વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં મીરા ભાયંદર મ્યુ.ની ગુજરાતી શાળા બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૩૫૦ વિદ્યાર્થીઓ હવે હિન્દી માધ્યમમાં ભણશે
ગુજરાતી સંગઠનોમાં રોષઃ મહાપાલિકાએ ગુજરાતી સમુદાયને વિશ્વાસમાં લેવો જોઈતો હતોઃ રજૂઆત કરાશે
મુંબઈ-મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાને કારણે ગુજરાતી માધ્યમની શાળા બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે હિન્દી માધ્યમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.આ નિર્ણયને કારણે આશરે સાડા ત્રણસો ગુજરાતી ભાષી વિદ્યાર્થીઓને હવે તેમની માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી વંચિત રહેવું પડશે.
આ નિર્ણય બાદ મહાનગરપાલિકાની શાળાઓની સંખ્યા ૩૨ થઈ ગઈ છે. બીજી તરફ, ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે પણ ગયા વર્ષની સરખામણીએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં મરાઠી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧,૧૪૬નો વધારો નોંધાયો છે.
મીરા-ભાયંદર મહાનગરપાલિકાની સ્થાપના વર્ષ ૨૦૦૨માં થઈ હતી. તે સમયે જિલ્લા પરિષદના અધિકારક્ષેત્ર હેઠળની ૨૮ શાળાઓ અને શિક્ષકો મહાનગરપાલિકાને હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ મહાનગરપાલિકાએ શાળાઓની સંખ્યા વધારીને ૩૬ કરી હતી. હાલમાં ૨૧ મરાઠી, ચાર હિન્દી, પાંચ ઉર્દૂ અને ગુજરાતી માધ્યમની શાળાઓ હતી. આમાંથી ચાર શાળાઓના વિલીનીકરણ બાદ હવે કુલ ૩૨ શાળાઓ રહી છે.
ગુજરાતી માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી હોવાથી તેને બંધ કરવામાં આવી છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને હિન્દી માધ્યમમાં જવાની મંજૂરી આપવામાં આવી હોવાથી ગુજરાતી માધ્યમને હિન્દી માધ્યમમાં વિલીન કરવામાં આવ્યું હોવાનું શિક્ષણ અધિકારી સુલભા વાટારેએ જણાવ્યું હતું.
દરમિયાન, મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, મહાનગરપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા શૈક્ષણિક વર્ષમાં મહાનગરપાલિકાની શાળાઓમાં કુલ ૮,૧૯૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. ચાલુ શૈક્ષણિક વર્ષમાં આ સંખ્યામાં ૧,૧૪૬નો વધારો થયો છે અને હાલમાં કુલ ૯,૩૪૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, એવી માહિતી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રિયંકા રાજપૂતે આપી હતી.
શ્રી ગુજરાતી સમાજ, મીરા ભાયંદરના ટ્રસ્ટી ગૌરાંગ કંસારાએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, ભારતની ૧૫ મુખ્ય ભાષાઓમાં સમાહિત ગુજરાતી ભાષા જે મુંબઈ અને મુંબઈની આસપાસ વિસ્તારોમાં વસતા લાખો ગુજરાતીઓની મુખ્ય ભાષા છે અને તેમાં પણ ખાસ કરીને મીરા-ભાયંદરમાં વસતા લાખો ગુજરાતીઓની પણ મુખ્ય ભાષા હોવાના કારણે મીરા-ભાયંદર મહાનગરપાલિકા અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં અમારી માહિતી મુજબ ૩૫૦ ઉપરાંત વિદ્યાર્થીઓને અન્ય હિન્દી માધ્યમમાં સ્થાનાંતરિત કરવાનો જે પ્રયાસ છે તેની સાથે સંસ્થા સહમત નથી અમે તેમનો વિરોધ કરીએ છીએ.' સંગઠનના પ્રમુખ વિજય પરીખે કહ્યું હતું કે, જો મીરા- ભાયંદર મહાનગરપાલિકાને ગુજરાતી શાળા ચલાવવામાં અથવા નિભાવવામાં કોઈ સમસ્યા આવતી હોય તો અમારા જેવી ગુજરાતી સમાજ અને ભાષાને લગતી સંસ્થાઓનો સાથ સહકાર લઈને ગુજરાતી ભાષાને જીવંત રાખે અને ગુજરાતી ભાષામાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તેની સાથે અમે ખભા તે ખભા મિલાવીને આ સ્કૂલ ચાલુ રાખવામાં અમે મદદ કરીશું. આ બાબતે અમે મીરા-ભાયંદર મહાનગરપાલિકા ને પત્ર વ્યવહાર કરીશું.'




