Mumbai

કોંકણની આફૂસ કેરીની સીઝન હાલ છેલ્લા તબક્કામાં

By GS Team
22 May 20261 min read
કોંકણની આફૂસ કેરીની સીઝન  હાલ છેલ્લા તબક્કામાં

આવક વધવાથી ભાવ ઘટવા માંડયા

હોલસેલ માર્કેટમાં રોજ સરેરાશ ૪૦થી ૫૦ હજાર પેટીની આવક થાય છે

મુંબઇકોકણની લોકપ્રિય આફૂસ (અલ્ફાન્ઝો) કેરીની સીઝનનો છેલ્લો તબક્કો શરૃ થઇ ગયો છે. બજારમાં આફૂસની ભરપૂર આવકને લીધે ભાવ નીચા આવવા માંડતા લોકોને રાહત થઇ છે.

આ  વર્ષે આફૂસની આવક મોડી શરૃ થઇ હતી. કમોસમી વરસાદ અને ખરાબ હવામાનનો ફટકો કેરીના પાકને પડતા કેરીનું ઉત્પાદન ઘટયું હતું. એટલે એવું મનાતું હતું કે આ વર્ષે આફૂસ કેરી બજારમાં ઓછી આવશે. માર્ચ મહિના પછી આફૂસ બજારમાં આવવા માંડી હતી. જો કે ઓછી આવકને કારણે ભાવ ઊંચા હોવાથી સર્વસામાન્ય લોકોને આફૂસ ખરીદવાનું પરવડે એમ નહોતું.

જો કે મે મહિનાથી આવક વધવા માંડતા ભાવ ઉતરવા માંડયા હતા. હવે કોકણના રત્નાગિરી, બાણકોટ, શ્રીવર્ધનથી મોટા પ્રમાણમાં આફૂસ આવવા માંડી છે. દરરોજ સરેરાશ ૪૦થી ૫૦ હજાર પેટી આવ વા માંડી છે.

નવી મુંબઇની હોલસેલ માર્કેટમાં આફૂસ ૨૦૦થી ૬૦૦ રૃપિયે ડઝનના ભાવે વેંચાવા માંડી છે. રિટેલ બજારમાં પણ ભાવ ઘટવા માંડતા માલનો ઉપાડ વધવા માંડયો છે. આમ આફૂસની સીઝનના છેલ્લાં તબક્કામાં સર્વસામાન્ય લોકોને આફૂસ ખાવા મળી રહી છે.

નવી મુંબઇ ફળ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે મે મહિનો પૂરો થાય એ પહેલાં જ કદાચ કોકણની આફૂસ કેરીનું વેચાણ પૂરું થવાની શક્યતા છે.  જો કે બજારમાં કર્ણાટક અને કેરળની આફૂસ કેરીની આવક ચાલુ જ છે.