મિલ્કત માટે છેતરપિંડીના કેસમાં માજી સાંસદ રિઝવીના આગોતરા જામીન નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૮૪ વર્ષના રિઝવીએ બધો દોષ કર્મચારીઓ પર ઢોળ્યો
પરિવારની નિરક્ષરતાનો લાભ લઈને ખોટા અને બનાવટી મિલકત દસ્તાવેજો તૈયાર કરવાનો આરોપ
મુંબઈ - મુંબઈની એક કોર્ટે સોમવારે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અખ્તર હસન રિઝવીને કથિત મિલકત છેતરપિંડી અને બનાવટી કેસમાં આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ તે ગુનામાં ઊંડાણપૂર્વક સંડોવાયેલા છે. એડિશનલ સેશન્સ જજ મહેશ જાધવે નોંધ્યું હતું કે અરજદાર મુખ્ય આરોપી છે અને તેની કસ્ટોડિયલ પૂછપરછ જરૃરી છે.
રિઝવી પર ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) હેઠળ છેતરપિંડી અને બનાવટનો આરોપ મૂકવામાં આવ્યો છે, કારણ કે તેમણે ફરિયાદીના પરિવારની નિરક્ષરતાનો લાભ લઈને તેમને છેતરવાના ઈરાદાથી ખોટા અને બનાવટી મિલકત દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
મૂળ મિલકત માલિક, હજાની નૂરબીબાઈ કાલુનું ૨૬ એપ્રિલ, ૧૯૭૧ ના રોજ અવસાન થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, તેમના મૃત્યુ પછી, રિઝવીએ મૃતકનો ઢોંગ કરવા માટે એક ખોટી મહિલા રજૂ કરી હતી અને મિલકત હડપ કરવા માટે કન્વેયન્સ ડીડ બનાવ્યો હતો.
રિઝવીના વકીલે દલીલ કરી હતી કે ૮૪ વર્ષીય ભૂતપૂર્વ સાંસદ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જેમનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. તેઓ સખાવતી હેતુઓ માટે કોરા કાગળો પર સહી કરતા હતા અને તેને તેમના કર્મચારીને આપતા હતા, જે દસ્તાવેજ બનાવટી બનાવવા માટે તેમની સહીઓનો દુરુપયોગ કરતા હતા, બચાવ પક્ષે દાવો કર્યો હતો.
વકીલે દલીલ કરી હતી કે રિઝવીનો કોઈ 'ગુનાહિત ઈરાદો' નહોતો, તેમને કોઈ ખોટો લાભ મળ્યો ન હતો અને તેઓ મૃત માલિકના વારસદારોની તરફેણમાં પુનઃસ્થાપન દસ્તાવેજ કરવા તૈયાર હતા.
તેમની અરજીનો વિરોધ કરતા, ફરિયાદ પક્ષે રજૂઆત કરી કે રિઝવીએ દુર્ભાવનાપૂર્ણ ઇરાદાથી એક રજિસ્ટર્ડ દસ્તાવેજ બનાવ્યો હતો અને તેના પર પોતાની સહી સ્વીકારી હતી.
ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે મૃતક માલિક તરીકે રજૂ કરાયેલી મહિલાની ઓળખ ઉજાગર કરવા અને મહેસૂલ અધિકારીઓની સંભવિત સંડોવણીની તપાસ કરવા માટે વિગતવાર કસ્ટોડિયલ પૂછપરછ જરૃરી હતી.
દસ્તાવેજોના અવલોકન પછી કોર્ટે નોંધ્યું કે એવું લાગે છે કે અરજદાર દસ્તાવેજના આધારે વિવાદિત મિલકત પર પોતાનું નામ દાખલ કરવામાં સફળ થયો હતો.









