારાષ્ટ્રના હજારો એસ.ટી. કર્મચારીઓની વિવિધ માગણીઓના મામલે ગઇ કાલે સરકાર સાથે થયેલી  ચર્ચા નિષ્ફળ નિવડતા ૧૨મી ઓક્ટોબરથી આંદોલન છેડવાનો મક્કમ નિર્ધાર કર્મચારીઓના સંગઠને જાહેર કર્યો છે.

એક તરફ દિવાળીના તહેવાર નિમિત્તે વધુને વધુ સ્પેશ્યલ બસો દોડાવવાની સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આંદોલન ઝળુંબી રહ્યું છે. એટલે જ પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે આંદોલન અટકાવવાના પ્રયાસ રૃપે એવી ખાતરી આપી છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બંને મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કર્યા બાદ માગણીઓનો ઉકેલ લાવવામાં આવશે. 

દરમિયાન આગામી એક વર્ષમાં આઠ  હજાર નવી બસ કાફલામાં સામેલ થવાની છે. આ નવી બસો માટેના આવશ્યક કર્મચારીઓની ભરતી માટે સરકાર પાસે પરવાનગી માગવામાં આવી છે. આ પરવાનગી મળે ત્યાં સુધીમાં કોન્ટ્રેક્ટ પર કર્મચારીઓને લેવાની શરૃઆત કરવામાં આવશે. એમ પ્રધાન તરફથી જણાવાયું હતું.

એસ.ટી.ને ૪૪૦૦ કરોડની જરૃર છે

ડેપોના પેટ્રોલ પમ્પ બહારના વાહનો માટે ખુલ્લા મુકાશે ઃ ખાસ એપ દ્વારા ટેક્સી- રીક્ષા સેવા પૂરી પડાશે

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ને કર્મચારીઓને મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું અને બીજા ભથ્થા ચૂકવવા  માટે  ૪૪૦૦ કરોડની જરૃરિયાત છે. આર્થિક સહાય મ ાટે કાયમ સરકાર પાસે હાથ લંબાવવાનું યોગ્ય ન હોવાથી એસ.ટી.ની આવક વધારવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.

જાહેરાતના માધ્યમથી  વર્ષે ૧૦૦ કરોડ, આધુનિક પાર્સલ સેવામાંથી ૧૦૦ કરોડ, બસ ડેપોની અંદરના પેટ્રોલ પમ્પ બહારના વાહનો માટે પણ ખુલ્લા મૂકીને ૨૦૦થી ૨૫૦ કરોડ રૃપિયાની આવક ઉભી કરવામાં આવશે, એવું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. આવી જ રીતે એસ.ટી. દ્વારા ખાસ એપ વિકસાવીને ટેક્સી-  રિક્ષા-ઇ- બાક સેવા પૂરી પાડવમાં આવશે.

પબ્લિક- પ્રાઇવેટ- પાર્ટનરશિપ ધોરણે  એસટીની જમીન વિકસાવવામાં આવશે. આમાંથી એસ.ટી.ને વર્ષે એકથી દોઢ હજાર કરોડની વધારાની આવક થશે.