શિર્ડી સાઈબાબાના મંદિરે પ્રસાદમાં લિમડાના છોડ મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શ્રદ્ધા-ભક્તિના માધ્યમથી પર્યાવરણનું રક્ષણ
સાઈબાબાએ પહેલીવાર શિર્ડીમાં લિમડાના વૃક્ષ નીચે આસન ગ્રહણ કર્યું હતું
મુંબઈ - દરરોજ હજારો સાઈભક્તોની અવરજવરથી ધમધમતા શિર્ડીના સાઈબાબા મંદિર તરફથી શ્રદ્ધા અને ભક્તિના માધ્યમથી પર્યાવરણનું રક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાઈબાબા સંસ્થાન તરફથી ભક્તોને લિમડાના રોપા પ્રસાદ રૃપે આપવામાં આવશે.
સાઈબાબાનું પહેલી વાર શિર્ડીમાં આગમન થયું ત્યારે ગુરુસ્થાન ક્ષેત્રમાં જે કડવા લિમડાનું વૃક્ષ છે તેની નીચે તેમણે આસન ગ્રહણ કર્યું હતું. એટલે સાઈબાબાના આગમનની સ્મૃતિ અને ગુરુના સ્થાન તરીકે સાઈભક્તોમાં આ લિમડાનું બહુ જ મહત્ત્વ છે. હવે આ જ આસ્થાનો ઉપયોગ પર્યાવરણ રક્ષણ માટે કરવામાં આવશે. સાઈબાબા સંસ્થાન તરફથી લિમડાના વૃક્ષના પ્રતિકાત્મક રોપા ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવશે.
આ પ્રકલ્પ હેઠળ એક લાખ રોપા તૈયાર કરવામાં આવશે. ૧૫ લાખ રૃપિયાના ખર્ચે તૈયાર રોપા ભક્તોને ૨૦ રૃપિયાની કિંમતે આપવામાં આવશે. માગણી મુજબ રોપા તૈયાર કરવાની કામગીરીનો વ્યાપ વધારવામાં આવશે. સાઈભક્તો આ લીંબડાના વૃક્ષના રોપા ઘરે લઈ જઈને રોપશે અને તેને જતનપૂર્વક ઉછેરશે એમ સાઈબાબા સંસ્થાનના સીઈઓ ગોરક્ષ ગાડીલકરે જણાવ્યું હતું.




