મહારાષ્ટ્રમાં એક વર્ષ સુધી એનાલોગ પનીર પર પ્રતિબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્પાદન, વેચાણ વપરાશ માટે છ માસની કેદ, ૧ લાખ દંડ થશે
એક વર્ષ બાદ સમીક્ષા થશે ઃ ૧૦૦ કરતાં વધુ સેમ્પલ ફેઈલ ગયા બાદ નિર્ણયઃ ફક્ત ડેરી પનીરનો જ ઉપયોગ કરી શકાશે
મુંબઈ - મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર એટલે કે દૂધને બદલે વનસ્પતિ તેલ કે અન્ય પ્રોસેસ્ડ સામગ્રીમાંથી બનતાં પનીર પર પ્રતિબંધ મૂકી દીધો છે. હાલ આ પ્રતિબંધ એક વર્ષ માટે મૂકાયો છે. એક વર્ષ બાદ તેની સમીક્ષા કરાશે. આ પ્રતિબંધના ભંગ માટે છ માસની જેલ અને એક લાખના દંડ સહિતની જોગવાઈઓ લાગુ કરાઈ છે.
એનાલોગ પનીરનાં ઉત્પાદન, પ્રક્રિયા, પેકિંગ, સંગ્રહ, પરિવહન, વિતરણ તથા વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનારું મહારાષ્ટ્ર દેશનું સંભવતઃ પહેલું રાજ્ય બન્યું છે. મહારાષ્ટ્ર દ્વારા પ્રતિબંધ પછી તરત જ ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર આવો પ્રતિબંધ મૂકાયો છે.
મહારાષ્ટ્રના એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ કહ્યું હતું કે આ પ્રતિબંધ ૩૦મી જુલાઈથી અમલી બન્યો છે. તેમણે કહ્યું હતું કે એફડીએની એક વર્ષ ચાલેલી તપાસ દરમિયાન રાજ્યભરમાંથી પનીરના ૩૦૮ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાં ૧૦૯નમૂનાઓ એટલે કે ૩૫.૪ ટકા ખાદ્ય સુરક્ષાના ધોરણોમાં નિષ્ફળ રહ્યા હતા. તેમાંથી ૭૯ નમૂનાઓ નિમ્ન ગુણવત્તાના હતા .જ્યારે ૩૦ નમૂનાઓ આરોગ્ય માટે અસુરક્ષિત જાહેર કરાયા હતા. આ ચોંકાવનારા પરિણામો બાદ સરકારે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હોવાનું મુંઢેએ જણાવ્યું.
એનાલોગ પનીર દૂધની જગ્યાએ વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, ઇમલ્સિફાયર અને અન્ય રસાયણોના ઉપયોગથી બનાવવામાં આવે છે. તેની કિંમત ઓછી હોવાથી કેટલાક વેપારીઓ તેને સામાન્ય દૂધના પનીર તરીકે વેચીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા હોવાનું એફડીએના ધ્યાનમાં આવ્યું હતું. આવા ઉત્પાદનોમાં પ્રોટીનનું પ્રમાણ પણ દૂધના પનીર કરતાં ઓછું હોય છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે રાજ્યની કોઈપણ હોટેલ, રેસ્ટોરન્ટ, ક્લાઉડ કિચન, કેટરિંગ સેવા, ઢાબા અથવા અન્ય ખાદ્ય વ્યવસાયી એનાલોગ પનીરનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરી શકશે નહીં. માત્ર દૂધમાંથી તૈયાર થયેલું અને ફૂડ સેફ્ટીના તમામ ધોરણો પૂર્ણ કરતું પનીર જ પીરસી શકાશે. જોકે ટોફૂ અને અન્ય સોયા આધારિત ઉત્પાદનો પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.
આ પ્રતિબંધના કડક અમલ માટે રાજ્યભરમાં સંયુક્ત કમિશનરો, સહાયક કમિશનરો અને એફડીએની ટીમો દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરાશે. ઉત્પાદકો, ગોડાઉન, પરિવહનકારો, હોલસેલરો અને રિટેલ વેપારીઓ પર પણ કડક નજર રાખવામાં આવશે. નિયમોનો ભંગ કરનાર સામે કેસ દાખલ કરવામાં આવશે અને કડક દંડાત્મક કાર્યવાહી થશે.
એફડીએએ ચેતવણી આપી છે કે એનાલોગ પનીરને સામાન્ય દૂધના પનીર તરીકે પીરસવું કે વેચવું ગ્રાહકો સાથે છેતરપિંડી ગણાશે. ગુનાની ગંભીરતા મુજબ છ મહિનાની જેલ અને રૃ. એક લાખના દંડથી લઈને, અસુરક્ષિત ખાદ્ય પદાર્થના સેવનથી કોઈનું મૃત્યુ થાય તો આજીવન કેદ અને ઓછામાં ઓછા રૃ. ૧૦ લાખના દંડ સુધીની જોગવાઈ છે.
દરમિયાન, પનીર બાદ ચીઝ એનાલોગ પર પણ આ પ્રકારનો પ્રતિબંધ મૂકવા માગણી થઈ છે.









