Mumbai

દીપક કોચરની મિલકત જપ્તીની કાર્યવાહી પર હાઈકોર્ટનો સ્ટે

By GS Team
15 May 20261 min read
દીપક કોચરની મિલકત જપ્તીની  કાર્યવાહી પર હાઈકોર્ટનો સ્ટે

 ટ્રિબ્યૂનલે ઈડીનો નિર્ણય કાયમ રાખ્યો હતો

વિડિયોકોન લોન કેસમાં ૨૦૨૦માં ઈડીએ ૭૮ કરોડની મિલકતની જપ્ત કરી હતી

મુંબઈ -  આઈસીઆઈસીઆઈ બેન્કના માજી મુખ્ય કાર્યકારી અધિકારી ચંદા કોચર અને  તેમના પતિ તથા  બિઝનેસમેન દીપક કોચરની ૭૮ કરોડની મિલકત જપ્ત કરવાના ઈડીના નિર્ણયને કાયમ રાખતા ટ્રિબ્યુનલના આદેશને હાઈકોર્ટે સ્થગિતી આપી છે.

ટ્રિબ્યુનલના નિર્ણય સામે વચગાળાવના રક્ષણ માટે કોચરે આપેલું કારણ યોગ્ય હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું અને આગામી સુનાવણી સુધી જપ્ત મિલકતનો  કબજો  લેવાની ઈડીને મનાઈ કરી છે.

આરોપ  અનુસાર જૂન ૨૦૦૯થી ઓક્ટોબર ૨૦૧૨ દરમ્યાન ચંદા કોચર હોદ્દા પર હતા ત્યારે  બેન્કે વિડિયોકોન ગુ્રપ કંપનીને કુલ ૧૮૭૫ કરોડની છ મોટી લોન આપી હતી.  બદલામાં ધૂતે દીપક કોચરની કંપનીમાં ૬૪ કરોડનું રોકાણ કર્યું હતું. 

જાન્યુઆરી ૨૦૨૦માં ઈડીએ કોચરની ૭૮ કરોડની મિલકત પર તાત્પુરતી જપ્તી કરી હતી અને ગુનામાંથી મેળવેલી સંપતી ગણાવી હતી. જેમાં દક્ષિણ મુંબઈના સીસીઆઈ ચેમ્બર્સમાં એક ફ્લેટ અને ૧૦-૫ લાખની રોકડનો સમાવેશ હતો.

દીપક કોચરની સપ્ટેમ્બર ૨૦૨૦માં ઈડીએ અટક કરી હતી અને ત્યાર બાદ જામીન અપાયા હતા. ડિસેમ્બર ૨૦૨૦માં ચંદા અને દીપક બંનેની સીબીઆઈએ ધરપકડ કરી હતી જાન્યુઆરી ૨૦૨૩માં તેમને હાઈકોર્ટે ગેરકાયદે ધરપકડ અને અધિકારનો દુરુપયોગ ગણાવીને વચાગાળાના જામીન આપ્યા હતા.