Mumbai

કેઈએમ હૉસ્પિટલે સેજલ પવારને 15 દિવસ માટે ફરજિયાત રજા પર મોકલી

By GS Team
14 Jun 20262 mins read
કેઈએમ હૉસ્પિટલે સેજલ પવારને 15 દિવસ માટે ફરજિયાત રજા પર મોકલી

હસતાં હસતાં કરેલી ટિપ્પણી બાદ હવે સતત રડી રહી છે...

વિડીયો વાયરલ થયા બાદ વિદ્યાર્થિની માનસિક દબાણમાં આવી, કૉલેજ, હૉસ્પિટલ અને હૉસ્ટેલમાં પ્રવેશ પર પ્રતિબંધ, તેનું કાઉન્સિલિંગ કરાશે

મુંબઈ - મુંબઈની કેઈએમ હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજ દ્વારા એમબીબીએસ વિદ્યાર્થિની સેજલ પવાર સામે પ્રથમ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરેના શોમાં કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ કોલેજ પ્રશાસને સેજલ પવારને ૧૫ દિવસની 'ફોર્સ્ડ લીવ' (ફરજિયાત રજા) પર મોકલી દીધી છે. આ સમયગાળા દરમિયાન તેને કોલેજ, હોસ્પિટલ અને હોસ્ટેલ પરિસરમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કોલેજની આંતરિક તપાસ સમિતિએ આ મામલાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. મૃતદેહ (કેડેવર) અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓથી વૈદ્યકીય ક્ષેત્રની નૈતિકતા અને વ્યાવસાયિક જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થયા હતા. ફરિયાદો મળ્યા બાદ પ્રશાસને મામલાને ગંભીરતાથી લઈને શિસ્તતાના પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, વિવાદ બાદ સેજલ પવાર ભારે માનસિક દબાણમાં હતી અને સતત રડી રહી હતી. તેની પૂછપરછ દરમ્યાન પણ તે સતત રડી રહી હતી. તેની ભાવનાત્મક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોલેજે તેને ૧૫ દિવસ માટે ફરજિયાત રજા આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. આ દરમિયાન તેના સમુપદેશન (કાઉન્સેલિંગ) માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તેના માતા-પિતાની હાજરીમાં માર્ગદર્શન સત્ર યોજાશે.

આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા અને તબીબી વર્તુળોમાં વ્યાપક ચર્ચા જગાવી છે. વિવિધ તબીબી સંગઠનોએ આ ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી છે, જ્યારે કૉલેજ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને જરૃરી શિસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે.