વાંદા-માખીનો ઉપદ્રવ, જમીન પર જ ખોરાક..મુંબઈમાં McDonald's સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઈસન્સ સસ્પેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ - કોલાબાના મેકડોનાલ્ડ આઉટલેટ થતા સાઉથ મુંબઈની બોમ્બે પ્રેસીડેન્સી રેડિયો ક્લબ ઉપરાંત નરીમાન પોઈન્ટનાં સ્ટેટસ રેસ્ટોરાં તથા મલાડના નોવારા રેસ્ટોરાંના કિચનમાં માખી, વાંદાનો ઉપદ્રવ, છતમાંથી ખરતુર્પ્લાસ્ટર, જમીન પર જ ખોરાક મૂકવા, કચરો, ધૂળ જામેલાં ફિક્સ્ચર્સ સહિતનાં ઉલ્લંઘનો જણાતાં તેમનાં ફૂડ લાઈસન્સ સસ્પેન્ડ કરાયાં હતાં.
ખાદ્ય પદાર્થની સુરક્ષામાં ૪૭ ટકા નિયમભંગ મળી આવ્યો
દક્ષિણ મુંબઈમાં ૧૯ઓગસ્ટના રોજ તપાસમાં રેડિયો ક્લબમાં ખાદ્ય પદાર્થની સુરક્ષામાં ૪૭ ટકા નિયમભંગ મળી આવ્યો હતો. રસોડામાં જીવતી માખીઓ અને મૃત વંદા, છતનું ખરતું પ્લાસ્ટર, ખાદ્ય પદાર્થોની નજીક કેમિકલ અને વોશિંગ પાવડર, જમીન પર સીધો ખોરાક તથા ગંદા ફ્રિજ મળી આવ્યા હતા. ખોરાકનો ગંદી રીતે નિકાલ, સ્ટવ પાસે જ કચરાપેટી, જીવાતોના પ્રવેશને અનુકૂળ છિદ્રો મળતાં ફૂડ લાઈસન્સ સસ્પેન્ડ કરાયું હતું.
વાંદા-માખીનો ઉપદ્રવ, જમીન પર જ ખોરાક , ગંદા હાથે ભોજન પીરસવા સહિતનાં ઉલ્લંઘનો
કોલાબા મેટ્રો હાઉસના મેકડોનાલ્ડ આઉટલેટમાં ફ્રિઝર કેલિબ્રેટ કરાયું ન હતું. વંદા, પેસ્ટ કન્ટ્રોલનો અભાવ, કોહવાતો કચરો, કર્મચારીઓનાં ગંદા કપડાં અને પગરખાં, તથા લાઈટિંગ સહિતનાં ફિક્સચર્સ પર ધૂળ અને જાળાં , ખોરાક પીરસતા પહેલાં કર્મચારીઓ દ્વારા સ્વચ્છતાના અભાવ સહિતની બાબતો જણાઈ હતી. ગ્રાહકોને ગો ચીઝ સોસ નામનું એનાલોગ પનીર અને ચીઝ અપાતાં હતાં.
સ્વચ્છ વાસણો પર જ કર્મચારીઓ મોઢું ધોતા હતા
નરીમાન પોઈન્ટનાં સ્ટેટસ રેસ્ટોરામાં સ્વચ્છ વાસણ પર જ કર્મચારી તેનું હાથ મોઢું ધોઈ રહેલો જણાયો હતો. ગંદા વાસણો,કાટ લાગેલાં વાસણો તથા કાચાં અને રાંધેલાં ભોજન તથા વેજ અને નોન વેજ ભોજન સાથે સાથે રાખવા સહિતનાં ઉલ્લંઘનો જોવા મળ્યાં હતાં. મલાડના નોવારા રેસ્ટોરામાં ૧૪ની ગંભીર ખામીઓ જણાઈ હતી. સ્ટેટસ રેસ્ટોરાંમાં ગંદકી બાબતે ગ્રાહકની ફરિયાદ બાદ એફડીએની ટીમો ત્રાટકી હતી.
એફડીએ દ્વારા છેલ્લા બે દિવસમાં વિશેષ અભિયાનમાં ૮૯ હોટલ, રેસ્ટોરાં અને ઢાબાંની તપાસ કરાઈ હતી. તેમાંથી ૭૧ને સુધારણા નોટિસ અપાઈ હતી જ્યારે ૧૩નાં લાઈસન્સ સસ્પેન્ડ કરાયાં હતાં. ખાર જિમખાનાનાં કિચન, સાંતાક્રુઝનાં બજરંગ સ્વીટ માર્ટ, અંધેરીની એએસએમ હોસ્પિટાલિટી સહિતનાં એકમો ઉપરાંત નાગપુર, નાશિક, અમરાવતી, છત્રપતિ સંભાજીનગર અને પરભણીના કુલ અન્ય એકમો સામે પણ લાઇસન્સ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયાએ કરી સ્પષ્ટતા
મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયાએ દેશભરની તમામ રેસ્ટોરન્ટ્સમાં ખાદ્ય સુરક્ષા અને ઉચ્ચ ગુણવત્તાના કડક ધોરણોની જાળવણી અંગે સ્પષ્ટતા કરી છે. તાજેતરના સરકારી અહેવાલની સમીક્ષા કરી રહેલી કંપનીએ જણાવ્યું કે તેઓ નિયમનકારી પ્રક્રિયાઓનું સન્માન કરે છે. ખાદ્ય સુરક્ષામાં ઝીરો-ટોલરન્સ નીતિ ધરાવતી કંપનીએ ગ્રાહકોને તેમની વાસ્તવિક ઉત્પાદન પ્રક્રિયા જોવા માટે રસોડાની મુલાકાત લેવાનું ખુલ્લું નિમંત્રણ પણ આપ્યું છે.




