Mumbai

તડબૂચ ખાધા પછી ખોરાકી ઝેરથી પતિ-પત્ની અને 2 દીકરીઓનાં મોત

By GS Team
28 Apr 20262 mins read
તડબૂચ ખાધા પછી   ખોરાકી ઝેરથી પતિ-પત્ની  અને 2 દીકરીઓનાં મોત

પાયધુનીના પરિવારના ચારેય સભ્યોએ ગણતરીના કલાકોમાં દમ તોડયો

રાતે ફેમિલી ડીનરમાં પુલાવ ખાનારા અન્ય મહેમાનોને કોઈ અસર નહિઃ બધા જતા રહ્યા પછી તડબૂચ ખાનારા ચારેય ભોગ બન્યાં

મુંબઈ -    દક્ષિણ મુંબઈમાં તેમના ઘરે એક પરિવારના મેળાવડામાં તડબૂચ ખાવાથી શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગને કારણે એક દંપતી અને તેમની બે સગીર પુત્રીઓનું મૃત્યુ થયું હોવાનું પોલીસે સોમવારે જણાવ્યું હતું.

   એક અધિકારીએ કહ્યું હતું કે પાયધુની વિસ્તારના જેજે માર્ગ ખાતે ઘાટી ગલ્લીમાં મુઘલ બિલ્ડીંગમાં રહેતા અબ્દુલ્લા ંકાદર ડોકાડિયા (૪૦), તેની પત્ની નસરીન  ડોકાડિયા (૩૫) અને પુત્રીઓ ઝૈનબ ડોકાડિયા (૧૩) અને આયેશા (૧૬) ડોકાડિયાની તબિયત બગડયા બાદ વારાફરતી ગણતરીના કલાકોમાં  તેમના ંમોત નીપજ્યાં હતાં. 

    ગત પચ્ચીસમી એપ્રિલના રોજ તેમના નિવાસસ્થાને  અબ્દુલ્લાનાં  ભાઈ અને બહેન સહિત કુલ નવ પરિવારજનો એકઠા થયા હતાં. બધાએ સાથે મળીને ચિકન પુલાવ ખાધો હતો. બાદમાં અન્ય મહેમાનો જતા રહ્યા હતા. મોડી રાતે એક વાગ્યાના અરસામાં પતિ-પત્ની તથા બંને દીકરીઓએ તડબૂચ ખાધું હતું. 

જે મહેમાનો ફક્ત પુલાવ ખાઈને નીકળી ગયા હતા તેમની તબિયતને કોઈ અસર વર્તાઈ ન હતી. પરંતુ, મોડી રાતે તડબૂચ ખાનારા પરિવારના ચારેયને ઉલટી અને ચક્કર આવવા લાગ્યા હતા. 

ચારેયને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.પરંતુ તેમની હાલત વધુ ખરાબ થતાં જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન  વારાફરતી એક પછી એક સભ્યનું મોત નીપજ્યું હતું. 

     સવારે ૧૦.૩૦ વાગ્યે ઝૈનબનું મૃત્યુ થયું હતું. પછી તેની મોટી બહેનનું અને માતાનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં રવિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ  અબદુલ્લાનું મોત નીપજ્યું હતું. જોકે, તે પહેલાં જ તેણે પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું હતું તેમાં તેમણે મોડી રાતે તડબૂચ ખાધું હોવાનું જણાવ્યું હતું. 

    અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ  આ તડબૂચથી ફૂડ પોઈઝનિંગનો કેસ લાગે છે.કારણ કે જે લોકોએ ફક્ત  પુલાવ ખાધો હતો તેમની તબિયત બગડી નહોતી.

    તેમણે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે હિસ્ટોપેથોલોજી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ મામલે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો છે અન પોલીસ ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લઈ રહી છે.  પોલીસે રાત્રિ ભોજનના  બચેલા અંશો ઉપરાંત અડધું તડબૂચ કાલિના ખાતેની ફોરેન્સિક લેબોરેટરીએ તપાસ માટે  મોકલ્યા છે.