Mumbai

ગેસ સિલિન્ડરોની અછતથી કલ્યાણ-ડોંબિવલીમાં ગેસ ચિતાઓ પણ બંધ

By GS Team
7 May 20262 mins read
ગેસ સિલિન્ડરોની અછતથી કલ્યાણ-ડોંબિવલીમાં ગેસ ચિતાઓ પણ બંધ

રસોડાંથી માંડી સ્મશાન સુધી ગેસની અછતની અસર

સ્મશાનમાં પાઈપ્ડ ગેસની સુવિધા નથીઃ વધુ સિલિન્ડરોનો ક્વોટા મગાયોઃલાકડાથી અંતિમવિધિ માટે ડાઘુઓ સાથે તકરાર

મુંબઈઈરાન, અમેરિકા યુદ્ધને પગલે ગેસની તંગી સર્જાતા કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકા ક્ષેત્રના છ થી સાત સ્મશાનભૂમિમાં માઠી અસર થઈ છે. ગેસની ચિતાઓ છેલ્લાં એક-દોઢ મહિનાથી બંધ હોવાથી મૃતક વ્યક્તિના લાકડાની ચિતા પર અગ્નિ સંસ્કાર કરવા પડે છે.

ગેસની ચિતા પર અગ્નિસંસ્કાર ઝડપથી થાય છે એટલું જ નહિં લાકડાં કરતાં ઓછો ખર્ચ થાય છે. એટલે ઘણી વાર મૃતક વ્યક્તિના પરિવારજનો ગેસની ચિતા પર અગ્નિસંસ્કારનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ અત્યારે ગેસ સિલિન્ડરોની તંગીને કારણે સ્મશાનના કર્મચારીઓ તેમને લાકડાથી જ અંતિમવિધિ કરવાની સલાહ આપે છે. આને કારણે સ્મશાનોમાં લગભગ રોડ મૃતક વ્યક્તિના સગાવ્હાલા અને સ્મશાનના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થતી હોય છે.

કલ્યાણના કેટલાક જાગૃત નાગરિકોએ સવાલ ઉઠાવ્યો છે કે હવે તો ગેસનો પુરવઠો સામાન્ય થઈ ગયો છે તો પછી પાલિકાના સ્મશાનમાં જ કેમ ગેસ સિલન્ડરની ખેંચ પડે છે? કેટલાક નાગરિકોએ જણાવ્યું કે સ્મશાનમાં અગ્નિદાહ દેતી વખતે ગેસની ખેંચ ન નડે એ જોવાની મહાપાલિકા સત્તાવાળાની ફરજ છે.

ડોંબિવલી વિસ્તારના પાલિકાના એક્ઝિકયુટીવ એન્જિનિયર મનોજ સાંગળેએ આ બાબતમાં જણાવ્યું હતું કે યુદ્ધને કારણે કમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાયો છે. એટલે રેશનિંગ ડિપાર્ટમેન્ટને પાલિકા તરફથી વિનંતી કરવામાં આવી છે કે મહિનાના ક્વોટા પ્રમાણે સ્મશાનો માટે સિલિન્ડરો પૂરા પાડવામાં આવે. ભવિષ્યમાં આવી તકલીફ ઉભી ન થાય માટે દરેક સ્મશાનમાં પીએનજી (પાઈપ્ડ ્નેચરલ ગેસ) કનેક્શન આપવામાં આવે  એ માટેના પ્રયાસ ચાલુ છે.