રામાયણની શુર્પણખા રકુલ પ્રીત, સસરા વાસુ ભગનાની પર આઈટીના દરોડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોલિવુડ રડાર પર ઃ દ્રશ્યમના નિર્માતાના પેનોરમા સ્ટુડિયો પર પણ દરોડા
ફિલ્મ પ્રોજેક્ટસ, શૂટિંગના નામે મોટી રકમ વિદેશમાં સગેવગે કરાયાની શંકાઃ કરચોરી, મની લોન્ડરિંગ તથા બિનહિસાબી સંપત્તિની તપાસ
મુંબઈ - મુંબઈ આવકવેરા વિભાગે બોલિવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તેના સસરા અને ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની અને અજય દેવગણની ફિલ્મ 'દ્રશ્યમ થ્રી' પ્રોડયૂસ કરનારા પેનોરમા સ્ટુડિયો સાથે જોડાયેલા લગભગ ૧૨ સ્થળોએ કરચોરી અને ફિલ્મ સંબંધિત પ્રવૃત્તિઓના નામે કથિત વિદેશી ભંડોળ ટ્રાન્સફરના આરોપસર સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું. કરચોરી, મની લોન્ડરિંગ અને બિનહિસાબી સંપત્તિને લગતી તપાસ માટે સોમવારથી આ કાર્યવાહી શરુ કરાઈ હતહી.
વિગત મુજબ, આવકવેરા વિભાગની ટીમોએ ૧૨ સ્થળોએ એક સાથે દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ અધિકારીઓને શંકા છે કે ફિલ્મ પ્રોજેક્ટ્સ, વિદેશી વ્યવહારો અને શૂટિંગના નામે મોટી રકમ વિદેશમાં મોકલવામાં આવી રહી હતી. વિભાગ હાલમાં નાણાકીય દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે.
આવકવેરા વિભાગની ઘણી ટીમો એકસાથે મુંબઈમાં દસ્તાવેજો, નાણાકીય રેકોર્ડ અને વિદેશી વ્યવહારોની વિગતોની તપાસ હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ હજુ પણ ચાલુ છે અને મહેસૂલ કર સંબંધિત ગેરરીતિઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
વાશુ ભગનાની પૂજા ફિલ્મ્સ નામની પ્રોડક્શન કંપની ચલાવે છે અને કુમાર મંગત પાઠકના માલિકીના પેનોરમા સ્ટુડિયો સાથે પણ સંકળાયેલા છે. પેનોરમાના બેનર હેઠળ દ્રશ્યમ ફ્રેન્ચાઇઝી જેવી હિટ ફિલ્મો બની છે. વાશુ ભગનાનીએ કુલી નંબર ૧(૧૯૯૫), બડે મિયાં છોટે મિયાં (૧૯૯૮), રહેના હૈ તેરે દિલ મેં અને મિશન રાનીગંજ સહિત અનેક જાણીતી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.
જોકે, તેઓ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ફસાયેલા છે. ફિલ્મ બડે મિયાં છોટે મિયાં (૨૦૨૪) ના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર સાથે તેમનો નાણાકીય વિવાદ ચાલુ છેે. તો વધુમાં ફિલ્મ હૈ જવાની તો ઈશ્ક હોના હૈ ના ગીતો અને દ્રશ્યોના અધિકારો અંગે ટિપ્સ ફિલ્મ્સ સાથે પણ તેમનો કોપીરાઇટ વિવાદ હતો.
અભિનેત્રી રકુલ પ્રીત સિંહે વશુ ભગનાનીના પુત્ર નિર્માતા જેકી ભગનાની સાથે લગ્ન કર્યા છે. રકુલ હાલમાં નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત રામાયણ ભાગ ૧માં શૂર્પણખાની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી દરમિયાન છ નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
રકુલનો ભાઈ પણ ડ્રગ કેસમાં ફસાયો હતો
રકુલ પ્રીત સિંહનો ભાઈ પણ અગાઉ કાનૂની વિવાદોમાં ફસાયેલો છે. ડિસેમ્બર ૨૦૨૫ માં, મુંબઈ પોલીસે ડ્રગ્સના કેસમાં રકુલના ભાઈ અમન પ્રીત સિંહની શોધ શરૃ કરી હતી. ડ્રગ લો એન્ફોર્સમેન્ટ (ઈગલ) ફોર્સ અને પશ્ચિમ ઝોન પોલીસે બે ડ્રગ તસ્કરોની ધરપકડ કરી અને તેમની પાસેથી ૪૩ ગ્રામ કોકેન અને ૧૧.૫ ગ્રામ એમડીએમએ જપ્ત કર્યું હતું. બંને આરોપીઓની તપાસ દરમિયાન, એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે અમન પ્રીત સિંહે પાંચ વખત તસ્કરો પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું.
દરમિયાન રકુલનું નામ પણ અગાઉ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ દરમિયાન, રિયા ચક્રવર્તીએ ડ્રગ્સના ઉપયોગના સંદર્ભમાં પૂછપરછ દરમિયાન સારા અલી ખાન અને રકુલ પ્રીતનું નામ લીધું હતું. રકુલ તેમના નામના મીડિયા કવરેજને રોકવા માટે હાઇકોર્ટમાં પણ ગઈ હતી.
રકુલ સાથેનો બીજો વિવાદ ત્યારે ઉભો થયો હતો. જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૦૨૨ માં ટોલીવુડ ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા મની-લોન્ડરિંગ કેસમાં તેની પૂછપરછ કરી હતી.




