ફાયર સેફ્ટીમાં લોલમલોમાં માસુમ હોમાયાં, પરિવારો પર આભ તૂટયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હોસ્પિટલમાં પૂરતી ફાયર સિસ્ટમ નહિ હોવાથી ફાયર બ્રિગેડની રાહ જોવામાં સમય વેડફાયો ઃ કેટલાંક પરિવારોને કલાકો પછી ખુવારીની જાણ કરાઈ
મુંબઈ - અમરાવતીમાં સરકારી હોસ્પિટલના એનઆઈસીયુમાં આગ લાગી ત્યારે ફાયર એલાર્મ વાગતા ન હતા,વોર્ડની પાણી છંટકાવ સિસ્ટમ કામ કરી રહી નહોતી. જેના કારણે ગંભીર રીતે બીમાર નવજાત શિશુઓ માટે વોર્ડ ડેથ બેડ બની ગયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બહાર સૂતેલા માતા-પિતા અને સુરક્ષા રક્ષકોએ ધુમાડાથી ભરેલા નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (એનઆઈસીયુ)માં બાળકોને બચાવી સલામત સ્થળે લઈ જવા માટે ખૂબ જ મહેનત કરી હતી.
આગમાં પ્રફુલ ચોપડેએ પોતાના પાંચ દિવસના પુત્રને ગુમાવ્યો હતો. સંબંધીઓએ શોક વ્યક્ત કરતા આરોપ લગાવ્યો હતો કે ફાયર એલાર્મ વાગતા ન હતા અને આગ ફાટી નીકળી ત્યારે સ્પ્રિંકલર સિસ્ટમ કામ કરતી નહોતી.
મીડિયા સાથે વાત કરતા ચોપડેએ દાવો કર્યો કે ઘટના સમયે ફાયર એલાર્મ વાગ્યું ન હતું. હોસ્પિટલ વહીવટીતંત્રની બેદરકારીને કારણે તેણે પોતાનું બાળક ગુમાવ્યું હતું.
વ્યથિત પિતાએ કહ્યું કે પાંચ દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો.૧૯ ઓગસ્ટના રોજ બાળક અને માતાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ચોપડેના સંબંધીઓએ જણાવ્યું હતું કે પ્રફુલની પત્નીએ પાંચ દિવસમાં બાળકને જોયું નથી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે આ ઘટનામાં ફક્ત શિશુઓને જ કેમ નુકસાન થયું, હોસ્પિટલના કોઈ સ્ટાફને કેમ કંઈપણ થયું નહીં.
તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલના સત્તાવાળાઓએ તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી અને આગ બુઝાવવા માટે ફાયર ટેન્ડરોની રાહ જોઈ હતી.
પુલગાંવ ગામના રહેવાસી સ્વપ્નિલ બાર્જેએ આગમાં પોતાનો એક દિવસનો પુત્ર ગુમાવ્યો હતો. તેણે કહ્યું સવારે લગભગ ૩-૩૦ વાગ્યે હું એક મિત્ર સાથે હોસ્પિટલના ગેટ પર ઉભો હતો. ત્યારે મેં એક મહિલાની બૂમો સાંભળી હતી. પરંતુ અમને કંઈ કહેવામાં આવ્યું નહીં. પછી હોબાળો મચી ગયો અને ફાયર બ્રિગેડ આવી હતી. હું મારા બાળક અને પત્નીને શોધતો રહ્યો હતો. ઘણી શોધખોળ કરી પણ મારો પુત્ર મળ્યો નહીં. આ બનાવના કલાકો પછી બાર્જને તેના પુત્રના મૃત્યુની જાણ કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં દાખલ કેટલાક બાળકોના સંબંધીઓએ દાવો કર્યો હતો કે વોર્ડની પાણી છંટકાવ સિસ્ટમ આગ લાગી ત્યારે તરત જ સક્રિય થઈ જવી જોઈતી હતી. તે કામ કરી રહી ન હતી. અમરાવતીના અચલપુરના રહેવાસી યોગેશ સાવરકરે જણાવ્યું હતું કે તેની પત્ની અને આઠ દિવસના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગ લાગી ત્યારે તે ઇમારતની બહાર સૂતો હતો.
સાવરકરે કહ્યું કે તેનું બાળક હોસ્પિટલના પહેલા માળે હતું. આગની જ્વાળાઓ એક વોર્ડમાં ફેલાઈ જતાં તેઓ ઉપરના માળે દોડી ગયા હતા. પોતાના બાળકને બચાવ્યો અને તેને સલામત સ્થળે નીચે લઈ ગયા હતા.
મારું બાળક પહેલા માળે હતું. હું જાતે ગયો અને તેને નીચે લાવ્યો હતો. હું હોસ્પિટલમાં અન્ય બાળકો પર રાખ જોઈ શકતો હતો, એમ સાવરકરે કહ્યું હતું.
તેણે દાવો કર્યો કે સુરક્ષા ગાર્ડ્સ સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળકોને બચાવવાનું શરૃ કર્યું હતું. તેણે નર્સને પણ જીવ બચાવવામાં મદદ કરતી જોઈ હતી. બાળકોના સંબંધીઓએ આ દુર્ઘટના માટે વહીવટીતંત્રને દોષી ઠેરવ્યું હતું.
પરિવારોએ કહ્યું કે તેમને આગ લાગવાનું ચોક્કસ કારણ ખબર નથી.વોર્ડમાં ભયાનક આગ પ્રસરી જતા માતાપિતા અને સ્ટાફમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.









