Mumbai

ખરાતના સાથી જિતેન્દ્ર શેલ્કે તથા તેની પત્નીનું માર્ગ અકસ્માતમાં મોત

By GS Team
18 Apr 20263 mins read
ખરાતના સાથી જિતેન્દ્ર શેલ્કે તથા તેની પત્નીનું માર્ગ અકસ્માતમાં મોત

અહિલ્યા નગર પાસે સમૃદ્ધિ હાઈવે પર કારને કન્ટેનરની ટક્કર

મુંબઇ -          મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર શુક્રવારે જેલમાં બંધ સ્વયંભૂ ધર્મગુરુ અશોક ખરાતના નજીકના સાથી અને તેમની પત્નીનું મૃત્યુ થયું હતું.તેમની કાર એક કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનાને લઈને કેટલાક વિપક્ષી નેતાઓએ શંકા વ્યક્ત કરી હતી.

શેલ્કેના પુત્રને ગંભીર ઈજાઓઃ અકસ્માત ખરાત કેસમાં તથ્યો છૂપાવવાનું કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી તપાસની વિપક્ષોની માંગ

     પોલીસે મૃતકોની ઓળખ જીતેન્દ્ર  શેળકે (૫૫) અને તેમની પત્ની અનુરાધા (૫૦) તરીકે કરી છે. એક અધિકારીએ માહિતી આપી કે અકસ્માતમાં તેમના ૧૪  વર્ષના પુત્રને ગંભીર ઈજાઓ થઈ છે.

    શેળકે નાસિક સ્થિત ગોડમેન ખરાતનો નજીકનો સાથી હતો.ખરાતની  બળાત્કાર અને છેતરપિંડીના આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર શેળકે ખરાતનો બિઝનેસ પાર્ટનર હતો અને ગોડમેન દ્વારા સ્થાપિત શિવનિકા ટ્રસ્ટનો ઉપપ્રમુખ પણ હતો.

     તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માત બપોરે ૧૨ વાગ્યે પશ્ચિમ મહારાષ્ટ્ર જિલ્લામાં મુંબઈથી ૨૫૦ કિલોમીટર દૂર અહિલ્યાનગર જિલ્લામાં કોપરગાંવ પોલીસ સ્ટેશન હદ હેઠળના ધોત્રે ગામ પાસે થયો હતો.

     અધિકારીએ કહ્યું હતું કે કાર ચલાવતા શેળકે ચલાવી રહ્યા હતા. તેઓ પત્ની અને પુત્ર સાથે  મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે થઈને છત્રપતિ સંભાજીનગરથી થાણે આવી રહ્યા હતા. કાર ધોત્રે પહોંચતા જ તેમણે વાહન પરનો કાબુ ગુમાવી દીધો અને રસ્તાની બાજુમાં ઉભેલા કન્ટેનર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. 

    અકસ્માતમાં ત્રણ જણને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.ત્યાં શેળકે અને તેમની પત્નીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દંપતીનો પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલામાં કોપરગાંવ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે, એવી માહિતી અધિકારીએ આપી હતી. 

    અહિલ્યાનગરના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ અધિક્ષક સોમનાથ ઘર્ગેએ જણાવ્યું હતું કે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના અધિકારીઓ અને ઓટોમોબાઈલ નિષ્ણાતોની મદદથી  જીવલેણ અકસ્માતનું કારણ નક્કી કરવા માટે  વિશ્લેષણ કરવામાં આવશે.

   દરમિયાન વિપક્ષી નેતાઓએ આ ઘટનાને અવિશ્વસનીય ગણાવી અને શંકા સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું ખરાત સામેની તપાસમાં તથ્યો દબાવવા માટે આ કાવતરું  હતું.

      એનસીપી (એસપી)ના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું કે શિવનિકા સંસ્થાનના ઉપપ્રમુખ અને ખરાત સહયોગી શેળકેનું આકસ્મિક મૃત્યુ આઘાતજનક છે.

      ખરાત વિશે ચોક્કસ તથ્યો બહાર ન આવે તે માટે આ અકસ્માતનું કાવતરું  કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે શંકા  થાય છે. આ બનાવની વિગતવાર તપાસ થવી જોઈએ, એમ   તેમણે ઉમેર્યું હતું. 

         ખરાત અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૃપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે નાસિકના શરણપુરમાં એક સ્થળે  દરોડા પાડયા હતા. 

        ફેડરલ તપાસ એજન્સીએ ૬ એપ્રિલના રોજ ખરાત વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ  હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યો હતો.એમાં નાસિક પોલીસ દ્વારા ખંડણી, અનેક મહિલાઓ પર જાતીય હુમલા સહિતના આરોપો હેઠળ તેની સામે દાખલ કરાયેલી એફઆઈઆરની નોંધ લેવામાં આવી હતી.

    શિરડી ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિ શેળકે ૨૦૨૩થી શિવનિકા સંસ્થાન ટ્રસ્ટના સભ્ય હતા. બાદમાં ૨૦૨૫માં તેમને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા રાચ. ખરાત સાથે જોડાયેલા જમીન સોદા કેસમાં તેમને મહત્વપૂર્ણ સાક્ષી માનવામાં આવ્યા હતા. 

    એક પરિણીત મહિલાએ ત્રણ વર્ષથી વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યા બાદ ૧૮ માર્ચે ખરાતની ધરપકડ કરવામાં આવી હતી. તે હાલમાં નાસિક જેલમાં છે.