Mumbai

મહારાષ્ટ્રમાં પાણીની કારમી તંગીથી ત્રાસી આખું ગામ વેચવા કાઢ્યું : બેનરથી વિવાદ

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
સોલાપુરના તુલશી ગામે પાણીની ભયંકર અછતથી કંટાળેલા ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો છે. ગામલોકોએ "પાણીના બદલામાં ગામડું વેચવાનું છે" તેવું બેનર લગાવ્યું છે. દાયકાઓથી અધૂરી સીના-માઢા નહેર યોજનાને કારણે કુવા સુકાયા છે, ખેતરો વેરાન બન્યા છે અને 7000ની વસ્તી ધરાવતું આ ગામ ટેન્કર પર નિર્ભર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં પાણીની કારમી તંગીથી ત્રાસી આખું ગામ વેચવા કાઢ્યું : બેનરથી વિવાદ
  • કિંમત રૂપે પાણી આપો અને આખું ગામડું વેચાતું લઈ જાઓ
  • સોલાપુરના તુલશી ગામે નહેર યોજના દાયકાઓથી અધૂરી, કુવાનાં તળ સૂકાયાં, ખેતરો વેરાન બન્યાં, ટેન્કર પર જ આધાર

સોલાપુર : પાણીની કારમી અછત, સૂકાતા જતા કૂવા અને વેરાન બનતા ખેતરોની દારૂણ વાસ્તવિકતાનો સામનો કરતા સોલાપુર જિલ્લાના ગામડામાં મોટું બેનર લગાડવામાં આવ્યું છે કે 'પાણીના બદલામાં ગામડું વેંચવાનું છે.' ગામમાં આ બેનર લાગતા વિવાદ સર્જાયો છે.
સોલાપુર જિલ્લાના માઢા તાલુકાના તુલશી ગામડાના વસતી ૭૦૦૦ની છે. ગામની સ્થિતિ સુધારવાને લગતા સરકાર તરફથી અપાયેલા વચનો પાળવામાં નથી આવ્યા. આને લીધે વ્યથિત થયેલા ગ્રામજનોએ વિરોધનો અનોખો માર્ગ અપનાવીને બેનર લગાડયું છે. કે 'પાણીના બદલામાં ગામડું વેંચવાનું છે'
નહેરમાંથી પાણી ગામડાના ખેતરો અને ગામડા સુધી પહોંચાડવા માટેની સીના-માઢા લિફ્ટ ઇરિગેશન યોજના માટેનું ખોદકામ જ અધૂરૂં છે. પરિણામે ગ્રામજનોએ દ ાયકાઓથી પાણી માટે વલણાં મારવા પડે છે. પાણીનું તળ નીચે જતા કૂવા સૂકાઇ ગયા છે. પાણીના અભાવે ખેતરો વેરાન થઇ ગયા છે. ગામડાના લોકોએ ટેન્કરના પાણી પર આધાર રાખવો પડે છે. દુકાળમાં અધિક માસની જેમ આ ચોમાસામાં અપૂરતા વરસાદને લીધે સ્થિતિ વધુ વણસી છે.
તુલસીના સરપંચ શરદ મોરેએ જણાવ્યું હતું કે પાણીની દર વર્ષે અછત ભોગવવી પડે છે. સીના-માઢા જળ પુરવઠા યોજનાની નહેર અમારા ગામડાની પાસેથી જ પસાર થતી હોવા છતાં અમને કોઇ લાભ નથી મળતો એ કેવી વિચિત્ર સ્થિતિ કહેવાય ? એટલે જ ગ્રામજનોએ બેનર ગલાડયું છે કે કિંમત રૂપે પાણી આપો અને આખું ગામડું વેંચાતું લઇ જાવ. અમારા ગામડાનો પાણીનો પોકાર સરકારના કાન સુધી પહોંચે એવું ઇચ્છીએ છીએ.
ગામડાના લોકોએ ગઇ ૧૪મી સપ્ટેમ્બરે ભૂખ હડતાળ પાડી હતી અને ત્યાર પછી તહેસીલ ઓફિસની બહાર થાળી-નાદ કરીને વિરોધ નોંધાવ્યો હતો. લોકોની પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલન ઉગ્ર બનાવાશે એવી સરકારને ચેતવણી આપવામાં આવી છે.
સરપંચ મોરેએ વધુમાં જણાવ્યું હતું કે સીના-માઢા સિંચાઇ યોજના હેઠળનું ૮૦૦ મીટરનું ખોદકામ છેલ્લાં ૨૬ વર્ષથી રખડી પડયું છે. આ ખોદકામ પૂરૂં કરવામાં આવે અને લિફ્ટઇરિગેશન સ્કીમ હેઠળ પાણી માંડે તો ગામડાની દાયકાઓ જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જાય.
અછતગ્રસ્ત તુલશી, બાવી, પરીતેવાડી, કુર્દુ, પિમ્પલખુંટે, અંતડ અને અંજનગાંવને સીના-માઢા લિફ્ટ ઇરિગેશન યોજનામાંથી પાણી પૂરૂં પાડવાની કૃષ્ણા વેલી ડેવલપમેન્ટ કોર્પોરેશને ૨૦૨૪માં મંજૂરી આપી હતી. ત્યાર બાદ આ વર્ષ જાન્યુઆરીમાં તુલશીની પાણીની ટાંકીં સુધી પાઇપલાઇન દ્વારા સીના-માઢાનું પાણી પહોંચાડવા માટે ૯૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે એવી જાહેરાત કરવામાં આળી હતી. પરંતુ હજી સુધી પાણી નથી પહોંચ્યું એમ સરપંચે જણાવ્યું હતું.