મુંબઈમાં હજુ બે દિવસ વરસાદનું જોર રહેશે, બાદમાં રાહત થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહાનગરનો વરસાદી આંકડો ૭૪ ઇંચ થઇ ગયો
આખા કોંકણમાં તોફાની પવન સાથે અનરાધાર વરસાદનો સંકેત ઃમધ્ય મહારાષ્ટ્રના ઘાટ પ્રદેશમાં રેડ એલર્ટ જારી
મુંબઇ - પંદર દિવસના વિરામ બાદ મુંબઇનું ગગન છેલ્લા બે દિવસથી રસતરબોળ વરસી રહ્યું છે. સાથોસાથપવનની પ્રચંડ થાપાટ પણ વાગી રહી છે. કોંકણનાં થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં પણ ગાંડોતૂર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે એવી માહિતી આપી છે કે આજે ૨૩, જુલાઇએ મુંબઇમાં ઓરેન્જ એલર્ટ જ્યારે થાણે અને પાલઘરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી હતી. ગઇકાલે બુધવારે મુંબઇમાં દિવસભર અને રાતે પણ વરસાદી માહોલ રહ્યો હતો. આજે ગુરુવારે તો મુંબઇનું આકાશ જબરું ગોરંભાયું હતું. મહાનગરના ગગનમાં કાળાં ડિબાંગ વરસાદી વાદળોનો વિશાળ જમઘટ જામ્યો હોવાથી સવારી જ જાણે કે રાત્રિ જેવું અંધારિયું વાતાવરણ સર્જાયું હતું. જોકે વરસાદનું જોર પ્રમાણમાં ઓછું રહ્યું હતું.
બીજીબાજુ મુંબઇ નજીકના થાણે , પાલઘર, નાશિક સહિત મહારાષ્ટ્રનાં અમુક સ્થળોએ મુશળધાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવો વરતારો આપ્યો છે કે હજી આવતા ચાર દિવસ(૨૪થી ૨૭ -જુલાઇ) દરમિયાન મુંબઇ સહિત કોંકણની સમુદ્રપટ્ટી પરનાં થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં અનરાધાર વર્ષા( ઓરેન્જ એલર્ટ) થાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.ઉપરાંત, મધ્ય મહારાષ્ટ્રના નાશિક ઘાટ, પુણે ઘાટ, સાતારા ઘાટ, કોલ્હાપુર ઘાટમાં તોફાની પવન( ૬૦-૭૦ કિ.મી.) સાથે ગોંડોતૂર વરસાદ(રેડ -ઓરેન્જ એલર્ટ) વરસે તેવી શક્યતા છે.
મુંબઇમાં હજી આવતા બે દિવસ(૨૪,૨૫- જુલાઇ) દરમિયાન ભારે વર્ષા( યલો એલર્ટ) થવાની સંભાવના છે. જોકે ૨૬ ,૨૭ -જુલાઇ બાદ મુંબઇનું આકાશ સ્વચ્છ રહે અને વરસાદી માહોલ શાંત થાય તેવા સંકેત છે.
બીજીબાજુ આ જ ચાર દિવસ દરમિયાન મરાઠવાડામાં અને વિદર્ભમાં મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ્ર પવન સાથે હળવી-મધ્યમ વર્ષા થવાની સંભાવના છે.
આજે ઇસરોના ઇન્સેટ- ૩ ડીએસ - આઇએમજી સેટેલાઇટની ઇમેજ( સાંજે ઃ ૫ ઃ ૩૦ )માં મુંબઇથી છેક કેરળ સુધીના અરબી સમુદ્ર પર વરસાદી વાદળોનો વિશાળ જમઘટ જોવા મળ્યો છે. વળી, હાલ નૈઋત્યનું ચોમાસુ અરબી સમુદ્રમાં ભારે સક્રિય અને બળવાન થયું છે. સાથોસાથ હાલ પૂર્વ -પશ્ચિમ શિયર ઝોન (પૃથ્વીના વાતાવરણના પહેલા પટ્ટા ટ્રોપોસ્ફિયરમાં બે વિરુદ્ધ દિશાના પવનોની ટક્કર) અરબી સમુદ્રના ઇશાન હિસ્સા પરથી દક્ષિણ ગુજરાત થઇને મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ, બંગાળના આકાશમાં ૩.૧ થી ૭.૬ કિલોમીટરના અંતરે અતિ સક્રિય થયો છે. ઉપરાંત, હાલ નૈઋત્ય -પશ્ચિમ દિશાના ભેજવાળા પવનો પણ વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા છે.
આ તમામ સાનુકુળ અને ભારે તોફાની કુદરતી પરિબળોની તીવ્ર અસરથી મુંબઇ સહિત આખા કોંકણમાં શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૮.૫ અને લઘુત્તમ તાપમાન ૨૬.૨ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૨૮.૧ અને લઘુત્તમ તાપમાન ૨૫.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૨ - ૮૫ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૯૦ -૮૯ ટકા જેટલું ઘણું વધુ રહ્યું હતું. આજે રાતના ૮ ઃ ૩૦ સુધીમાં કોલાબામાં ૧૪.૧ મિલિમીટર, જ્યારે સાંતાક્રૂઝમાં ૨૦.૪ મિ.મિ.વરસાદ નોંધાયો હતો. આજે સવારે ૮ ઃ ૩૦ વાગે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન કોલાબામાં ૨૨.૬ મિ.મિ. જ્યારે સાંતાક્રૂઝમાં ૬૩.૬ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.
આજ દિવસ સુધીમાં કોલાબામાં ૧૫૦૧.૬ મિ.મિ.( ૬૦.૦૬૪ ઇંચ ) , જ્યારે સાંતાક્રૂઝમાં ૧૮૫૦.૯ મિ.મિ. ( ૭૪.૦૩૬ ઇંચ ) વરસાદ નોંધાયો છે.









