Mumbai

સલમાનના પાડોશીને તેના વિરુદ્ધની પોસ્ટસ ડિલીટ કરવા હાઈકોર્ટનું કહેણ

By GS Team
11 Jun 20262 mins read
સલમાનના પાડોશીને તેના વિરુદ્ધની પોસ્ટસ ડિલીટ કરવા  હાઈકોર્ટનું  કહેણ

સોશિયલ મીડિયાની સગવડ કોઈ સેલિબ્રીટની બદનક્ષી માટે નથી

સલમાનના પનવેલ ખાતેનાં ફાર્મહાઉસના પાડોશીને હાઈકોર્ટનો સવાલઃ સક્ષમ અધિકારીને ફરિયાદ કરવાને બદલે પોસ્ટસ કેમ કરી

મુંબઈ -  સોશિયલ મીડિયાની અક્સેસ કોઈને પણ સેલિબ્રિટીઓ વિરુદ્ધ બદનક્ષીભરી સામગ્રી પોસ્ટ કરવાનો અધિકાર આપતી નથી, એમ  જણાવી બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસના પાડોશીને સલમાન વિરુદ્ધની તેમની પોસ્ટ્સ કાઢી નાખવાનું વિચારવા જણાવ્યું હતું.

જસ્ટિસ શમલા દેશમુખની સિંગલ બેન્ચે પ્રશ્ન કર્યો હતો કે કોઈએ સંબંધિત અધિકારીઓ સાથે પોતાની ફરિયાદોનું નિરાકરણ લાવવાને બદલે સોશિયલ મીડિયા પર આવી સામગ્રી કેમ અપલોડ કરવી જોઈએ.

કેતન કક્કડ મહારાષ્ટ્રના નવી મુંબઈ ટાઉનશીપના પનવેલ ખાતે ખાનના ફાર્મહાઉસની બાજુમાં આવેલી મિલકતના માલિક છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે અભિનેતાએ તેમના ફાર્મહાઉસના બાંધકામ દરમિયાન પર્યાવરણીય ધોરણોનું ઉલ્લંઘન કર્યું હતું અને પાડોશીની મિલકતમાં પ્રવેશ અટકાવ્યો હતો. કક્કડે આ મુદ્દે અધિકારીઓનો સંપર્ક કર્યાનો પણ દાવો કર્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

બાદમાં  સલમાન ખાને કક્કડ વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે સોશિયલ મીડિયા પર અભિનેતાના ફાર્મહાઉસમાં થતી પ્રવૃત્તિઓ વિશેના વીડિયો અને અન્ય સામગ્રી અપલોડ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પોસ્ટ્સ બદનક્ષીભરી હતી.

 સલમાને  કોર્ટને વિનંતી કરી હતી  કે કક્કડને તેણે અપલોડ કરેલા બદનક્ષીભર્યા વીડિયો દૂર કરવાનો નિર્દેશ આપે અને તેને આવી ટિપ્પણીઓ કરતા અટકાવવાનો પણ આદેશ આપે. જ્યારે સિવિલ કોર્ટે આવો આદેશ આપવાનો ઇનકાર કર્યોે, ત્યારે તેણે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.

સલમાન ખાને હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે કક્કડ દ્વારા અપલોડ કરાયેલી પોસ્ટ્સ માત્ર બદનક્ષીભરી જ નહોતી, પરંતુ તેમની વિરુદ્ધ સાંપ્રદાયિક રીતે ઉશ્કેેરણીજનક પણ હતી.

અદાલતે જણાવ્યું હતું કે કોર્ટ કોઈ ચોક્કસ સોશિયલ મીડિયા પોસ્ટ બદનક્ષીકારક છે કે નહિ તે નક્કી કરવા માટે સમય ફાળવે તેના કરતાં તે કાઢી નાખવાનો વિકલ્પ બહેતર છે. આ કેસની વધુ સુનાવણી  છઠ્ઠી  જુલાઈના રોજ મુલતવી રાખી  છે.