દિલ્હીથી શિર્ડી જતી ફલાઈટને નવી મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ

ખરાબ
હવામાનને કારણે ઘટના બની
ડાયવર્ઝનને
કારણે શિર્ડી જતાં ભક્તોએ અસુવિધાનો સામનો કરવો પડયો
મુંબઈ
- દિલ્હીથી શિર્ડી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને ખરાબ હવામાનના કારણે નવી
મુંબઈ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. શિર્ડી એરપોર્ટ વિસ્તારમાં નબળી
વિઝિબિલિટી અને અનુકૂળ ન હોય તેવી હવામાન પરિસ્થિતિ સર્જાતા ફલાઈનું સલામત
લેન્ડિંગ શક્ય બન્યું નહોતું. પરિણામે પાઇલટે સાવચેતીના ભાગરૃપે ફ્લાઇટને અન્ય
એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો.
એરપોર્ટ
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર વિમાનએ શિર્ડીએરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવામાન વધુ
બગડતા લેન્ડિંગ કરવું જોખમી બન્યું હતું. તેથી સુરક્ષા પ્રોટોકોલ મુજબ ફ્લાઇટને
નવી મુંબઈ એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. જ્યાં ફલાઈટનું સુરક્ષિત લેન્ડિંગ
કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી અને
મુસાફરોને ફ્લાઇટ દરમિયાન જ પરિસ્થિતિ અંગે જાણ કરવામાં આવી હતી.
ફ્લાઇટના
અચાનક ડાયવર્ઝનને કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને
શિર્ડી દર્શન માટે જઈ રહેલા અનેક યાત્રિકોની મુસાફરીમાં વિલંબ થયો હતો. જો કે, આ ઘટના બાદ એરલાઇન
કંપનીએ મુસાફરો માટે આગળની મુસાફરીની વ્યવસ્થા અને જરૃરી સહાયતા ઉપલબ્ધ કરાવી હતી.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય માત્ર હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને
લેવામાં આવ્યો હતો અને વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી.
વિમાનન
ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારે વરસાદ, વીજળીના કડાકા અથવા ઓછી વિઝિબિલિટી જેવી
પરિસ્થિતિઓમાં ફ્લાઇટ ડાયવર્ટ કરવી સામાન્ય સુરક્ષા પ્રક્રિયાનો ભાગ છે.
મહારાષ્ટ્રમાં પ્રી-મોન્સૂન હવામાનની અસરને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિવિધ
એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરીમાં વિક્ષેપ નોંધાયો છે.
આ
ઘટનાએ ફરી એકવાર અસ્થિર હવામાન દરમિયાન એરલાઇન્સ સામે ઉભા થતા પડકારો અને
મુસાફરોની સુરક્ષાને આપવામાં આવતી પ્રાથમિકતાને ઉજાગર કરી છે.









