નાશિક, પાલઘરના જવાહરમાં રાતે ભૂકંપના ચાર આંચકાઃ લોકોને ઉજાગરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નાશિકના પેઠ તાલુકામાં સ્કૂલની દીવાલ તૂટી પડી
એક આંચકા બાદ ઘરે પાછા ફરતા હતા ત્યાં બીજો આંચકો, અનેક લોકોએ ખુલ્લામાં જ રાત વિતાવીઃ નાશિકના ચાર તાલુકામાં રાતભર ધરતી ધૂ્રજી
મુંબઈ - પાલઘર જિલ્લાના જવાહર વિસ્તારમાં તથા નાશિક જિલ્લાના દિંડોરી, પેઠ અને સુરગાળા તાલુકામાં સોમવારે મોડી રાત્રે અનુભવાયેલા સતત ભૂકંપના આંચકાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ આંચકા બાદ પેઠ તાલુકાના પાહુચી બારીમાં સરકારી પ્રાથમિક સ્કૂલની દીવાલ તૂટી પડી હતી.
જવાહરમાં રાત્રે ૧૦ વાગ્યા પછી થોડા કલાકોના અંતરે બે મુખ્ય આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘણા નાગરિકોએ શેરીઓમાં અને ખુલ્લી જગ્યાઓ પર આશરો લીધો હતો, જ્યારે કેટલાક લોકો મધ્યરાત્રિ પછી પણ ઘરમાં પાછા જવાની હિંમત કરી શક્યા નહોતા. પરિણામે જવાહરના અનેક રહેવાસીઓએ ભય અને અનિશ્ચિતતામાં જાગીને રાત પસાર કરી હતી.
માહિતી અનુસાર સોમવારે રાત્રે ૧૦.૦૪ વાગ્યે જવાહર વિસ્તારમાં ૩.૨ તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તેનું કેન્દ્રબિંદુ ડેંગાચીમેટ વિસ્તારમાં હોવાનું જણાવાયું છે. ઘરોમાં આંચકા અનુભવાતાં જ નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને અનેક લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા.લોકો થોડા સમય પછી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રે ૧૧ વાગ્યે ૩.૪ તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ડેંગાચીમેટ ગામ નજીક હડે ગામના શ્રી જગદંબા માતા મંદિર વિસ્તાર પાસે હોવાનું જણાવાયું છે. બીજો આંચકો પ્રમાણમાં વધુ તીવ્ર અનુભવાયો હતો અને થોડા સમય સુધી ધરતી ધૂ્રજતી હોવાનો અહેસાસ થતો રહ્યો હતો.
બે મુખ્ય આંચકાઓ પછી પણ લોકોનો ભય ઓસર્યો નહોતો. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર રાત્રે ૧૧.૩૯ વાગ્યે અને ૧૨.૦૫ વાગ્યે પણ હળવા આંચકાની લાગણી થઈ હતી. આ કારણે ઘણા પરિવારો મધ્યરાત્રિ પછી પણ કલાકો સુધી ઘરની બહાર રહ્યા હતા. ફરી મોટો આંચકો આવી શકે તેવી આશંકાએ લોકો ઊંઘી શક્યા નહોતા.ભૂકંપની ઘટનાને લઈને શરૃઆતમાં સત્તાવાર ભૂકંપ રેકોડગ સિસ્ટમમાંથી તાત્કાલિક માહિતી ઉપલબ્ધ ન થતાં નાગરિકોમાં વધુ મૂંઝવણ સર્જાઈ હતી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગે તમામ ઘટનાઓની નોંધ લઈને પરિસ્થિતિ પર સતત નજર રાખી હોવાનું જણાવ્યું છે.
નાશિકના ચાર તાલુકામાં ભૂકંપના રાતભર આંચકાથી ગભરાટ ફેલાયો હતો. પેઠમાં સ્કૂલની દીવાલ તુટી પડયા બાદ ૨૬૭ વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.
શ્વાન અને પક્ષીઓના અસામાન્ય વર્તનથી ચિંતા વધી..
ભૂકંપ પછી કેટલાક નાગરિકોએ કૂતરાઓના અસામાન્ય રીતે ભસવાના અને કેટલાક પક્ષીઓના વિચિત્ર અવાજો સંભળાવાની વાત કરી હતી. પહેલાથી જ ગભરાયેલા લોકોમાં આ વાતોએ વધુ મૂંઝવણ અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.
નાશિકમાં એક મહિનામાં ૪૫ આંચકા
નાશિક જિલ્લામાં છેલ્લાં એક મહિનામાં ધરતીકંપના ૪૫ આંચકા અનુભવાયા હતા. આને લીધે લોકોમાં ભય વ્યાપ્યો છે. આમાં સૌથી વધુ આંચકા સુરગાણા તાલુકામાં આવ્યા હતા.નાશિક જિલ્લામાં શનિવારે રાત્રે અને રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમા ગામડાના અનેક ઘરોમાં તિરાડો પડી ગઇ હતી. ધરતીકંપને કારણે લોકો ગભરાઇને બહાર દોડી ગયા હતા. જિલ્લા પ્રશાસને તરત જ નાશિક વિસ્તારના તમામ ડેમની તપાસ કરી હતી અને એક પણ ડેમને હળવા ભૂકંપને કારણે કોઇ નુકસાન થયું ન હોવાનું કલેકટરે જણાવ્યું હતું.
ઉપરાઉપરી ભૂકંપનો સિલસિલો ચાલુ રહ્યો હોવાથી તેનો અભ્યાસ કરવા માટે નિષ્ણાતોની સમિતી રચવામાં આવી છે. એમ નાશિકના જિલ્લા કલેકટર આયુષ પ્રસાદે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભૂકંપના આ આંચકાની તીવ્રતા રિકટર સ્કેલમાં ૪ની આસપાસ નોંધાઇ હતી. આમ હળવા ભૂકંપને લીધે કોઇ મોટી જાનહાનિ નથી થઇ. જોકે લોકોને સતર્ક રહેવાની અને સોશ્યલ મિડિયા પર ફેલાતી અફવા પર વિશ્વાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.




