Mumbai

બોરીવલી સ્ટેશને યુવતીને પાછળથી પકડી લઈ અડપલાં

By GS Team
14 Mar 20262 mins read
બોરીવલી સ્ટેશને યુવતીને પાછળથી પકડી લઈ અડપલાં

યુવતીએ હિમંતભેર પીછો કર્યો

કાંદિવલી (વે)માં રહેતો આરોપી સીસીટીવી ફૂટેજના આધારે વસઈની કંપનીમાંથી ઝડપાયો

મુંબઈ: બોરીવલી રેલવે પોલીસ ગુરૂવારે બોરીવલી રેલવે સ્ટેશન પર ૨૧ વર્ષીય યુવતીની છેડતી કરવાના આરોપમાં ૨૮ વર્ષીય યુવાનની ધરપકડ કરી હતી.  આરોપીની ઓળખ કાંદિવલી (વે)ના રહેવાસી ૨૮ વર્ષીય પુષ્પક સાબળે તરીકે થઈ છે. તે વસઈમાં એક કેમેરા કંપનીમાં કામ કરે છે.

આ બાબતે રેલવે પોલીસ (જીઆરપી)ના જણાવ્યા મુજબ પીડિતા બોરીવલી (વે)માં રહે છે અને વિરારમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. આ ઘટના સોમવારે રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે બની હતી. જ્યારે પીડિતા કામ પરથી પાછી ફરી રહી હતી. પીડિતા વિરાર-ચર્ચગેટ લોકલ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરી રહી હતી. તે બોરીવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૭ પર ઉતરી હતી અને પ્લેટફોર્મ નંબર -૨ તરફ ચાલવા માટે તેણે ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ કર્યો હતો.

આ સમય અચાનક આરોપી પુષ્પક સાબળે  પાછળથી આવ્યો હતો અને યુવતીને પાછળથી પકડી લધી હતી. આટલેથી ન અટકતાં આરોપીએ તેને મજબૂતી પકડી રાખી તેને અયોગ્ય રીતે સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પીડિતા એ હિંમત કરી તેનો સામનો કર્યો હતો અને તેની ચુંગાલમંથી મુક્ત થઈ ત્યાંથી ભાગી ગઈ હતી. ત્યારબાદ આરોપી પ્લેટફોર્મ નંબર-૨ પર ગયો હતો અને ત્યાં ઉભેલી લોકલ ટ્રેનમાં ચઢી ગયો હતો. આ બાદ પીડિતા પણ તેજ ટ્રેનમાં ચડી હતી અને ટ્રેનમાં હાજર અન્ય પ્રવાસીઓને તેની સાથે થયેલી છેડતીની વાત કરી પોલીસને જાણ કરવાની વિનંતી કરી હતી. આ સાથે તેણે આરોપીનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તે ટ્રેનની બીજી બાજુથી રેલવે ટ્રેક પર કૂદીને ભાગી જવામાં સફળ રહ્યો હતો.

પીડિતાએ ત્યારબાદ બોરીવલી રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેની છેડતી કરનાર અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધાવી  હતી. બોરીવલી જીઆરપીએ રેલવે સ્ટેશનના વિવિધ અનેક સીસીટીવી ફૂટેજ તપાસ્યા પછી અને અન્ય માહિતી એકઠી કર્યા બાદ આરોપીને શોધી કાઢ્યો હતો અને વસઈમાં તેના કાર્યસ્થળેથી તેની ધરપકડ કરી હતી.