Mumbai

ભાજપના કલ્યાણના માજી ધારાસભ્ય નરેન્દ્ર પવાર સામે ગેંગરેપનો ગુનો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં એક મહિલાને મદદના બહાને ભિવંડીના ફાર્મહાઉસમાં લઈ જઈ ગેંગરેપનો આરોપ લાગ્યો છે. કલ્યાણના ભાજપના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવાર અને સસ્પેન્ડેડ પોલીસકર્મી શૈલેષ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પવારે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. આ ઘટના 13 સપ્ટેમ્બરના રોજ બની હતી અને તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના કલ્યાણના માજી ધારાસભ્ય નરેન્દ્ર પવાર સામે ગેંગરેપનો ગુનો

મહિલાને મદદ કરવાને બહાને ફાર્મહાઉસમાં લઈ જઈ રેપનો આરોપ

ગુનો દાખલ થયા બાદ પક્ષના તમામ હોદ્દા પરથી પવારનું રાજીનામું ઃ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી પણ સહ આરોપી

મુંબઈ -  એક પરિણીત મહિલાને મદદ કરવાને બહાને ભિવંડી તાલુકાના બાપગાવ ખાતે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે  ફરિયાદના આધારે કલ્યાણ- પશ્ચિમ વિધાનસભા મતદાર સંઘના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવાર અને સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી શૈલેષ પાટીલના વિરોધમાં પડઘા પોલીસ મથકમાં સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બાબતે ગુનો નોંધાયા બાદ નરેન્દ્ર પવારે ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણને એક પત્ર લખી પક્ષના તમામ પદો પરથી રાજીનામું મોકલી આપ્યું હતું. દરમિયાન ધારાસભ્ય નરેન્દ્ર પવારે તેમની સામે થયેલ આરોપ ખોટા, પાયાવિહોણા અને તેમની  બદનામી કરવા રચાયેલ ષડયંત્ર હોવાનું પત્રમાં જણાવ્યું છે. પવાર ભાજપના ભટકે વિમુક્ત આઘાડી- મહારાષ્ટ્ર પ્રદેશના અધ્યક્ષપદે કાર્યરત હતા.

આ બાબતે પ્રાપ્ત વધુ વિગતાનુસાર ૨૨ વર્ષની પીડિત પરિણીત મહિલાનો તેના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદમાં મધ્યસ્થી અને મદદ કરવાના આશયથી નરેન્દ્ર પવારે તેને પોતાની ઓફિસમાં બોલાવી હતી. પીડિતાએ આપેલી ફરિયાદ મુજબ ૧૩ સપ્ટેમ્બરના રોજ તે જ્યારે પવારને મળવા ગઈ ત્યારે પવાર અને તેનો સાથીદાર શૈલેષ પાટીલ તેને ધમકાવી, શસ્ત્રોની ધાકે ભિવંડી તાલુકાના બાપગાવ વિસ્તારમાં આવેલી તેમના ખાનગી ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. અહીં પીડિતાને જબરજસ્તી દારૃ પીવડાવી તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ રાત્રે બે વાગ્યે નરેન્દ્ર પવાર ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ શૈલેષ પાટીલે પણ પીડિતા પર અત્યાચાર કર્યો હતો અને વહેલી સવારે ચાર વાગ્યે ત્યાંના એક કેરટેકરની મદદથી પીડિતાને તેના ઘરે મૂકી આપવામાં આવી હતી.

આ ઘટના બાદ ગભરાઈ ગયેલી પીડિતાએ ૧૬ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસની નગરસેવિકા કાંચન કુલકર્ણીની મદદ માગી હતી. ત્યારબાદ પીડિતાએ નરેન્દ્ર પવાર અને શૈલેષ પાટીલે કરેલ અત્યાચારનો વીડિયો અને મોબાઈલની વોટ્સએપ ચેટ હોવાનો દાવો કર્યો હતો. તેથી કાંચન કુલકર્ણી પીડિતાને રાત્રે પડઘા પોલીસ મથકમાં લઈ ગયા હતા. જ્યાં વહેલી સવારે નરેન્દ્ર પવાર અને શૈલેષ પાટીલના વિરોધમાં પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૃ કરી હતી.