એસઆઈઆર ફોર્મની ફોટો કોપી મામલે પાંચ બીએલઓ સસ્પેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખારઘરની દુકાનમાંથી એસઆઈઆરની નકલો મળી
મહેસુલ વિભાગની તપાસમાં તમામ ફોર્મો ઓરિજનલ હોવાનો ખુલાસો- પનવેલ મતવિસ્તારના ફોર્મનો સમાવેશ
મુંબઈ - નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં એક ફોટોકોપીની દુકાનમાંથી પનવેલ મતવિસ્તારના ૩૪૦૪ પ્રિન્ટેડ એસઆઈઆર ફોર્મ મળી આવ્યા હતા. જેના કારણે શિવસેના (યુબીટી) અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. આ કેસમાં ખારઘર પોલીસ સ્ટેશનમાં ભાજપના પદાધિકારી સૂરજ પાટિલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને પાંચ બીએલઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સ્થાનિક શિવસેના (યુબીટી) નેતાએ ભાજપ યુવા પાંખના પદાધિકારી સૂરજ પાટિલને ખારઘરની એક દુકાનમાંથી પનવેલ વિધાનસભા મતવિસ્તારના ૩,૪૦૪ એસઆઈઆર ફોર્મ સાથે પકડયો.તે કથિત રીતે એક દુકાનમાં એસઆઈઆર ફોર્મની ફોટોકોપી કરાવી રહ્યો હતો.
આ બનાવની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ અને કથિત ભાજપ પદાધિકારીને કસ્ટડીમાં લઈ લીધો હતો. અધિકારીઓએ પરિસરમાંથી હજારો પ્રિન્ટેડ એસઆઈઆર ફોર્મ પણ જપ્ત કર્યા હતા. આ બાદ મહેસૂલ અધિકારીઓએ જપ્ત કરેલા દસ્તાવેજોની ચકાસણી કરી હતી, જેના પગલે નાયબ તહસીલદારે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી અને પાટિલ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
જિલ્લા અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં ૧૮૮ પનવેલ વિધાનસભા મતવિસ્તારના અધિકૃત એસઆઈઆર ફોર્મનો સમાવેશ થાય છે, આમાં મતદારોના ફોટોગ્રાફ્સ, વ્યક્તિગત વિગતો અને સત્તાવાર બીએલઓ સહીઓનો પણ સમાવેશ થાય છે.
વધુમાં મહેસૂલ અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી કરતા જાણવા મળ્યું કે આ તમામ એસઆઈઆર ફોર્મ ઓરિજનલ હતા અને આ ફોર્મ સંભળવાની જવાબદારી બીએલઓની હતી. તેથી અમે તે વિસ્તારમાંથી પાંચ બીએલઓને સસ્પેન્ડ કર્યા હતા, એમ રાયગઢ કલેક્ટરે જણાવ્યું હતું.
ખારઘર પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ પાટિલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું કે, પાટીલની અટકાયત કરવામાં આવી હતી અને નોટિસ આપીને છોડી મૂકવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાએ સત્તાવાર ચૂંટણી દસ્તાવેજો , ખાસ કરીને મતદારોના ફોટોગ્રાફ્સ અને વ્યક્તિગત વિગતો ધરાવતા ફોર્મના સંચાલન અને સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.




