Mumbai

ગણેશજીનું સ્વાગત કરવા બજારોમાં ખરીદી માટે પ્રચંડ ધસારો

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો છે. ભાવવધારા છતાં ભાવિકો બાપ્પાને વાજતેગાજતે વધાવવા સજ્જ છે. દાદર, ક્રાફર્ડ માર્કેટ સહિતના બજારોમાં ગણેશજીની સજાવટ અને પૂજા સામગ્રીની ખરીદી માટે ભીડ ઉમટી રહી છે. મુંબઈના 12,000 સાર્વજનિક મંડળો કરોડો રૂપિયા ખર્ચ કરશે, જેમાં 70% ઉપનગરોમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશજીનું સ્વાગત કરવા બજારોમાં ખરીદી માટે પ્રચંડ ધસારો

ભારે ભાવવધારા વચ્ચે ભાવ- ભક્તિ માટે ભાવિકો સજ્જ

મુંબઇમાં ૧૨ હજાર સાર્વજનિક મંડળો ઃ કરોડો રૃપિયા ખર્ચાશે

મુંબઇ -  દરેક ચીજના ભારે ભાવવધારા વચ્ચે ગણેશજીને ભાવ- ભક્તિથી ભજવા અને વાજતેગાજતે આવકારવા માટે ભાવિકો સજ્જ થઇ ગયા છે. એટલે જ બાપ્પાના આગમન પૂર્વે જાત જાતની ચીજોની ખરીદી માટે બજારોમાં માનવમહેરામણ ઉમટવા માંડયો છે.

દાદર,  ક્રાફર્ડ માર્કેટ, ભૂલેશ્વર, કાલબાદેવી, પરેલ, લોહારચાલ અને માટુંગાની માર્કેટોમાં ગણેશોત્સવને લગતી ખરીદીને માટે લોકો રીતસર ધસારો કરી રહ્યાં છે. ગઇકાલે રવિવારે તો બજારોમાં હૈયેહૈયું હળાય એવો માહોલ જોવા મળ્યો હતો. દાદર વેસ્ટમાં તો એટલી ભીડ થઇ હતી કે સ્ટેશન નજીકના એરિયાના રસ્તા પર વાહનોની અવરજવર બંધ થઇ ગઇ હતી. ટ્રાફિક પોલીસે વાહનોને બીજા રસ્તે વાળવા પડયા હતા.

ગણેશોત્સવ વખતે સજાવટ માટેની સામગ્રી મખર, પ્લાસ્ટિકના ફુલ- પાન, રોશની માટેના રંગીન બલ્બો, તોરણો, પડદા, પૂજા માટેની સામગ્રી, વિવિધ પ્રકારના દિવડા, બાપ્પાને માટેના આભૂષણો, જાત જાતની માળા વગેરેની ધૂમ ખરીદી થઇ રહી છે. દાદર માર્કેટમાં ઘરગથ્થુ ગણપતિની સજાવટ માટેની સામગ્રીનું સૌથી મોટું બજાર ગણાય છે.

દક્ષિણ મુંબઇની ક્રાફર્ડ માર્કેટ પૂજાની સામગ્રી, ફુલો અને ડ્રાયફ્રૂટસ તેમજ ડેકોરેશનની ચીજો માટે જાણીતી છે.

પરેલ- લાલબાગની બજારમાં તો અત્યારથી જાણે ગણેશોત્સવનો માહોલ છવાઇ ગયો છે. મંડપ સજાવટની કલાત્મક વસ્તુઓ ઉપરાંત ગણપતિના ફોટા સાથેના કૂરતા અને ટી- શર્ટ, કેસરી રંગની ટોપીઓ, ભગવા ઝંડા, મહાપુરુષોની તસવીરવાળા ધ્વજ તેમજ અવનવી સામગ્રીનું વેચાણ થઇ રહ્યું છે.

મુંબઇમાં લગભગ ૧૨ હજાર સાર્વજનિક ગણેશ મંડળો છે. આમાંથી ૭૦ ટકા મંડળો ઉપનગરમાં છે. આ વખતે પણ ગણેશોત્સવ દરમિયાન કરોડો રૃપિયાનો ખર્ચ અપેક્ષિત છે.