Mumbai

ધુરંધરની સ્ક્રિપ્ટ ચોરીના કેસમાં સમાધાન કરી લેવા હાઈકોર્ટનું સૂચન

By GS Team
17 Apr 20262 mins read
ધુરંધરની સ્ક્રિપ્ટ ચોરીના કેસમાં સમાધાન કરી લેવા હાઈકોર્ટનું સૂચન

સંતોષ કુમારે ચોરીનું આળ  મૂકતાં આદિત્ય ધરનો બદનક્ષીનો દાવો

ઉકેલ લાવો, આ પ્રકારના કેસને વધુ જટિલ બનાવી બદનક્ષીના કેસમાં ફેરવવો જોઈએ નહીં તેવી હાઈકોર્ટની સલાહ

 મુંબઈ -  'ધુરંધર, ધી રિવેન્જ ' ફિલ્મની સ્ક્રિપ્ટ ની ઉઠાંતરીના આક્ષેપો બદલ આદિત્ય ધરે એક નિર્માતા સંતોષ કુમાર સામે કરેલા બદનક્ષીના દાવા સંદર્ભમાં હાઈકોર્ટે બંને પક્ષકારોને સમાધાન કરી લેવા સૂચવ્યુું છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે આવા કેસને વધારે જટિલ માનહાનિના કેસમાં ફેરવવો ન જોઈએ. 

આવા મામલાનો ઉકેલ લાવવો જોઈએ. તેને બદનક્ષીની લડાઈમાં ફેરવવાની જરૃર નથી,એમ જસ્ટિસ  આરિફ ડોક્ટરે અવલોકન કર્યું હતું.

ધરે કુમાર પર ફિલ્મની સ્ક્રિપ્ટ ચોરી કરવામાં આવી હોવાના દાવા બદલ દાવો કર્યો છે. કુમારે આરોપ લગાવ્યો છે કે તેમણે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં આવી જ સ્ક્રિપ્ટ લખી હતી. ધરે આ આરોપોને નકારી કાઢયા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે આવી કોઈપણ ટિપ્પણી બદનક્ષીભરી છે.

કોર્ટે તાજેતરમાં જ  સંતોષ કુમારને ધુરંધરના નિર્માતાઓ વિરુદ્ધ  સ્ક્રિપ્ટ ચોરીના દાવા વધુ રજૂ કરતાં અટકાવતો આદેશ આપ્યો હતો. 

કોર્ટે આજે ધ્યાન દોર્યું કે જો કુમાર માનતા હોય કે તેમની સ્ક્રિપ્ટની નકલ કરવામાં આવી છે, તો તેઓ મીડિયા સમક્ષ ફક્ત તેમના દાવાઓ પ્રસારિત કરવાને બદલે યોગ્ય સિવિલ કાર્યવાહી દ્વારા તે દાવાને આગળ વધારવા માટે સ્વતંત્ર છે.

કોર્ટે કુમારને ખાતરી આપી હતી કે કોઈ પણ આ દાવો કરવામાં અવરોધ ન લાવી શકે, પરંતુ ઉમેર્યું હતું કે વિવાદ ઓછો કરવા અને સમાધાન શોધવાનો અવકાશ છે.

ધર વતી વરિષ્ઠ વકીલે રજૂઆત કરી હતી કે જો કુમાર સ્ક્રિપ્ટ પર પોતાનો દાવો ચાલુ રાખવા માંગતા હોય, તો તેમણે યોગ્ય કાનૂની કાર્યવાહી દ્વારા આવું કરવું જોઈએ, મીડિયામાં આરોપોનું પુનરાવર્તન કરીને નહીં. 

ન્યાયાધીશે આગળ જણાવ્યું કે તેઓ આ મામલાની આગામી સુનાવણીમાં હાઇકોર્ટ સમક્ષ આ વિવાદનો અંત લાવવા માંગે છે. કોર્ટે ૩૦ એપ્રિલ પર સુનાવણી રાખી છે.

૮ એપ્રિલના રોજ થયેલી અગાઉની સુનાવણીમાં  હાઈકોર્ટે કુમારને ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણીઓનું પુનરાવર્તન કરવાથી રોકી દીધા હતા.