Mumbai

ડો. સેજલ પવાર સામે તપાસ માટે કેઈએમ દ્વારા કમિટીની રચના

By GS Team
13 Jun 20262 mins read
ડો. સેજલ પવાર સામે તપાસ માટે કેઈએમ દ્વારા કમિટીની રચના

પ્રણિત મોરેના શોમાં પુરુષ મૃતદેહો અંગે અભદ્ર ટિપ્પણીથી  વિવાદમાં

હોસ્પિટલ ઉપરાંત રેસિડેન્ટ ડોક્ટર એસો.એ પણ ટિપ્પણીઓ વખોડીઃ ડો. સેજલે સોશિયલ મીડિયા પર જાહેર માફી માગી

મુંબઈ  - બીએમસી- સંચાલિત કેઇએમ હોસ્પિટલની તબીબી  વિદ્યાર્થિનીએ કોમેડી શોમાં કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીની તપાસ કરવા બે સભ્યની સમિતિની રચના કરવામાં આવી છે. એમબીબીએસની વિદ્યાર્થિની ડો. સેજલ પવારે પુરુષોના મૃતદેહ બાબતમાં વાંધાજનક ટિપ્પણી કરી હતી.

કેઇએમ હોસ્પિટલના ડીન ડો. હરીશ એમ. પાઠકે ગુરુવારે કહ્યું હતું કે ટિપ્પણી અસ્વીકાર્ય હતી. સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરેના શોમાં ડો. સોનલ પવાર અને વેબડેવલપર હિમાંશુ જાગડાએ વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. આથી આ ત્રણે સામે મહારાષ્ટ્ર સાયબર પોલીસે કેસ નોંધ્યો છે. ડો. સોનલ પવારે પોતાના નિવેદનો બદલ જાહેર માફી માગતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યો છે.

કેઈએમ હોસ્પિટલ મેનેજમેન્ટે મામલાની નોંધ લીધી હતી અને પછી તપાસનો આદેશ આપ્યો હતો. ઇન્ક્વાયરી કમિટીમાં હોસ્ટેલના વોર્ડ અને બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના વડા ડો. અનિતા ચાલાક અને મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. શ્રદ્ધા મોરેની સમિતિ તપાસ કરીને આગામી બે-ત્રણ દિવસમાં રિપોર્ટ આવશે. સમિતિનો રિપોર્ટ મળ્યા પછી યોગ્ય પગલાં ભરાશે તેવું ડો. પાઠકે હ્યું હતું. નેશનલ મેડિકલ કમિશનની સોશિયલ મીડિયા ગાઇડલાઇન્સની પાર્શ્ચભૂમાં સમિતિ મામલાની તપાસ  કરશે.

ડો. સેજલ પવારે પુરુષ મૃતદેહોનાં ગુપ્ત અંગો બાબતે અભદ્ર કોમેન્ટસ કરી હતી.  ડો. સેજલ પવારની ટિપ્પણી સામે સોશિયલ મીડિયા પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તબીબી શિક્ષણમાં ઉપયોગી બની શકાય તે ભાવનાથી લોકો પોતાના પરિવારજનોના મૃતદેહ હોસ્પિટલોને સોંપે છે. ડો. પવારની ટિપ્પણી મૃતદેહોનું અપમાન છે અને દેહદાન સાથે સંકળાયેલા ગૌરવ પણ અપમાન છે.

દરમિયાન મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ (એનએઆરડી)ની કેઈએમ શાખાએ એક નિવેદનમાં કહ્યું કે 'આ વિવાદમાં સંડોવાયેલા વ્યક્તિ એમબીબીએસના વિદ્યાર્થિની છે અને કેઇએમ એમએઆરડીના સભ્ય છે. વિદ્યાર્થિનીએ કરેલી ટિપ્પણી અયોગ્ય હતા અને મેડિકલ પ્રોફેસર્ન્સના મૂલ્યોનો પ્રતિબિંબ પાડતું નથી અને લોકોને ખૂબ જ દુખ થયું છે'

કેઇએમ એમએઆરડી ટિપ્પણીને સમર્થન નથી આપતું, પણ વિદ્યાર્થિનીને ઓનલાઇન અપશબ્દો સતત કહેવામાં આવે છે અને તેને લક્ષ્ય બનાવીને હેરાનગતિ કરવામાં આવે છે તેવું નહીં થવું જોઈએ તેવું સંસ્થાએ કહ્યું હતું.