એરપોર્ટના આઉટલેટના સ્ટાફની મદદથી સાડા સાત કરોડનાં સોનાની દાણચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોલ્ડ સ્મગલિંગ સિન્ડિકેટના સૂત્રધારના ઈશારે કામ કરતા હતા
ફિલિપાઈન્સના ત્રણ નાગરિકો ઉપરાંત આઉટલેટમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની ધરપકડ
મુંબઈ - ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લગભગ ૭.૪૯ કરોડ રૃપિયાના મૂલ્યના પાંચ કિલોથી વધુ દાણચોરીના સોના સાથે છ લોકોની ધરપકડ કરી હતી. ઝડપાયેલા લોકોમાં એરપોર્ટના ત્રણ આઉટલેટ કર્મચારીઓ અને ફિલિપાઈન્સના ત્રણ નાગરિકોનો સમાવેશ થાય છે.
ગુપ્તચર માહિતીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ એરપોર્ટ કર્મચારી હિમાંશુ ઉપાધ્યાયની હિલચાલ પર નજર રાખી હતી. તેમને માહિતી મળી હતી કે તે અન્ય એક કર્મચારી પાસેથી દાણચોરીનું સોનું મેળવી એરપોર્ટની અંદર બીજા કર્મચારીને ગુપ્ત રીતે સોંપશે.
બુધવારે રાત્રે ડીઆરઆઈના અધિકારીઓએ એરપોર્ટના એક વિસ્તારમાંથી હિમાંશુ ઉપાધ્યાયને અન્ય એરપોર્ટ કર્મચારી મોહિદ હસન સિદ્દીકીને બે કાળા પાઉચ સોંપતા રોક્યો હતો. તપાસ દરમિયાન આ પાઉચમાંથી દાણચોરીનું સોનું મળી આવ્યું હતું. આ કેસની વધુ તપાસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં એરપોર્ટના ત્રણ કર્મચારીઓ અને ફિલિપાઈન્સના ત્રણ નાગરિકોનો સમાવેશ થાય છે. ઝડપાયેલા લોકોમાં ભાંડુપના રહેવાસી હિમાંશુ ઉપાધ્યાય (૨૫) કુર્લાના રહેવાસી મોહિદ હસન સિદ્દીકી (૩૨) અને ફિરોજ સૈયદ (૪૭) ફિલિપાઇન્સના નાગરિક લાકીમ અલીમુદ્દીન નાસર (૩૫) બેન્ની લોઇડ ઓલિવો (૩૫) અને ક્રિસ્ટીન પોર્નાસડોરો (૩૫) સામેલ છે.
હિમાંશુ ઉપાધ્યાય, ફિરોઝ સૈયદ અને મોહિદ સિદ્દીકીએ ડીઆરઆઈ એ કબૂલ્યું હતું કે બધા સોનાની દાણચોરીની સિન્ડિકેટ ચલાવતા એક વ્યક્તિના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. સૈયદની ભૂમિકા મુસાફરો પાસેથી દાણચોરી કરેલું સોનું એકત્ર કરવાની અને તેને હિમાંશુ ઉપાધ્યાયને સોંપવાની હતી જે પછી તેને એરપોર્ટની બહાર ડિલિવરી માટે સિદ્દીકી મોકલતા હતા.
ફિલિપાઇન્સના ત્રણે ટ્રાન્ઝિટ મુસાફરોએ ડીઆરઆઈને જણાવ્યું હતું કે તેઓ સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ માટે કામ કરી રહ્યા હતા જે મુંબઈ એરપોર્ટમાં કામ કરતા કેટલાક વ્યક્તિઓની મદદથી દુબઈ અને બેંગકોકથી મુંબઈ સુધી ટ્રાન્ઝિટ મુસાફરો દ્વારા સોનાની દાણચોરીમાં સંડોવાયેલા હતા.તપાસકર્તાઓ હવે આ નેટવર્કના અન્ય સભ્યોની ઓળખ તેમજ આ રેકેટ કેટલા સમયથી સક્રિય હતું તેની તપાસ કરી રહ્યા છે.




