Mumbai

બાળકીના બર્થ સર્ટિ.માં પિતાનું નામ બદલવાની હાઈકોર્ટની મંજૂરી

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે એક મહિલાની અરજી મંજૂર કરી છે, જેમાં તેણે પુત્રીના જન્મ પ્રમાણપત્રમાં ભૂતપૂર્વ પતિના બદલે જૈવિક પિતાનું નામ દાખલ કરવાની માંગ કરી હતી. છૂટાછેડા પહેલાં મહિલાને બોયફ્રેન્ડથી પુત્રીનો જન્મ થયો હતો. કોર્ટે DNA રિપોર્ટ અને સોગંદનામાને આધારે BMCને નવું પ્રમાણપત્ર આપવાનો આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળકીના બર્થ સર્ટિ.માં   પિતાનું નામ બદલવાની હાઈકોર્ટની મંજૂરી

ભૂતપૂર્વ પતિના સ્થાને જન્મદાતા પિતાના નામ સાથે નવું સર્ટિ. આપવા નિર્દેશ

છૂટાછેડા  પહેલાં બોયફ્રન્ડ થકી ગર્ભવતી થતાં પતિનું નામ લખાવેલું બાદમાં બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા

મુંબઈ -  એક મહિલા પોતાની પુત્રીના જન્મ પ્રમાણપત્રમાં ભૂતપૂર્વ પતિના નામને સ્થાને બાળકના જન્મદાતા પિતાના નામને રાખવાની માગણી કરતી અરજીને બોમ્બે હાઈકોર્ટે માન્ય રાખી છે.

સોમવારે પસાર કરાયેલા આદેશમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ રણજીતસિંહ ભોંસલેની ડિવિઝન બેન્ચે બાળકીના ડીએનએ રિપોર્ટને ધ્યાનમાં લીધો હતો જે પિતૃત્વ સાબિત કરે છે અને તેના માતાપિતા દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું હતું કે તેઓ તેના જન્મદાતા પિતા અને માતા છે.

કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોેરેશન (બીએમસી)ને નિર્દેશ આપ્યો કે તે છોકરીને નવું જન્મ પ્રમાણપત્ર આપે, જેમાં પિતાના કોલમમાંથી મહિલાના ભૂતપૂર્વ પતિનું નામ કાઢી નાખવામાં આવે અને જન્મદાતા પિતાનું નામ ઉમેરવામાં આવે.

મહિલાએ એડવોકેટ દ્વારા દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેના લગ્ન ફેબુ્રઆરી ૨૦૦૬ માં એક પુરુષ સાથે થયા હતા, પરંતુ લગ્નજીવનમાંથી કોઈ બાળકનો જન્મ થયો ન હતો. મતભેદોને કારણે, દંપતી અલગ રહેવાનું શરૃ કર્યું અને ૨૦૧૩ માં બંનેએ છૂટાછેડા લીધા હતા.

જ્યારે છૂટાછેડા પહેલા આ દંપતી અલગ રહેતું હતું  ત્યારે મહિલાએ ડિસેમ્બર ૨૦૦૯ માં બીજા પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના થકી એક બાળકીનો જન્મ થયો હતો. ૨૦૧૩ માં છૂટાછેડાનો આદેશ પસાર થયા પછી, મહિલાએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા.

અરજી મુજબ, છોકરીનો જન્મ લગ્નેતર સંબંધથી થયો હોવાથી, મહિલાએ માર્ચ ૨૦૧૦ માં જારી કરાયેલા જન્મ પ્રમાણપત્રમાં પિતાના કોલમમાં તેના તત્કાલીન પતિનું નામ આપ્યું હતું.

મહિલાએ છૂટાછેડા લીધા અને તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા પછી, તેણે છોકરીના જન્મ પ્રમાણપત્રમાં જન્મદાતા પિતાના નામમાં સુધારો કરવા માટે બીએમસીનો સંપર્ક કર્યો હતો.

જોકે, પાલિકાએ જન્મ પ્રમાણપત્રમાં સુધારા માટેની મહિલાની વિનંતીને નકારી કાઢી હતી, જેના કારણે તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

પોતાના દાવાઓના સમર્થનમાં, મહિલાએ કોર્ટમાં પિતૃત્વ સ્થાપિત કરવા માટે કરાયેલ ડીએનએ ટેસ્ટ અને એક સોગંદનામું રજૂ કર્યું જેમાં જણાવાયું હતું કે તેના બાળકનો જન્મદાતા પિતા તેનો બોયફ્રેન્ડ હતો, જેની સાથે તેણે હવે લગ્ન કરી લીધા છે.

રિપોર્ટ અને સોગંદનામાનો અભ્યાસ કર્યા પછી, કોર્ટે અરજીને મંજૂરી આપી અને બીએમસીને ઉક્ત નિર્દેશ આપ્યો હતો.