Mumbai

મનોરી બીચ પાસે દરિયામાં વિશાળ જહાજ ફસાઈ ગયું

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈના મનોરી બીચ પાસે ભારે વરસાદ અને તોફાની દરિયાને કારણે 3 વેપારી જહાજો ફસાયા હતા. તેમાંથી MT અલ જાફઝિયા નામનું માનવરહિત ઓઈલ ટેન્કર કિનારે ફસાયું હતું. અન્ય 2 જહાજોના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, કોઈ જાનહાનિ કે ઓઈલ લીકેજ થયું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

મનોરી બીચ પાસે દરિયામાં વિશાળ જહાજ ફસાઈ ગયું

મનોરી બીચ પાસે દરિયામાં વિશાળ જહાજ ફસાઈ ગયું

ઓઈળ ટેન્કર પર કોઈ ક્રૂ મેમ્બર પણ નહિ

કુલ ૩ જહાજ આવ્યાં પરંતુ સલામત લાંગરેલાં બે જહાજના ક્રૂ મેમ્બર્સ પણ હેમખેમ

મુંબઈ -  ભારે વરસાદ વચ્ચે દરિયો તોફાની બન્યો તે અરસામાં જ ઉત્તર મુંબઈના મનોરી બીચ પાસે એક માનવરહિત  ઓઈલ ટેન્કર ફસાઈ જતાં દરિયાઈ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. વાસ્તવમાં કુલ ત્રણ જહાર મનોરી કાંઠા પાસે આવ્યાં હતાં પરંતુ તેમાંથી બે સલામત લાંગરેલાં હતાં જ્યારે આ એક જહાજ દિશાવિહિન રીતે હાલકડોલક થતું દરિયામાં ફસાઈ ગયું હતું.

 ભારતીય તટરક્ષક દળે તાત્કાલિક પોતાના જહાજોને ઘટનાસ્થળે મોકલી પરિસ્થિતિનું મૂલ્યાંકન શરૃ કર્યું હતું.જ્યારે ડિરેક્ટોરેટ જનરલ આફ શિપિંગ (ડીજી શીપીંગ), નૌકાદળ અને અન્ય સંબંધિત એજન્સીઓ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી હતી.

         ભારતીય કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાન અને દરિયામાં તેજ પવનને કારણે એમટી આસ્ફાલ્ટ સ્ટાર, એમટી સ્ટેલર રૃબી અને એમટી અલ જાફઝિયા નામનાં ત્રણ વેપારી જહાજો  દરિયામાં ફસાયાં હતાં.  માહિતી મળતાં જ સમ્રાટ નામના તટરક્ષક જહાજને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું, જ્યારે મદદ માટે વોટર લિલી નામનું આપાતકાલીન  જહાજ પણ જરુર પડે આ જહાજોને કિનારે લાવવામાં મદદ કરવા માટે  તૈનાત કરવામાં આવ્યું હતું.

  કોસ્ટ ગાર્ડના જણાવ્યા પ્રમાણે એમટી આસ્ફાલ્ટ સ્ટાર અને એમટી સ્ટેલર રૃબી હાલ સુરક્ષિત રીતે લંગર બાંધેલી સ્થિતિમાં જણાયાં હતાં ે અને બંને જહાજોના તમામ કર્મચારીઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની જાણ થઈ હતી.  જોકે એમટી અલ જાફઝિયા પર કોઈ કર્મચારી ન હતા અને તે મનોરી કાંઠે ફસાયું હતું.

ગોરાઈ પોલીસના જણાવ્યા મુજબ આ જહાજ મનોરી દરિયાકિનારાથી અંદાજે એક કિલોમીટર દૂર દરિયામાં ફસાયેલું છે. જહાજે સુરક્ષાના ભાગરૃપે લંગર નાખી દીધું હોવાથી હાલમાં કોઈ જાનહાનિ, તેલ લીકેજ કે અન્ય દુર્ઘટનાની ઘટના સામે આવી નથી. ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને તમામ સંબંધિત દરિયાઈ એજન્સીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

 સ્થાનિક માછીમારોએ જણાવ્યું કે મનોરી નજીકનો દરિયાઈ વિસ્તાર પથરાળ છે અને હાલમાં દરિયામાં ૮૦થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન તથા ઊંચા મોજાંને કારણે નાની બોટો માટે જહાજ સુધી પહોંચવું અત્યંત જોખમી બન્યું  હોવાથી તેમણે દરિયામાં જવાનું ટાળ્યું હતું. હવામાન અનુકૂળ બન્યા બાદ જ ફસાયેલા જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ જણાવાયું હતું.