વરસાદની અસરઃ ચાર નવી મેટ્રોમાં એક દિવસમાં ૩.૬૫ લાખ પ્રવાસીનો વિક્રમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસામાં મેટ્રો બંધ ન પડતી હોવાથી પ્રવાસીઓ વધ્યા
દહિસર-અંધેરી વેસ્ટ, દહિસર-ગુંદવલી, દહિસર-કાશીગાવ અને ડાયમંડ ગાર્ડન-મંડાલે મેટ્રો રુટ છેલ્લાં બે સપ્તાહમાં પ્રવાસી સંખ્યામાં ઉછાળો
મુંબઈ - દહિસર-અંધેરી વેસ્ટ મેટ્રો-૨એ, દહિસર-ગુંદવલી મેટ્રો-૭, દહિસર-કાશીગાવ મેટ્રો-૯નો પહેલો તબક્કો, ડાયમંડ ગાર્ડન - મંડાલે મેટ્રો ૨બીનો પહેલો તબક્કો મળી ચારેય મેટ્રો લાઈનમાં ગુરુવારે એક દિવસમાં કુલ ૩,૬૫,૮૪૫ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો. આ અત્યારસુધીની સર્વાધિક પ્રવાસી સંખ્યા છે. ચોમાસામાં પણ મેટ્રોની સેવા અવિરત ચાલુ હોવાથી પ્રવાસીઓ મેટ્રોને પસંદ કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના ૧૪ મેટ્રો પ્રોજેક્ટમાંથી મેટ્રો-૨એ, મેટ્રો-૭ અને મેટ્રો-૯નો પહેલો તબક્કો અને મેટ્રો-રબીનો પહેલો તબક્કો એમ ચાર લાઈન અત્યારે ચાલુ છે. આ લાઈન જ્યારે સેવામાં આવી ત્યારે પ્રવાસીઓનો ખાસ પ્રતિસાદ મળી રહ્યો નહોતો. પરંતુ હવે આ લાઈન પર પ્રવાસીઓ વધી રહ્યાં છે. ઝડપી, શીતળ અને સરળ પ્રવાસને લીધે લોકો મેટ્રો તરફ વળી રહ્યા છે.
ચોમાસામાં પણ મેટ્રો બંધ પડતી ન હોવાથી છેલ્લાં ૧૦-૧૫ દિવસમાં આ ચારેય મેટ્રોમાં પ્રવાસી સંખ્યા વધી હોવાની માહિતી એમએમઆરડીએ દ્વારા અપાઈ છે. ૧૯ જૂનના ચારેય મેટ્રો લાઈન પરથી કુલ ૩,૫૭,૮૯૫ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. ત્યારે પહેલીવાર સૌથી વધુ પ્રવાસી સંખ્યા નોંધાઈ હતી. ત્યારબાદ ૨૩ જૂનના આ લાઈનો પરથી કુલ ૩,૫૮,૧૧૫ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો અને હવે જુલાઈમાં દૈનિક પ્રવાસી સંખ્યાનો આંકડો ગુરુવારે નવમી જુલાઈએ ૩,૬૫,૮૪૫ ને પાર ગયો હતો. જે અત્યાર સુધીની વિક્રમી પ્રવાસી સંખ્યા સાબિત થઈ છે.




