ડોક્ટરોને ફટકારતા નેતાઓની તત્કાળ ધરપકડ કરોઃ સુપ્રીમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્હાત્રેની અરજી સાંભળતી વખતે પાલઘરની નવી ઘટનાથી સુપ્રીમ વધુ નારાજ
એ જ ગૂ્રપના લોકો દ્વારા ફરી હુમલો થયો છે, આ લોકો તો આમ વર્તવા ટેવાયેલા લાગે છે ઃ શિવસેનાના જ નેતાઓ દ્વારા ફરી હુમલા સંદર્ભમાં સુપ્રીમની ટકોર
મુંબઈ - ડોમ્બિવલીની મહાપાલિકા હોસ્પિટલમાં ડોક્ટરોને ફટકારનારા શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેએ તેમના જામીન માટે હાઈકોર્ટ દ્વારા લદાયેલી મહારાષ્ટ્રમાંથી હદપાર રહેવા સહિતની શરતો સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે સુનાવણી ચાલી રહી હતી તે જ વખતે સુપ્રીમ કોર્ટે પાલઘરમાં ફરી શિવસેનાના જ નેતાઓ દ્વારા ડોક્ટરો પર થયેલા હુમલાના સંદર્ભમાં ભારે નારાજગી વ્યક્ત કરી ડોક્ટરો પર હુમલો કરનારા નેતાઓની તત્કાળ ધરપકડ કરવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો હતો.
જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ સંદિપ મહેતાની બેન્ચે કહ્યુ ંહતું કે ફરી ગઈકાલે પણ મહારાષ્ટ્રમાં ડોક્ટરો પર હુમલો થયો છે. તેમાં એ જ ગૂ્રપના લોકો સંડોવાયેલા હોવાના અહેવાલો છે.
સુપ્રીમ કોર્ટે એડવોકેટ મુકુલ રોહતગીને કહ્યું હતું કે પરિસ્થિતિ ઉલ્ટાની વણસી રહી છે. એ જ ગૂ્રપના લોકોએ ફરી ડોક્ટરો પર હુમલો કર્યો છે. આ લોકો તો આ રીતે જ વર્તવા ટેવાયેલા હોય તેમ લાગે છે.
તમે હોસ્પિટલમાં ઘૂસી જઈને ડોક્ટરોને ફટકારો એ કેવી રીતે ચલાવી લેવાય ? આ કાયદો અને વ્યવસ્થાનો સવાલ છે. આ લોકોની તત્કાળ ધરપકડ થવી જોઈએ. અમને લાગે છે કે આ લોકોને રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરવા દેવા જોઈએ નહીં એમ જસ્ટીસ મહેતાએ કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે મ્હાત્રેના કેસની સુનાવણી કરતી વખતે અગાઉ પણ કડક વલણ અપનાવતાં ટિપ્પણી કરી હતી કે ડોક્ટરો પર હુમલો કરનારાઓને જામીન પર રહેવાનો અધિકાર નથી.
આજે પણ સુપ્રીમ કોર્ટનું કડક વલણ જોઈ મ્હાત્રે વતી તેમની હાઈકોર્ટની શરતી જામીન વિરુદ્ધની અરજી પાછી ખેંચી લેવાની મંજૂરી માગવામાં આવી હતી. સુપ્રીમે દલીલો બાદ આ મંજૂરી તો આપી હતી પરંતુ બીજી તરફ આ કેસમાં રાજ્ય સરકાર દ્વારા થયેલી મ્હાત્રેના જામીનને પડકારતી અરજી સંદર્ભમાં મ્હાત્રેને નોટિસ જારી કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ડોમ્બિવલીની મહાપાલિકા હોસ્પિટલમાં મ્હાત્રે તથા તેમના સાથીઓએ ડોક્ટરોને ફટકાર્યા હતા. આ કેસમાં સ્થાનિક કોર્ટ દ્વારા મ્હાત્રેને જામીન આપી દેવાયા હતા પરંતુ હાઈકોર્ટે સુઓ મોટો કાર્યવાહી કરી મ્હાત્રેને પરી સરન્ડર થવા આદેશ આપ્યો હતો. બાદમાં હાઈકોર્ટે મ્હાત્રેને ચાર્જશીટ ન થાય ત્યાં સુધી રાજ્યમાંથી હદપાર રહેવાની શરતે જામીન આપ્યા હતા.
મ્હાત્રેનો વિવાદ શાંત પડે તે પહેલાં ગઈકાલે પાલઘરની રીલિફ હોસ્પિટલમાં શિવસેનાના જિલ્લા પ્રમુખ કુંદન સાંખે, શહેર પ્રમુખ રાહુલ ઘરત અને અન્ય નેતાઓએ ડોકટરો તથા સ્ટાફને દહીં હાંડીમાં ઘવાયેલા ગોવિંદાઓની ખોટી રીતે ટ્રીટમેન્ટ કરી વધુ પૈસા પડાવાતા હોવાના આરોપો મૂકીને ફટકાર્યા હતા. આથી સુપ્રીમ કોર્ટ વધારે નારાજ થઈ હતી.




