નાસિકમાં ગોદાવરી નદીમાં આ ચોમાસે બીજીવાર પૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગંગાપુર ડેમ ૭૫ ટકા જેટલો ભરાઈ ગયો
નદીકાંઠાના મંદિરો ડૂબી ગયા ઃ રામસેતુપુલ પરથી પાણી વહેવા માંડયું
મુંબઈ - નાસિક જિલ્લામાં ગઈ રાતથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે આ ચોમાસે ગોદાવરી અને દારણા નદીમાં બીજીવાર પૂર આવ્યું છે. પૂરના ધમસમતા પાણીમાં નાસિકના રામકુંડના બધા જ મંદિરો ડૂબી ગયા છે. બેમુખી મારુતીની મહાકાય મૂર્તિના ગળા સુધી પાણી પહોંચી ગયું હોવાથી પૂરની ભયજનક સ્થિતિનો સહેજે અંદાજ આવે છે.
નાસિક શહેરમાં ગોદાવરી કાંઠાની આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. જળબંબાકાર સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોને સલામત સ્થાને ખસેડવા માટે અને બચાવકાર્ય માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટુકડીઓ ફરજ પર તૈનાત હોવાનું જાણવા મળ્યું હતું.
નાસિકમાં રામસેતુ પુલ પરથી પાણી વહેવા માંડયું છે. ગોદાવરી કાંઠાની કેટલીય કામચલાઉ દુકાનોને શિફ્ટ કરી નાખવામાં આવી છે. નદીકાંઠાના ગામડાઓને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
નાસિક-ત્ર્યંબેકશ્વરમાં આવતા વર્ષે યોજાનારા સિંહસ્થ કુંભમેળા માટે રસ્તા, પુલ સહિતના અનેક ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે તેને આ ચોમાસામાં બીજી વખત માઠી અસર થઈ છે. ત્ર્યંબકેશ્વરમાં તો રસ્તાના અધૂરા કામ છે ત્યાં ખાડામાં પાણી ભરાઈ જવાથી દર્શને આવતા ભક્તોને પણ જોખમ ઉઠાવીને ચાલવું પડે છે.
નાસિકનો ગંગાપુર ડેમ લગભગ ૭૫ ટકા ભરાઈ ગયો છે. ગંગાપુર ડેમમાંથી છોડવામાં આવતું પાણી ગોદાવરી નદીમાં જતું હોવાથી નદીની સપાટીમાં ભયજનક વધારો થતો જાય છે.




