Mumbai

મહારાષ્ટ્રમાં વરસાદનું મહાતોફાન, લોનાવાલામાં ૨૮ ઈંચઃ રસ્તા, ટ્રેનો બંધ

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઈ-પુણે વચ્ચે ભેખડ ધસવાથી મિસિંગ લિંક અને રેલવે ટ્રેક ધોવાતાં વાહનવ્યવહાર ઠપ થયો. કર્જત પાસે ટ્રેક ધસવાથી 20થી વધુ ટ્રેનો રદ કે ટૂંકાવાઈ. નાસિકમાં ક્લાઉડ બર્સ્ટની આગાહીથી ત્ર્યંબકેશ્વર મંદિર બંધ કરાયું છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોના મોત થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં વરસાદનું મહાતોફાન, લોનાવાલામાં ૨૮ ઈંચઃ રસ્તા, ટ્રેનો બંધ

ભેખડ ધસવાથી મિસિંગ લિંક બંધ થતાં તથા  રેલવે ટ્રેક ધોવાતાં મુંબઈ-પુણે વિખૂટાં પડયાં

રેડ એલર્ટ વચ્ચે સતત એક સપ્તાહથી ભારે વરસાદ ઃ મુંબઈમાં ૮૦ કિમીની ઝડપે  તોફાની પવન ફૂંકાયા,  સરકારી કચેરીઓ પણ વહેલી છોડી દેવી પડીઃ ટ્રેક પર પાણી ભરાતાં ગુજરાત તરફના ટ્રેન વ્યવહારને પણ અસરઃ નાસિકમાં આજે ક્લાઉડ બર્સ્ટ્ની આગાહીથી ત્ર્યંબકેશ્વર મંદિર બંધ કરાયું

મુંબઈ - મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર પર મેઘરાજાએ મુકામ જમાવતાં છેલ્લાં એક સપ્તાહથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. તેમાં પણ છેલ્લા સતત ત્રણ-ચાર દિવસથી રેડ એલર્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ ખાબકતાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. ગઈ સાંજથી આજે સવાર સુધીમાં મુંબઈના વિવિધ વિસ્તારોમાં આઠથી દસ  ઈંચ સુધીનો વરસાદ થયો હતો. જાકે, મુંબઈ-પુણે વચ્ચેના ઘાટ વિસ્તારમાં ૨૦થી ૨૫ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. લોનાવાલામાં ૨૮ ઈંચ જેટલો વરસાદ થયો હતા. હવામાન ખાતાંના સૂત્રોના જણાવ્યા અનુસાર વરસાદની નોંધણી શરુ થઈ ત્યારથી લોનાવાલામાં ૨૪ કલાકમાં મહત્તમ વરસાદનો આ એક વિક્રમ છે.  ભારે વરસાદને પગલે ભેખડ ધસી પડતાં પુણે મિસિંગ લિંક તથા જૂનો પુણે હાઈવે  પણ બંધ કરવાં પડયાં હતાં. બીજી તરફ કર્જત પાસે ટ્રેક ધસી પડતાં મુંબઈ-પુણે વચ્ચે ટ્રેન વ્યવહાર પણ ઠપ થયો હતો. વિરાર પાસે ટ્રેક પર પાણી આવતાં મુંબઈથી ગુજરાત વચ્ચે ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી હતી. ૨૦થી વધુ  ટ્રેનો રદ કરવાની અથવા  તો વલસાડ સહિતના જુદાં જુદાં સ્ટેશન સુધી ટૂંકાવવાની ફરજ પડી હતી. હજુ આવતીકાલે નાસિકમાં ક્લાઉડ બર્સ્ટની આગાહીથી ત્ર્યંબકેશ્વર મંદિર બંધ કરી દેવાયું છે અને તકેદારીનાં પગલાં લેવાયાં છે.

મુંબઈમાં ગત મધરાત પછી કલાકના ૮૦ કિમીની ઝડપે સૂસવાટાભેર પવન સાથે અતિભારે વરસાદ ખાબકતાં ડરના માર્યા મુંબઈગરાંની રાતે ઉંઘ વેરણ થઈ ગઈ હતી. સાઉથ મુંબઈમાં ચારથી છ ઈંચ વરસાદ પડયો હતો પરંતુ ઉત્તરીય પરાં વિક્રોલી, ભાંડુપ તથા મુલુંડ ઉપરાંત બોરીવલીમાં આઠ થી દસ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. બીજી તરફ  વસઈ વિરારમાં ૧૨ ઈંચથી વધુ  વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તોફાની પવનના કારણે સમગ્ર શહેરમાં ૪૦૦ જેટલાં સ્થળે વૃક્ષો ધસી પડવાની તથા દિવાલો કે મકાનના ભાગ ધસી પડવાની ઘટનાઓ  બની હતી.  ગઈ મોડી રાતે માનખુર્દ વિસ્તારમાં એક ચાલનું સ્ટ્રકચર તૂટી પડતાં છ લોકોનાં મોત થયાં  હતાં. આ ઉપરાંત જુદી જુદી ઘટનાઓમાં કુલ ૧૩ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

મુંબઈમાં આજે દિવસ દરમિયાન અતિશય તોફાની પવન સાથે પરિસ્થિતિ વણસે તેવી આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા  તમામ સરકારી કચેરીઓમાં બપોર બાદ રજા જાહેર કરી દેવાઈ હતી. ખાનગી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમની સલાહ અપાઈ હતી. વિધાનસભાની બેઠક પણ ટૂંકાવી દેવામાં આવી  હતી.  રેડ એલર્ટની આગાહીને પગલે મુંબઈ સહિત થાણે, રાયગઢ,  વસઈ વિરારમાં આજે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી  હતી. જોકે,આજે સેન્ટ્રલ તથા વેસ્ટર્ન રેલવેમાં નાની મોટી ઘટનાઓને બાદ કરતાં લોકલ ટ્રેનો ચાલુ રહી હતી.

મુંબઈ નજીકના વસઈ વિરારમાં અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા ઠેર ઠેર કમરસમા કે ઘૂંટણસમા  પાણી ભરાયાં  હતાં.

પુણે તથા રાયગઢ અને થાણે જિલ્લાઓમાં નાની મોટી નદીમાં પૂર આવ્યાં હતાં. રાયગઢ જિલ્લામાં પૂરમાં એસટી બસ સહિતનાં વાહનો ફસાતાં પ્રવાસીઓને એનડીઆરએફની ટીમ સહિતની રેસ્ક્યૂ એજન્સીઓ  દ્વારા બચાવાયાંહતાં. રાયગઢ જિલ્લામાં ઠેર ઠેર ભૂસ્ખલન તથા હાઈવે પર પાણી ભરાતાં મુંબઈ-ગોવા હાઈવે બંધ થયો હતો અને કેટલાંય વાહનો ફસાઈ ગયાં હતાં. લગભગ ૧૨ કલાક સુધી હાઈવે  બંધ રાખવો પડયો  હોવાનું જાણવા મળ્યું  હતું.

મુંબઈ એરપોર્ટ પર ૧૭ ફલાઈટ્સ રદ કરાઈ હતી આ ઉપરાંત બીજી  પાંચ ફલાઈટ અન્ય શહેરો તરફ ડાયવર્ટ કરવામાં આવી  હતી.

મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું હતું કે આગામી તા. આઠમી જુલાઈ સુધી રાજ્યભરમાં ભારે વરસાદનું સંકટ યથાવત રહે તેવી સંભાવના છે. નાસિકમાં આવતીકાલે ક્લાઉડ બર્સ્ટ થવાની શક્યતા છે. તેને પગલે ત્ર્યંબકેશ્વર મંદિર સહિત અન્ય જાણીતાં તીર્થસ્થાનો બંધ કરવામાં આવ્યાં છે. લોકોને ઈમરજન્સી સિવાય બહાર નહીં નીકળવા સલાહ અપાઈ છે.