Mumbai

ડિપ્રેશનના લીધે કોલેજમાં ગેરહાજરી બદલ માફીની માંગ હાઈકોર્ટે ફગાવી

By GS Team
20 Jun 20262 mins read
ડિપ્રેશનના લીધે કોલેજમાં ગેરહાજરી બદલ માફીની માંગ  હાઈકોર્ટે ફગાવી

પરીક્ષામાં બેસવા નહિ દેવાના નિર્ણયને હાઈકોર્ટની બહાલી

વિદ્યાર્થિની તથા તેના વાલીઓ પ્રત્યે સહાનૂભૂતિ છે, પરંતુ નિયમો તમામ માટે સરખા  હોય, તેમાં ફેરફાર ન થાયઃ હાઈકોર્ટ

મુંબઈ -  મુંબઈની એક ખાનગી યુનિવસટીમાં અભ્યાસ કરતી બી.એસસી. (એપ્લાઇડ સાઇકોલોજી)ની તૃતીય વર્ષની વિદ્યાર્થિનીની કૉલેજમાં  ખૂબ જ ઓછી હાજરી હતી.જેના આધારે પરીક્ષામાં બેસવા માટે તેને અપાત્ર ઠેરવાઈ હતી.આ નિર્ણય સામે વાલીએ કોર્ટમાં ધા નાંખતાં રાહત આપવાનો મુંબઈ હાઈકોર્ટે ઇનકાર કર્યો છે. ન્યાયમૂત આર. આઈ. ચાગલા અને ફરહાન દુબાશની ખંડપીઠે જણાવ્યું કે વિદ્યાર્થિની અને તેના પરિવાર પ્રત્યે કોર્ટને સંપૂર્ણ સહાનુભૂતિ છે, પરંતુ માત્ર સહાનુભૂતિના આધારે કાનૂની રાહત આપી શકાય નહીં.

વિદ્યાર્થિનીએ  ૧૫ એપ્રિલના રોજ યુનિવસટી દ્વારા જારી કરાયેલા ડિબારમેન્ટ લેટરને પડકારતી અરજી દાખલ કરી હતી. તેણે દલીલ કરી હતી કે આ વર્ષે અંતિમ સેમેસ્ટર દરમિયાન તેને ડિપ્રેશન અને પર્સનાલિટી ડિસઓર્ડર જેવી ગંભીર માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ હતી. આ કારણે તે ક્લાસમાં હાજરી આપી શકી નહોતી અને જો તેને જૂનમાં યોજાનારી પુનઃપરીક્ષામાં બેસવાની મંજૂરી નહીં મળે તો તેનું આખું એક શૈક્ષણિક વર્ષ બગડી જશે.

અરજી મુજબ, માર્ચ મહિનામાં વિદ્યાર્થિનીને આત્મહત્યાના વિચારો અને ભ્રમણા (હેલ્યુસિનેશન) જેવી ગંભીર માનસિક સ્થિતિનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ તેના માતા-પિતા તેને ઉત્તર પ્રદેશ સ્થિત વતન લઈ ગયા હતા. વિદ્યાર્થિનીના પિતાએ તેની તબિયત અંગે યુનિવસટીને જાણ કરી હતી, પરંતુ ત્યારબાદ લાંબા ગાળાની ગેરહાજરી અંગે કોઈ વધુ સત્તાવાર માહિતી કે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા. એક મહિના સુધી ગેરહાજર રહેતાં યુનિવસટીએ તેને અંતિમ સેમેસ્ટરની પુનઃપરીક્ષામાં બેસવા માટે અપાત્ર જાહેર કરી હતી.

હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવસટીઓ શૈક્ષણિક ધોરણો તથા હાજરીના નિયમો નક્કી કરવા માટે વધુ યોગ્ય સત્તા ધ૨ાવે છે. કોર્ટનું કામ નિયમોમાં ફેરફાર કરવાનું કે તેમાં વિશેષ છૂટછાટ ઊભી કરવાનું નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે તે કોઈ તબીબી નિષ્ણાત નથી અને મેડિકલ તથા માનસિક આરોગ્ય સંબંધિત અહેવાલોનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવાની તેની મર્યાદા છે.

ખંડપીઠે વધુમાં નોંધ્યું કે, હાજરીના નિયમો તમામ વિદ્યાર્થીઓ પર સમાન રીતે લાગુ પડે છે અને માત્ર આ વિદ્યાર્થિની જ નહીં, પરંતુ હાજરીની અછતને કારણે અન્ય આશરે ૩૫૦ વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં બેસવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. કોઈ મનસ્વી કાર્યવાહી અથવા કાયદાકીય જોગવાઈના ભંગનો પુરાવો ન મળતાં કોર્ટે યુનિવસટીના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી અને અરજી ફગાવી દીધી.

3