Mumbai

પાલઘરમાં ભારે વરસાદથી પૂર, હાઈવે-ટ્રેનો બંધ, બે લાખ લોકો અંધારપટ હેઠળ

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
પાલઘર જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. દહાણુ અને તલાસરી તાલુકામાં ૨૦૦થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 891 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. એકનું મૃત્યુ થયું છે અને 2 લાખ લોકો વીજળી વિના અંધારામાં છે. NDRFની 4 ટીમો બચાવકાર્યમાં જોતરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલઘરમાં ભારે વરસાદથી  પૂર,  હાઈવે-ટ્રેનો બંધ, બે લાખ લોકો અંધારપટ હેઠળ

પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ૯૦૦ લોકોનું સ્થળાંતર

દહાણુ અને તલાસરી તાલુકામાં ખાનાખરાબીઃ ૨૦૦થી વધુ ગામોનો સંપર્ક કપાયોઃ ઘરોમાં ચાર ફૂટ પાણી

મુંબઈ -  ભારે વરસાદને કારણે પાલઘર જિલ્લામાં ભારે ફટકો પડયો છે. નદીઓ અને નાળાઓમાં પૂર આવતા રસ્તાઓ ડૂબી જવાથી જિલ્લાના ૨૦૦ થી વધુ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. તલાસરી નજીક મુંબઈ-અમદાવાદ હાઇવે પર પાણી ઘૂસી જવાથી હાઇવે પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. પૂરગ્રસ્ત વિસ્તારોના ૮૯૧ રહેવાસીઓને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને ભારે વરસાદને કારણે દહાણુ તાલુકામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. વીજ પુરવઠો ખોરવાતાં બે લાખ લોકો વીજ પુરવઠાથી વંચિત થઈ ગયાં છે.

 ગુરુવારે સવારે આઠ વાગ્યા સુધી જિલ્લામાં સરેરાશ ૧૮૩.૩ મીમી વરસાદ નોંધાયો છે. વરસાદથી દહાણુ અને તલાસરી તાલુકા સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૨૧૮ પરિવારોના ૮૯૧ રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે કટોકટી વ્યવસ્થા તૈયાર રાખી હોવાથી અને એનડીઆરએફની ચાર ટીમો વિવિધ વિસ્તારોમાં બચાવ કાર્ય કરી રહી હતી. બુધવાર રાતથી દહાણુ અને તલાસરી તાલુકામાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. તેવી જ રીતે, મોબાઈલ નેટવર્ક સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી. બોરડી અને ઘોલવાડ વિસ્તારોમાં પણ ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા અને નાગરિકોને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ઘરોમાં ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતુ.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભારે વરસાદથી માઠી અસર થઈ હતી. તલાસરીથી ઉબગગાવ સુધીનો હાઈવે પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ ગયો છે. આ કારણે, ટ્રાફિક જામ ટાળવા માટે વાહનોને હાઈવે પર ઢાબા અને હોટલ પાસે તેમના વાહનો પાર્ક કરવા કહેવામાં આવ્યું છે.

ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પર પણ અસર પડી હતી. વેસ્ટર્ન રેલવેની ઘણી લાંબા અંતરની ટ્રેનો તેમ જ દહાણુ-ચર્ચગેટ રૃટ પર લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ અને મુસાફરોને ઘણી  મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. મોટા ભાગના લોકો કામકાજ પર પણ જઈ શક્યા નહોતા.

ભારે વરસાદને કારણે, તલાસરી, દહાણુ, વાડા, વિક્રમગઢ, જવાહર અને મોખાડા તાલુકામાં મહાવિતરણના ૧૬ સબસ્ટેશન બંધ કરવામાં આવ્યા છે અને ૧૦૮ ફીડરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા છે અને વીજ લાઈનો તૂટી ગઈ છે. ઉપરાંત, કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા પડી ગયા છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આનાથી એક લાખથી વધુ વીજ ગ્રાહકોને અસર થઈ હતી.