ન્યા. ગૌતમ પટેલને ધમકી અંગેનો તપાસ અહેવાલ ગુપ્ત રાખવા આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્ર સરકાર તથા પોલીસ વતી તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ
૨૬/૧૧ના લાઈવ ટેલિકાસ્ટથી સુરક્ષા દળોની કાર્યવાહીમાં અવરોધ સર્જાયા હતા, હવે તેવું નથી થવા દેવું ઃ હાઈકોર્ટ
મુંબઈ - કેન્દ્ર અને મુંબઈ પોલીસે ગુરુવારે ભૂતપૂર્વ ન્યાયાધીશ ગૌતમ પટેલના ૨૦૨૪ના દાઉદી બોહરા ના ધર્મગુુરુના ઉત્તરાધિકારી અંગેના ચુકાદા પર તેમને મળેલી કથિત જાનથી મારી નાખવાની ધમકીઓની તપાસ અંગે બોમ્બે હાઈકોર્ટમાં તેમના અહેવાલો રજૂ કર્યા હતા.હાઈકોર્ટે તેમને ગુપ્ત રાખવાનો આદેશ આપ્યો છે.કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે નોંધ્યું હતું કે તપાસની વિગતો જાહેર કરવી યોગ્ય રહેશે નહીં.
આપણે બધાએ જોયું કે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ ના આતંકવાદી હુમલા દરમિયાન શું થયું. આખી ઘટના ટેલિવિઝન પર પ્રસારિત થઈ હતી અને તપાસ અને અન્ય કાર્યવાહીમાં અવરાધે ઉભો થયો હતો. અમને હવે તે જોઈતું નથી,એમ કોર્ટે ટિપ્પણી કરી હતી.
મુંબ ઈ પોલીસ કમિશનર દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે જસ્ટિસ પટેલ અને તેમના પરિવારને મળેલી ધમકીઓ અંગે બે બિન-દખલપાત્ર ગુના નોંધવામાં આવ્યા છે.તપાસ ચાલુ છે. આગામી સુનાવણીની તારીખે કોર્ટમાં વધુ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે,એમ એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ કોર્ટને જણાવ્યું હતું.
વિદેશ મંત્રાલયે તેના અહેવાલમાં લંડનમાં ન્યાયાધીશ પટેલ અને તેમના પરિવારને સુરક્ષા આપવા અને તેમની પુત્રી પર થયેલા શારીરિક હુમલા અંગે લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કર્યો છે.
બેન્ચે અહેવાલોનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું કે આગામી મહિને વધુ સ્થિતિ અહેવાલ રજૂ કરવામાં આવશે. હાઈકોર્ટે આ મામલાની વુ સુનાવણી સાતમી ઓગસ્ટના રોજ મુલતવી રાખી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૦ મહિનાથી જસ્ટિસ પટેલ અને તેમના પરિવારના સભ્યોને ધમકીભર્યા પત્રો મળી રહ્યા છે, જેમાં તાજેતરના પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે પરિવાર માટે કિલિંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમાં એક ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસ પણ હતું, જે ત્યારથી લંડન પોલીસને સોંપવામાં આવ્યું છે.
ગુનેગારોએ માંગ કરી હતી કે નિવૃત્ત ન્યાયાધીશ એક યુટયુબ વિડીયો પોસ્ટ કરે જેમાં તેમના ચુકાદા માટે માફી માંગે અને દાવો કરે કે તે દબાણ અને બળજબરી હેઠળ આપવામાં આવ્યો હતો. ન્યાયાધીશ પટેલની પત્નીને પણ તેમના મુંબઈના ઘરે આવી જ ધમકીઓ મળી હતી.ત્રણ વકીલ સંગઠનોએ ગયા મહિને આ મુદ્દામાં ન્યાયિક હસ્તક્ષેપની માંગણી કરતી જાહેર હિતની અરજી દાખલ કરી હતી.




