Mumbai

ધરપકડ પ્રોટોકોલની સમીક્ષા કરવા ડીજીપીને હાઈકોર્ટનો આદેશ

By GS Team
13 Oct 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશકને સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ ધરપકડ સૂચનાઓ અને ફોર્મ્સની સમીક્ષા કરી સુધારાત્મક સૂચનાઓ જારી કરવા આદેશ કર્યો છે. કોર્ટે એક હત્યા કેસમાં આરોપીની ધરપકડને ગેરકાયદેસર ઠેરવી તેને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું કે, ફક્ત ગુના નંબર કે દંડની જોગવાઈઓનો ઉલ્લેખ કરવાથી પાલન થતું નથી, પરંતુ આરોપીને ધરપકડના વાસ્તવિક કારણો લેખિતમાં જણાવવા ફરજિયાત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધરપકડ પ્રોટોકોલની સમીક્ષા કરવા ડીજીપીને હાઈકોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટના  નિર્દેશો અનુસાર પાલન કરવાની તાકીદ

ફક્ત ગુના નંબર અને દંડની જોગવાઈઓનો ઉલ્લેખ કરવાથી  અથવા આરોપીને કારણોની જાણ કરવામાં આવી હતી તે નોંધવાથી પાલન  થતું નથી

મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશકને હાલની ધરપકડ સૂચનાઓ અને ફોર્મ્સની સમીક્ષા કરવા અને સુપ્રીમ કોર્ટના બંધનકર્તા નિર્દેશોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે સુધારાત્મક સૂચનાઓ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે  ખાસ કરીને જ્યારે દસ્તાવેજોમાં આરોપીને ગુના સાથે જોડતો કોઈ તથ્યપૂર્ણ આધાર ન હોય ત્યારેફક્ત ગુના નંબર અને દંડની જોગવાઈઓનો ઉલ્લેખ કરવાથી  અથવા આરોપીને કારણોની જાણ કરવામાં આવી હતી તે નોંધવાથી પાલન સ્થાપિત થતું નથી.

 ન્યાયાધીશ હિતેન એસ. વેણેગાવકર એક હત્યા કેસમાં અરજદારની ધરપકડ અને ત્યારબાદ કસ્ટડીની કાયદેસરતાને પડકારતી અરજીની સુનાવણી કરી રહ્યા હતા, કારણ કે બંધારણની કલમ ૨૨(૧) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ ૪૭ હેઠળ ધરપકડના વાસ્તવિક કારણો તેમને લેખિતમાં જણાવવામાં આવ્યા ન હતા. અરજદારે દલીલ કરી હતી કે ધરપકડ નોટિસમાં ફક્ત ગુના નંબર, દંડનીય જોગવાઈઓ અને એ હકીકતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેને એક કોગ્નિઝેબલ અને બિન-જામીનપાત્ર ગુનાની તપાસ માટે ધરપકડ કરવામાં આવી રહી છે. તેમાં ઘટના, તેની ભૂમિકા અથવા તેને ગુના સાથે જોડતા વાસ્તવિક આધારનું વર્ણન કરવામાં આવ્યું નથી.

રાજ્યએ રજૂઆત કરી હતી કે અરજદારે કલમ ૪૭ નોટિસ પર સહી કરી હતી, તેના ભાઈને ધરપકડની જાણ કરવામાં આવી હતી અને ધરપકડના કાગળો અને સ્ટેશન ડાયરી પાલન સ્થાપિત કરે છે. કોર્ટે નોંધ્યું હતું કે ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ માટેના વાસ્તવિક કારણોની જાણ કરવી જરૃરી છે. વિવિધ દાખલાઓનો ઉલ્લેખ કરતા, કોર્ટે ભાર મૂક્યો હતો કે સંદેશાવ્યવહારમાં ધરપકડ જેના પર આધારિત છે તે મૂળભૂત તથ્યો જણાવવા જોઈએ. તેને સમગ્ર કેસ ડાયરી, દરેક સાક્ષીનું નિવેદન અથવા હજુ સુધી એકત્રિત કરવામાં આવેલા પુરાવા જાહેર કરવાની જરૃર નથી.

જો જરૃરી તથ્યો હોય અને કાયદા દ્વારા જરૃરી સમયમર્યાદામાં ખરેખર રજૂ કરવામાં આવે તો ધરપકડ મેમોરેન્ડમ, સંયુક્ત નોટિસ અથવા અન્ય દસ્તાવેજ પૂરતો હોઈ શકે છે. પૂછપરછ એ બાબતની છે કે શું પહોંચાડવામાં આવ્યું હતું, કોને અને ક્યારે એ બાબત દસ્તાવેજનું શીર્ષક અથવા નામકરણ નક્કી કરી શકતું નથી,એમ કોર્ટે ટિપ્પણી કરી  હતી.

કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે ધરપકડ થઈ હોય તે  વ્યક્તિ સમજી શકે તેવી ભાષામાં લેખિત આધારો રજૂ કરવા જોઈએ. જ્યાં અપવાદરૃપ પરિસ્થિતિ તાત્કાલિક લેખિત સંદેશાવ્યવહાર અશક્ય બનાવે છે, ત્યાં ધરપકડ સમયે મૌખિક સમજૂતી વાજબી સમયની અંદર લેખિત આધારો દ્વારા અને દરેક ઘટનામાં, રિમાન્ડ માટે રજૂ કરવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં આપવી જોઈએ.

 કોર્ટે અરજદારને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે વધુમાં રિમાન્ડ અરજીઓનો સામનો કરી રહેલા મેજિસ્ટ્રેટ અને અદાલતોને આપેલા સંદેશાવ્યવહાર, તેની ભાષા, ડિલિવરીની તારીખ અને સમય અને ડિલિવરીની સ્થાપના કરતી સામગ્રીની તપાસ કરીને વાસ્તવિક પાલનની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

 કોર્ટે તદનુસાર રજિસ્ટ્રાર (ન્યાયિક) ને આદેશ આપ્યો કે તેઓ ચુકાદો મહારાષ્ટ્રના ડીજીપી અને મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશોને મોકલે જેથી તેઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરી શકે.