Mumbai

ટિકિટ પ્રિન્ટની નબળી ગુણવત્તાને લીધે ટીસી અને પ્રવાસીઓ વચ્ચે ઝઘડા

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં પેપર ટિકિટ-પાસ ધારકોની શાહી ઝાંખી પડવાથી ટી.સી. સાથે વિવાદો વધ્યા છે. ભેજ અને પસીનાથી ટિકિટ પરની વિગતો ન વંચાતા પ્રવાસીઓને મુશ્કેલી પડે છે. પશ્ચિમ રેલવેએ આ સમસ્યા ઉકેલવા જૂના પ્રિન્ટરો બદલી નવા થર્મલ પ્રિન્ટરો લગાવવાનું શરૂ કર્યું છે, જેથી વધુ ટકાઉ પ્રિન્ટ મળશે. જોકે, સેન્ટ્રલ રેલવેએ હજુ નિર્ણય લીધો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટિકિટ પ્રિન્ટની નબળી ગુણવત્તાને લીધે ટીસી અને પ્રવાસીઓ વચ્ચે ઝઘડા

ભેજ અને પસીનાના સંપર્કમાં ટિકિટની શાહી ઉડી જાય છે

પશ્ચિમ રેલવેએ નવા થર્મલ પ્રિન્ટરો બેસાડવાની શરૃઆત કરી છે, સેન્ટ્ર્લમાં હજી નિર્ણય લેવાયો નથી

મુંબઈ -  પેપર ટિકિટ-પાસ ખરીદનારા રેલવે પ્રવાસીઓ અને ટી.સીઓ વચ્ચે દલીલના કિસ્સા વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ પેપરની નબળી પ્રિન્ટિંગ ગુણવત્તા છે. વરસાદના દિવસોમાં ભેજવાળા વાતાવરણને કારણે પ્લાસ્ટિક કે પર્સમાં રાખેલા પાસની શાહી ઝાંખી પડેી જાય છે તેનાથી રેલવે અધિકારીઓ પણ વાકેફ છે. ટી.સીને ટિકિટ પર વિગતો ન વંચાય એટલે પ્રવાસીઓ સામે કાર્યવાહી કરે છે અને પછી બન્ને પક્ષે વિવાદ થઇ જાય છે.

પશ્ચિમ  રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમની પાસે રોજ આઠથી ૧૦ આવા કિસ્સા આવે છે, જેમાં પ્રવાસી પોતાના પાસ કે ટિકિટ અધિકૃત હોવાની દલીલ કરે છે. જ્યારે કે ટી.સી પાસ-ટિકિટ તપાસે છે ત્યારે ગંતવ્ય સ્ટેશન, મૂળ સ્ટેશન ભાડું અને ટિકિટ/પાસ કઢાવ્યાની તારીખ ચકાસે છે. નબળી પ્રિન્ટિંગને કારણે પાસ ધારકોની ટિકિટ પરની શાહી થોડાં દિવસોમાં ઝાંખી પડી જાય છે, તેમાં પણ વરસાદના દિવસોમાં આ સમસ્યા વધારે થાય છે.

સબર્બન નેટવર્કમાં કુલ ટિકિટ વેંચાણમાં પેપરની ટિકિટોનું વેંચાણ ૭૦થી ૭૫ ટકા છે. જ્યારે બાકીની ટિકિટ ડિજિટલ છે. રેલવે સૂત્રો જણાવે છે કે ભેજના સહેજ સંપર્કમાં આવવાથી પણ ટિકિટ પર છપાયેલી વિગતો ઝાંખી પડી જાય છે અને ટી.સીઓ સમક્ષ તેને વાંચવા માટે પડકાર ઉભો થાય છે અને તેમના કામમાં વધારો થાય છે. ટી.સીઓએ પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્ટેશન અને બોર્ડિંગ સ્ટેશનો વિશે પૂછપરછ કરવી પડે છે અથવા હેન્ડહેન્ડલ મશીનનો ઉપયોગ કરીને વિગતોની ચકાસણી કરવી પડે છે.

અન્ય એક અધિકારીના જણાવ્યાનુસાર પહેલાંની સરખામણીમાં ટિકિટ માટે પૂરો પાડવામાં આવતો કાગળ પાતળો હોવાથી તેના પર છપાતી શાહી ઝાંખી પડી જાય છે. ચોમાસા દરમિયાન સમસ્યા  વધારે થાય છે. ભેજ અને પસીનાના સંપર્કમાં આવવાથી હાથમાં તરત શાહીના ડાઘ પડી જાય છે. દરેક ટિકિટ કે પાસ પર એક યુનિક નંબર  હોય છે જે ટી.સી કે અન્ય રેલવે સ્ટાફ જ ઓળખી શકે છે. જો તે વાંચી ન શકાય તો પ્રવાસીને સ્ટેશન માસ્ટરની ઓફિસ કે ટિકિટબારીમાં તપાસવા માટે મોકલવામાં આવે છે. જો સંબંધિત ટિકિટ/પાસ ખરો હોય તો પ્રવાસીને નવો પાસ બનાવી આપીએ છીએ. 

પ્રિન્ટિંગની સમસ્યાને ઉકેલવા માટે પશ્ચિમ રેલવેએ જૂના ડોટ મેટ્રિક્સ મશીનોને સ્થાને થર્મલ પ્રિન્ટરો બેસાડવાનું શરૃ કરી દીધું છે. એટીવીએમ મશીનમાં પહેલાંથી જ થર્મલ પ્રિન્ટરો છે. આ નવા પ્રિન્ટરો વધુ ટકાઉ પ્રિન્ટ કરશે. બીજીબાજુ સેન્ટ્ર્લ રેલવેએ હજી સુધી પ્રિન્ટરો બદલવા બાબતે કોઇ નિર્ણય લીધો નથી.