Mumbai

કમાલ આર ખાનનું આર્મ્સ લાયસન્સ 1 મહિનામાં રદ કરાશે

By GS Team
17 Feb 20262 mins read
કમાલ આર ખાનનું આર્મ્સ લાયસન્સ 1 મહિનામાં રદ કરાશે

મુંબઈ પોલીસે પ્રક્રિયા હાથ  ધરી 

લાયસન્સ પ્રાપ્ત પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ બદ્દલ ધરપકડ થઈ હતી

મુંબઇ  -  અભિનેતા અને ફિલ્મ નિર્માતા કમાલ રાશિદ ખાન (કેઆરકે)નું આર્મ્સ લાયસન્સ રદ્દ કરવાની પ્રક્રિયા મુંબઇ પોલીસે હાથ ધરી છે અને એક મહિનાની  અંદર તે રદ્દ થવાની શક્યતા છે તેવું એખ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ૧૮ જાન્યુઆરીએ અંધેરીના ઓશીવારામાં એક રહેણાંક મકાનમાં ગોળીબારની ઘટનાના સંદર્ભમાં ૧૯ જાન્યુઆરીએ કેઆરકેની ધરપકડ કરવામાં આવી હતી હાલમાં તે જામીન પર બહાર છે. 

આ ઘટના બાદ વર્સોવા પોલીસે ખાનની ૭.૭૬ મી.મી.ની જર્મન બનાવટની માઉઝર પિસ્તોલ માટે હથિયાર લાયસન્સ રદ્દ કરવાની પ્રક્રિયા શરૃ કરી દીધી છે. આ બાબતે સંબંધિત દસ્તાવેજો પોલીસ કમિશનરની ઓફિસને મોકલી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિભાગને ખાનનું હથિયાર લાયસન્સ રદ્દ કરવાની માંગ કરતો પત્ર મળ્યો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

આ સંદર્ભે આગળની કાર્યવાહી કરતા પહેલા વર્સોવા પોલીસ સ્ટેશન પાસેથી સમીક્ષા રિપોર્ટ માંગવામાં આવ્યો છે. દરમિયાન મુંબઇ પોલીસ મુખ્યાલયના સૂત્રો અનુસાર ખાનનું હથિયાર લાયસન્સ એક મહિનાની અંદર રદ્દ થવાની શક્યતા છે.  પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબારની ઘટના ૧૮ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨.૧૫ વાગ્યે અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં બની હતી.

લોખંડવાલા કોમ્પલેક્સમાં નાલંદા એપાર્ટમેન્ટના બીજા અને ચોથા માળના અલગ-અલગ ફલેટમાંથી બે શેલ  મળી આવ્યા હતા. અહીં મોડેલ પ્રતિક બૈદ બીજા માળે રહે છે. જ્યારે લેખક-દિગ્દર્શક  નીરજકુમાર મિશ્રા ચોથા માળે રહે છે. આ ઘટના બાદ  બે રાઉન્ડ ફાયરિંગ પ્રકરણે ઓશિવારા પોલીસે કેઆરકેની ધરપકડ કરી હતી. તે આ કેસમાં મુખ્ય શકમંદ છે. પૂછપરછ દરમિયાન  ખાને દાવો કર્યો હતો કે તેની લાયસન્સ પ્રાપ્ત બંદૂકને સાફ કરી રહ્યો હતો અને તેનું પરીક્ષણ કરવા તેણે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.