સ્કૂલોમાં તળેલા નાસ્તા, સોફ્ટ ડ્રિંક્સ પર પ્રતિબંધ ઃ ફૂડ સેફ્ટી લાઈસન્સ લેવું પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બિન આરોગ્યપ્રદ ફૂડ્સના વેચાણ પ્રતિબંધોની નિયમાવલિ જારી
વિદ્યાર્થીઓને ચોખ્ખું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું ફરજિયાત ઃ ફૂડ સેફ્ટીના અમલ માટે શાલાઓએ નોડલ ઓફિસર નિયુક્ત કરવા પડશે
મુંબઈ - મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ પ્રશાસન (એફડીએ)એ રાજ્યની તમામ શાળાઓ માટે નવા ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફ્ટિ) નિયમો જાહેર કર્યા છે. આ નિયમો સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ ઉપરાંત સ્ટેટ બોર્ડ, સીબીએસઈ અને આઈસીએસઈ સાથે સંકળાયેલી સ્કૂલોને પણ લાગુ પડશે. પ્રિ-પ્રાયમરી, પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, નિવાસી શાળાઓ, હૉસ્ટેલ, કેન્ટીન અને ખાદ્ય પુરવઠાકર્તાઓએ પણ આ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. ૨૨ મહિનાની વય સુધીના બાળકોનું જતન કરતાં ડે-કેર સેન્ટરોને આમાં છૂટ છે.
નવા નિયમો મુજબ શાળા પરિસર તથા ૫૦ મીટરના અંતરમાં વેફર, તળેલા નાસ્તા, સેક્રિનયુક્ત ઠંડાં પીણાં સહિત વધુ ચરબી, મીઠું અને ખાંડ (એચએફએસએસ) ધરાવતા ખાદ્યપદાર્થોેના વેચાણ અને પ્રદર્શન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેના બદલે વિદ્યાર્થીઓને ફળો, શાકભાજી, આખા અનાજ, કઠોળ અને દૂગ્ધજન્ય પદાર્થોના સેવન માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. સ્કૂલોએ સુરક્ષાના ધોરણોને અનુરૃપ સ્વચ્છ પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાવવું પડશે.
આદેશ અનુસાર ખાદ્ય સુરક્ષાની મુખ્ય જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે. દરેક શાળાએ એફએસએસએઆઈનું લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન મેળવવું, સ્વચ્છતા સંબંધિત ધોરણોનું પાલન કરવું, પ્રશિક્ષિત હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર અથવા નોડલ અધિકારીની નિમણૂક કરવી તેમજ શાળાના પ્રવેશદ્વાર પર ચેતવણી બોર્ડ લગાવવાના રહેશે. ઉપરાંત શાળાના કમ્પ્યુટરો પર એચએફએસએસ ખાદ્યપદાર્થોની જાહેરાતો પણ અવરોધિત કરવાની રહેશે. સ્કૂલ પરિસરની ૫૦ મીટરની અંદર આવા ખાદ્યપદાર્થોના ગેરકાયદે વેચાણ અંગે ખાદ્ય સુરક્ષા અધિકારી અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને જાણ કરવી પણ ફરજિયાત રહેશે.
રાજ્યના સ્કૂલ શિક્ષણ વિભાગને સરકારી અને અનુદાનિત શાળાઓમાં આ નિયમોના અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે. વિભાગ પીએમ પોષણના પૂરવઠાદારોની નોંધણી કરશે, સંયુક્ત તાલીમ કાર્યક્રમો યોજશે અને દર વર્ષે ૩૧ માર્ચ સુધીના પાલન અંગેનો અહેવાલ રજૂ કરશે. સ્ટે બોર્ડ, સીબીએસઈ, આઈસીએસઈ સહિતના તમામ શિક્ષણ બોર્ડ માટે શાળા માન્યતા અને તેના નવીનીકરણ વખતે આ નિયમોનું પાલન ફરજિયાત રહેશે. શિક્ષણ અધિકારી ગમે ત્યારે શાળાની મુલાકાત લઈ આ અંગે તપાસ કરી શકે છે અને જો તેમાં કોઈ નિયમભંગ થતો દેખાય તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રુલ્સ, ૨૦૧૧ હેઠળ કડક કાર્યવાહી પણ કરી શકે છે. રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૩,૫૬૭ સ્કૂલોના ૪,૯૧૯ શિક્ષકોને ૪૨ જાગૃતિ લાવવા અંગેના વર્કશોપ દ્વારા ખાદ્ય સુરક્ષા અને સંતુલિત આહાર અંગે તાલીમ આપવામાં આવી છે.









