Mumbai

મુંબઇમાં આજે જળબંબોળ થવાની ચેતવણી ઃ હજી આવતા ત્રણ દિવસ ભારે વરસાદ

By GS Team
5 Jul 20264 mins read
TukuTouch Logo
મુંબઈમાં સતત બીજા દિવસે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં 9 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓ અને કોલેજોનું બપોરનું સત્ર બંધ રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગે થાણે, પાલઘર, પુણે, નાસિક, સાતારા અને કોલ્હાપુરમાં પણ રેડ એલર્ટ જારી કર્યું છે. આગામી 4 દિવસ સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇમાં આજે   જળબંબોળ  થવાની ચેતવણી ઃ હજી આવતા ત્રણ દિવસ  ભારે વરસાદ

મુંબઈમાં રેડ એલર્ટ વચ્ચે શાળા-કોલેજોના બપોરનું સત્ર બંધ રાખવામાં આવ્યું

મુંબઈમાં રેડ એલર્ટ વચ્ચે શાળા-કોલેજોના બપોરનું સત્ર બંધ રાખવામાં આવ્યું

સતત બીજા દિવસે   મુંબઇ, થાણે, પાલઘર માટે રેડ  એલર્ટ ઃ  નવ કલાકમાં આઠ ઇંચનું વરસાદી તોફાન  

મહાનગરમાં  ૨૫૦- ૩૦૦ મિ.મિ.નો ગાંડોતૂર  વરસાદ થવાનો   વરતારો  ઃ   પુણે, નાસિક, સાતારા, કોલ્હાપુર ઘાટમાં પણ રેડ- ઓરેન્જ એલર્ટ

મુંબઇ -   મુંબઇનું ગગન  છેલ્લા પાંચ દિવસથી  ચોધાર વરસી રહ્યું છે. આજે ૪, જુલાઇએ તો મુંબઇનું આભ જાણે કે ફાટયું હોય તેવો ગાંડોતૂર વરસાદ વરસ્યો  હતો. તળ મુંબઇ, પૂર્વનાં અને પશ્ચિમનાં પરાં સહિત નજીકનાં  મીરા રોડ, વસઇ, વિરારથી લઇને થાણે, પાલઘર સુધીના વિશાળ  પરિસરમાં ૫૦ -૬૦ કિલોમીટરની  ગતિના પવનના  ભારે તોફાની સૂસવાટા સાથે અનરાધાર વરસાદ વરસ્યો  હતો.

૨૦૨૬ના ચોમાસાનું  આગમન કેરળના સમુદ્રમાં કુદરતી પરંપરા કરતાં ત્રણ દિવસ વિલંબથી એટલે કે ૪, જૂને થયું. ત્યારબાદ મુંબઇના આંગણે પણ પરંપરા ના ૧૦, જૂનને બદલે  ૧૩ દિવસ મોડું એટલે કે ૨૩, જૂને પહોંચ્યું. જોકે ત્યારબાદ પણ મુંબઇમાં વરસાદી માહોલ નહીં સર્જાતાં મુંબઇગરાંમાં ચિંતા ફેલાઇ હતી. જોકે ૩૦, જુલાઇની રાતથી વર્ષા ઋતુનાં સમગ્ર કુદરતી પરિબળો એક સાથે પૂરી તાકાતથી સક્રિય થયાં હોવાથી મુંબઇ સહિત આખા કોંકણમાં અને મહારાષ્ટ્રમાં રસતરબોળ વર્ષા થઇ રહી છે.

ખાસ કરીને મુંબઇને પીવાનું પાણી પૂરું પાડતાં સાત વિશાળ જળાશયોના સ્રાવ  વિસ્તારમાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. એટલે જળાશયોમાં પણ  નવાં વરસાદી નીરનો જથ્થો વધી રહ્યો છે. 

હવામાન વિભાગે  એવી માહિતી આપી હતી કે  ગઇકાલ ૩, જુલાઇની રાતથી શરૃ થયેલા વરસાદે આજે ૪,જુલાઇએ જાણે કે રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું.  આજે ૪,જુલાઇની સવારના ૮ ઃ ૩૦ થી બપોરના ૨ ઃ ૩૦ સુધીમાં( ૬ કલાક) તો વિક્રોલીમાં સૌથી  વધુ  એટલે કે  ૧૬૪.૦ મિલિમીટર(૬.૫૬ ઇંચ) જેટલો અતિ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની આ તીવ્રતા એક્સ્ટ્રીમ્લી હેવી રેઇન( અતિ અતિ ભારે વરસાદ)ની કહેવાય. જોકે  સાંજના ૫ ઃ ૩૦ સુધીમાં તો મુંબઇમાં ૨૦૬.૫ મિલિમીટર(૮.૨૪ ઇંચ) જેટલો અતિ ભારે વરસાદ  નોંધાયો હતો. 

હવામાન વિભાગે  એવી માહિતી આપી હતી કે આજે  ૪, જુલાઇએ મુંબઇ સહિત થાણે, પાલઘર, રાયગઢમાં રેડ એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી હતી. સાથોસાથ પુણે,નાસિક, સાતારા, કોલ્હાપુર વગેર  ઘાટ પ્રદેશમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં  આવી હતી. 

આજે મુંબઇ સહિત કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભમાં મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકાભડાકા, તોફાની પવન(૫૦ -૬૦ કિલોમીટર) સાથે  અનરાધાર વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.   

હવામાન વિભાગે  હજી આવતા ચાર દિવસ (૫ાંચથી ૮- જુલાઇ) દરમિયાન મુંબઇ સહિત  કોંકણ અને આખા મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસે તેવો વરતારો આપ્યો છે.

આવતીકાલે ૫, જુલાઇએ  પણ મુંબઇ માટે રેડ એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે. મુંબઇમાં આવતીકાલે ૫, જુલાઇએ વરસાદની તીવ્રતા હજી પણ વધે તેવાં કુદરતી પરિબળો અતિ સક્રિય બની રહ્યાં છે ૬, જુલાઇએ ઓરેેન્જ,૭, જુલાઇએ યલો એલર્ટ જારી કરવામાં  આવી છે. આમ મુંબઇમાં હજી આવતા ત્રણ દિવસ સુધી શ્રીકાર વરસાદનો ભીનો ભીનો માહોલ રહેવાની આગાહી છે. જોકે ૮, જુલાઇ બાદ મુંબઇમાં વરસાદની તીવ્રતા તબક્કાવાર ઓછી થવાની શક્યતા છે.

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ  બીક્રમ સિંહે ગુજરાત સમાચારને  એવી માહિતી આપી છે કે  મુંબઇમાં આવતીકાલે ૫, જુલાઇએ વરસાદની તીવ્રતા હજી પણ વધે તેવાં કુદરતી પરિબળો અતિ સક્રિય બની રહ્યાં છે. એટલે કે પાંચ, જુલાઇએ મુંબઇમાં ૨૫૦.૦થી ૩૦૦.૦ મિલિમીટર જેટલો આભ ફાટે તેવો વરસાદ વરસવાની સંભાવના છે. સાથોસાથ ૫૦ -૬૦ કિલોમીટરની ગતિના પવનની થપાટો પણ વાગવાની ચેતવણી છે.  

રાજ્યભરમાં મૂળશધાર વરસાદના સંકેત

આવતીકાલે ૫,જુલાઇએ  થાણે, પાલઘર માટે પણ  રેડ એલર્ટની ચેતવણી જારી  કરવામાં  આવી છે.રાયગઢ માટે ૫, જુલાઇ ઓરેન્જ અને  ૬, જુલાઇએ રેડ એલર્ટની ચેતવણી જારી કરવામાંે  આવી છે. રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં પણ ૫થી ૮, જુલાઇ દરમિયાન મુશળધાર વર્ષાનો સંકેત  છે.

મધ્ય મહારાષ્ટ્ર માં  ૫, ૬- જુલાઇ કલાક દરમિયાન પુણે ઘાટ પ્રદેશમાં રેડ એલર્ટ, ૫, જુલાઇ સાતારા ઘાટ પ્રદેશમાં રેડ એલર્ટ, જ્યારે ૬થી ૮, જુલાઇ દરમિંયાન કોલ્હાપુર ઘાટ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.

જોકે આ ચાર દિવસ દરમિયાન મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગર, બીડ,જાલના, પરભણી, લાતુર વગેરેમાં મધ્યમ વર્ષા થવાની શક્યતા છે.

બીજીબાજુ હવામાન વિભાગ( નાગપુર કેન્દ્ર)ના સિનિયર વિજ્ઞાાની પ્રવીણ કુમારે ગુજરાત સમાચારને  એવી માહિતી આપી છે કે  આવતા ૨૪ કલાક(૫, જુલાઇ) દરમિયાન અમરાવતી, ભંડારા, નાગપુર, વાશીમ, ગોંદિયા,  યવતમાળ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. આજે ગોંદિયામાં ૧૭૦ મિલિમીટર જેટલી અનરાધાર વર્ષા થઇ છે.

 વરસાદ જામવાના પરિબળો

હાલ મહારાષ્ટ્રથી કર્ણાટકના સમુદ્ર  પર ઓફ્ફ- શોર ટ્રફ ( હવાના હળવા દબાણનો  મોટો પટ્ટો) સર્જાયો છે. બંગાળના ઉપસાગરના ઉત્તર -પશ્ચિમ( વાયવ્ય) હિસ્સા પર હવાના હળવા દબાણનું કેન્દ્ર( લો - પ્રેશર) સર્જાયું   છે. પરિણામે આખા  પશ્ચિમ ભારત પર ભેજનો  વિપુલ જથ્થો  ઠલવાઇ રહ્યો   છે.  ઉપરાંત, પૃથ્વીના વાતાવરણના પહેલા પટ્ટા ટ્રોપોસ્ફિયરના નીચેના અને ઉપરના હિસ્સામાં  શિયરઝોન(બે વિરુદ્ધ દિશાના ભરપૂર ભેજવાળા પવનોની ટક્કર થાય તે  વિસ્તાર  )  પણ સર્જાયો છે.  વરસાદી વાદળોનો    જબરો  જમઘટ પણ  મુંબઇ અને ગુજરાત પર  જામ્યો   છે. સાથોસાથ મુંબઇ અને મહારાષ્ટ્ર પર નૈઋત્યના ભરપૂર ભેજવાળા પવનો પણ ફૂંકાઇ રહ્યા છે.   આ તમામ કુદરતી પરિબળો સંપૂર્ણપણે સાનુકુળ બનીને તોફાની પણ બની રહ્યાં  છે. જોકે    શિયરઝોન પરિબળની  અતિ તીવ્ર   અસરથી  મુંબઇ સહિત આખા પશ્ચિમ ભારતમાં  રસતરબોળ  વર્ષા થઇ રહી છે.   હજી  આવતા ત્રણેક   દિવસ દરમિયાન  મુંબઇ સહિત આખા  કોંકણમાં અને  મહારાષ્ટ્રમાં રસતરબોળ વર્ષા  થશે.