Mumbai

શિલ્પા અને રાજ કુન્દ્રાને ફુકેટ ફરવા જવા દેવા હાઈકોર્ટનો ઈન્કાર

By GS TEAM
2 Oct 20253 mins read
શિલ્પા અને રાજ કુન્દ્રાને ફુકેટ ફરવા જવા દેવા હાઈકોર્ટનો ઈન્કાર

60 કરોડના ઠગાઈ કેસમાં લૂક આઉટ  નોટિસ સસ્પેન્ડ કરવાની અરજી ફગાવી

હાઈકોર્ટે મંજૂરી આપવાને બદલે સરકારને જવાબ પાઠવવા જણાવ્યું ઃ શિલ્પા  તથા રાજના આગામી પ્રવાસ આયોજન પર પણ ગ્રહણ

મુંબઈ -  એકટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાને  તેમને ફુકેટ ફરવા જવા દેવા માટે પરવાનગી આપવા માટે કરેલી અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા શિલ્પા અને રાજ સામે નોંધાયેલા ૬૦ કરોડની ઠગાઈના એક કેસમાં તેમની સામે લૂક આઉટ સર્ક્યુલર પ્રગટ કરાયો છે. રાજ અને શિલ્પાએ આ સર્ક્યૂલર સસ્પેન્ડ કરી તેમને વિદેશ જવા દેવા પરવાનગી માગી હતી પરંતુ હાઈકોર્ટે તેનો ઈન્કાર કર્યો હતો. 

શિલ્પા અને રાજ કુન્દ્રાએ તા. બીજીથી પાંચમી ઓક્ટોબર દરમિયાન ફુકેટ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેમણે ટ્રાવેલિંગ તથા હોટલ બૂૂકિંગ પણ કરી લીધાં હતાં. પરંતુ, હવે અદાલત દ્વારા મંજૂરી ન મળતાં  તેમના પ્રવાસ આયોજન પર પાણી ફરી વળ્યું છે. 

શિલ્પા તથા રાજના વકીલોએ અદાલતમાં રજૂઆત કરી હતી કે અગાઉ પણ ૨૦૨૧માં તેમની સામે કેસો થયા હતા અને તે પછી તેઓ અનેક વખત વિદેશ પ્રવાસ કરી ચૂક્યાં છે. તેઓ દર વખતે વિદેશથી સમયસર પરત આવ્યાં છે અને તેમણે હંમેશાં તપાસ એજન્સીઓને તપાસમાં સહકાર આપ્યો છે. આથી આ વખતે પણ તેમને વિદેશ જવાની પરવાનગી મળવી જોઈએ તેવી દરખાસ્ત તેમણે  કોર્ટ સમક્ષ કરી હતી. 

જોકે, ચીફ જસ્ટીસ  શ્રી ચન્દ્રશેખર તથા જસ્ટીસ ગૌતમ એ. અંખડની બેન્ચ આ દલીલોથી સંતુષ્ટ થઈ ન હતી. બેન્ચે રાજ્ય સરકાર વતી ઉપસ્થિત પબ્લિક પ્રોસિક્યુર માનકુંવર દેશમુખને આ અરજી અંગે સરકારનો જવાબ રજૂ કરવા  જણાવ્યુું હતું. 

શિલ્પા અને રાજે આ અરજીમાં જણાવ્યું હતુ ં કે તેઓ ફક્ત ફુકેટ જ નહિ પરંતુ આગામી મહિનાઓમાં અન્ય કેટલાક વિદેશ પ્રવાસ પણ પ્લાન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમના માટે પર્સનલ તથા પ્રોફેશનલ એમ બંને રીતે આ વિદેશ પ્રવાસો અગત્યના છે. અરજીમાં જણાવાયું હતું કે શિલ્પા તથા રાજે તા. ૨૧ ઓક્ટોબરથી ૨૪ ઓક્ટોબર દરમિયાન કેટલાંક  વર્ક કમીટમેન્ટ્ માટે લોસ એન્જલિસ જવાનું છે. બાદમાં તેઓ ૨૬થી ૨૯ ઓક્ટોબર દરમિયાન કોલંબો તથા માલદિવ જવાનાં છે. શિલ્પા અને રાજના દાવા અનુસાર તેઓ તેમની બાસ્ટિયન હોટલનાં વિસ્તરણ માટે આ વિદેશ પ્રવાસો કરવાનાં છે. આ ઉપરાંત શિલ્પા અને રાજે  યર એન્ડની ઉજવણી માટે તા. ૨૦મી ડિસેમ્બરથી છઠ્ઠી જાન્યુઆરી દરમિયાન પણ વિદેશ પ્રવાસનું આયોજન કર્યું છે. તેમણે અરજીમાં દાવો કર્યો હતો કે રાજ કુન્દ્રાના માતાપિતાને મળવા માટે તેઓ દુબઈ તથા લંડન જવાનાં છે. 

ઉલ્લેખનીય છે કે શિલ્પા અને રાજ સામે હવે બંધ  થઈ ચૂકેલી કંપની બેસ્ટ ડિલ પ્રાઈવેટ લિમિટેડમાં રોકાણના નામે લોન લઈ તે પૈસા અંગત કામે વાપરી દઈ ૬૦ કરોડ રુપિયાની  છેતરપિંડી કરવાની ફરિયાદ દીપક કોઠારી નામના બિઝનેસમેન દ્વારા આપવામાં આવી છે. કોઠારીના આરોપ તેમને આ કંપનીમાં રોકાણ માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. પોતે આ રકમ લોન સ્વરુપે  આપી હતી પરંતુ તે એક રોકાણ હોવાનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. શિલ્પા શેટ્ટીએ આ સોદા માટે પર્સનલ ગેરન્ટી આપી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. 

આ કેસમાં રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કલાકો સુધી પૂછપરછ પણ થઈ ચૂકી છે.