Mumbai

દિશા સાલિયાન કેસમાં સીબીઆઈ તપાસનો હાઈકોર્ટનો હુકમઃ પોલીસને ફટકાર

By GS Team
3 Sep 20263 mins read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે દિશા સાલિયાનના 6 વર્ષ જૂના મૃત્યુ કેસમાં CBI તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે મુંબઈ પોલીસની ઝાટકણી કાઢતાં કહ્યું કે તેમની તપાસ જવાબો કરતાં વધુ પ્રશ્નો ઉભા કરે છે. આદિત્ય ઠાકરેને આરોપી બનાવવાની માંગ પર હાઈકોર્ટે કહ્યું કે પુરાવા ન મળે ત્યાં સુધી કોઈ આરોપી નહીં ગણાય. CBIને FIR નોંધી સતીશ સાલિયાનનું નિવેદન નોંધવા આદેશ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિશા સાલિયાન કેસમાં સીબીઆઈ તપાસનો  હાઈકોર્ટનો હુકમઃ પોલીસને ફટકાર

 આદિત્યા ઠાકરે સામે આરોપોની નોંધ લેવાનું ટાળતાં કહ્યું, પુરાવા ન મળે ત્યાં સુધી કોઈ આરોપી નહીં

મુંબઈ -   દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા  સાલિયાનનું બિલ્ડિંગના ૧૪મા માળેથી પટકાતાં મોત નીપજવાના  છ વર્ષ જૂના કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ બોમ્બે હાઈકોર્ટે બુધવારે આપ્યો હતો અને છ વર્ષ સુધી એફઆઈઆરની નોંધ ન કરવા બદલ શહેર પોલીસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેમની તપાસ જવાબો કરતાં વધુ પ્રશ્નો ઉભા કરે છે. જોકે, આ કેસમાં શિવસેના યુબીટીના ધારાસભ્ય આદિત્ય  ઠાકરેને આરોપી બનાવવાની માંગ અંગે કોઈ નોંધ લેવાનું ટાળતાં હાઈકોર્ટે કહ્યું હતું  કે જ્યાં સુધી કોઈ નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી કોઈ વ્યક્તિને આરોપી ગણી શકાશે નહીં.

જસ્ટિસ સારંગ કોટવાલ અને રણજીતસિંહ રાજા ભોંસલેની બેન્ચે જણાવ્યું હતું કે, કેસની તપાસ ખૂબ લાંબા સમય સુધી ટાળવામાં આવતી રહે તે ચાલી શકે નહીં અને આ કેસમાં કેન્દ્રીય એજન્સીની તપાસ જરૃરી હતી. બેન્ચે છ વર્ષ સુધી પોલીસ દ્વારા તેને ફક્ત આકસ્મિક મૃત્યુ તરીકે ગણવા બદલ ટીકા કરી હતી અને તેમની તપાસમાં  સ્પષ્ટ વિસંગતતાઓ નોંધી હતી. દિશાના પિતા સતીશ સાલિયાને તેમની દીકરી પર ગેંગરેપ કરી તેની હત્યા કરી હોવાના આરોપો સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી તે સંદર્ભમાં આ ચુકાદો અપાયો હતો.

 હાલના કેસમાં, તપાસ લગભગ છ વર્ષ સુધી ચાલી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ જવાબ આપવા કરતાં વધુ પ્રશ્નો ઉભા કરે છે. તેથી, આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ જરૃરી છે,એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.

હાઈકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને એફઆઈઆર નોંધવા અને મૃતકના પિતા સતીશ સાલિયાનનું નિવેદન નોંધવાનો આદેશ આપ્યો હતો.

સતીશ સાલિયાને શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવાની માંગ કરી હતી, પરંતુ હાઈકોર્ટે કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું, અને નોંધ્યું હતું કે આ કેસની તપાસ કેન્દ્રીય એજન્સી પર નિર્ભર છે. પરંતુ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી તપાસ દરમિયાન કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ પૂરતી સામગ્રી એકત્રિત ન થાય ત્યાં સુધી તેને આરોપી તરીકે ગણવામાં આવશે નહીં.

કોર્ટે તેના ૪૪ પાનાના ચુકાદામાં કહ્યું કે પોલીસ તપાસમાં ઘણી બધી  સ્પષ્ટ વિસંગતતાઓ છે, જેના માટે  યોગ્ય અને વાસ્તવિક તપાસ જરૃરી છે. આ કેસમાં, અમારું માનવું છે કે પોલીસને ગુનાની તપાસ કરવા માટે પૂરતી તક મળી હતી, પરંતુ તેમણે એફઆઈઆર નોંધી નથી અને કોગ્નિઝેબલ ગુનાની તપાસ હાથ ધરી નથી,એમ કોર્ટે કહ્યું હતું.

હાઈકોર્ટે બુધવારે મુંબઈ પોલીસને દિશા સાલિયાનમૃત્યુ કેસના તમામ કાગળો તાત્કાલિક સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.

 જો તપાસમાં કોઈ કેસ ન બને તો સીબીઆઈ સ ંબંધિત કોર્ટ સમક્ષ યોગ્ય સારાંશ અહેવાલ દાખલ કરશે,એમ બેન્ચે જણાવ્યું હતું.હાઈકોર્ટે જણાવ્યું હતું કે સતીશ સાલિયાનને રિપોર્ટને પડકારવાની સ્વતંત્રતા રહેશે.

બેન્ચે ે સીબીઆઈને આ કેસની તપાસ માટે યોગ્ય અનુભવી અને વરિષ્ઠ અધિકારીની નિમણૂક  કરવા જણાવ્યું હતું.

 તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી સામગ્રીના આધારે, તપાસ અધિકારીના મતે, તેની સામે વાજબી શંકા ઉભી કરવા માટે પૂરતા કારણો ન હોય ત્યાં સુધી કોઈને પણ આરોપી તરીકે ગણવામાં આવશે નહીં,એમ હાઈકોર્ટે જણાવ્યું હતું. જો કોઈ ગુનો બને છે, તો સક્ષમ કોર્ટ સમક્ષ યોગ્ય રિપોર્ટ દાખલ કરવામાં આવશે, એમ તેમાં ઉમેર્યું હતું.