Mumbai

નીટ પેપર લીક કેસમાં પુણેથી મહિલા પ્રોફેસરની ધરપકડ

By GS Team
17 May 20263 mins read
નીટ પેપર લીક કેસમાં પુણેથી મહિલા પ્રોફેસરની ધરપકડ

વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રશ્નો અને તેના જવાબોની માહિતી આપ્યાનો આરોપ

આરોપી બ્યુટીશ્યન મનીષા વાઘમારેના ઘરે  પ્રો.મનીષા  માંઢરેએે  વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલું

મુંબઈ  -       દેશભરમાં ચર્ચામાં રહેલા નીટ પ્રશ્નપત્ર લીક કેસમાં  પુણેના બાયોલોજી પ્રોફેસર મનીષા ગુરુનાથ માંઢરેની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા  ધરપકડ કરવામાં આવી હતી. માંઢરે  પરીક્ષા પ્રક્રિયા (એનટીએ) સાથે સંકળાયેલા છે. પેપર લીક કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યા બાદ તેમને પકડવામાં આવ્યા હતા,એવી માહિતી  સીબીઆઈએ આપી હતી.

     મનીષા માંઢરે  એક સિનિયર પ્રોફેસર છે.આ કેસમાં દિલ્હીમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ  પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલા  હોવાથી વનસ્પતિશા અને પ્રાણીશાના પ્રશ્નપત્રો સાથે સંબંધ હતો.અગાઉ  આ કેસમાં બિબવેવાડીમાં બ્યુટી પાર્લરના માલિક મનીષા વાઘમારેની ધરપકડ કરવામાં આવી હતી.  આરોપી મનીષા વાઘમારેએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે તેમના ઘરે બોલાવ્યા હતા. ત્યાં, પ્રો. માંઢરેએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રશ્નો અને તેના સાચા જવાબો વિશે માહિતી આપી હતી. તપાસ દરમિયાન આ બાબત પ્રકાશમાં આવ્યા બાદ પ્રો. માંઢરેની ધરપકડ કરવામાં આવી હતી, એમ સીબીઆઈએ જણાવ્યું હતું.

   સીબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે માર્ગદર્શન વખતે  ભણાવવામાં આવેલા પ્રશ્નો નીટ પ્રશ્નપત્રમાં સામેલ હતા.   દરમિયાન આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી મનીષા વાઘમારેના પતિ દંત ચિકિત્સક છે. તેના પતિની બિબવેવાડીમાં હોસ્પિટલ છે. સીબીઆઈની ટીમ વાઘમારેના પતિની હોસ્પિટલમાં ગઈ હતી અને તપાસ  કરી હતી. એવું જોવા મળ્યું હતું કે હોસ્પિટલ બંધ હતી. આ કેસમાં સીબીઆઈ વાઘમારેના ડોક્ટર પતિની પૂછપરછ કરશે.

     નીટ પરીક્ષા પ્રક્રિયા દરમિયાન મનીષા વાઘમારેના ૨૧ અલગ-અલગ બેંક ખાતાઓમાં લાખો રૃપિયા જમા થયા  હતા.તપાસ દરમિયાન આ  માહિતી સામે આવી છે. સીબીઆઈને શંકા છે કે આ રકમ પેપરના વેચાણ અથવા સંબંધિત વ્યવહારો માટે એડવાન્સ તરીકે લેવામાં આવી હતી. સીબીઆઈ તપાસ કરી રહી છે કે આ ૨૧  ખાતાઓમાં  આ પૈસા ક્યાંથી આવ્યા હતા એની તપાસ ચાલી રહી છે.

       આ મહિલાએ  અહિલ્યાનગરથી પકડાયેલા  ધનંજય લોખંડેને મદદ કરી રહી  હોવાનું કહેવાય છે. તપાસમાં  એવું પણ બહાર આવ્યું  છે કે મનીષા જ વિદ્યાર્થીઓને ધનંજય લોખંડે સુધી પહોંચાડવાનું કામ કરતી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે તેની પાસેથી એક મોબાઇલ ફોન અને લેપટોપ જપ્ત કર્યા  છે. એવું પણ જાણવા મળ્યું છે કે ધનંજય લોખંડે અને મનીષા વાઘમારે વચ્ચેના કેટલાક વોટ્સએપ કોલ અને સંદેશાઓ પણ પોલીસના હાથમાં આવ્યા છે.

    નાસિકના શુભમ અને પુણેના રહેવાસી ધનંજયે પેપર લીક કરવાનું કાવતરું ઘડયું હતું. એવું કહેવાય છે કે ધનંજયે કથિત રીતે નીટ પેપર શુભમને ૧૦ લાખ રૃપિયામાં વેચ્યું હતું. ત્યારબાદ શુભમ પર  ૧૫ લાખ રૃપિયામાં પેપર વેચવાનો આરોપ છે. આ કેસમાં સીબીઆઈએ કાર્યવાહી શરૃ કરી છે અને નાસિક, પુણે, હરિયાણા, રાજસ્થાન અને તેલંગાણામાં તપાસ ચાલી રહી છે.

    અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ૩  મેના રોજ યોજાયેલી નીટની પરીક્ષા મંગળવારે પેપર લીકના આરોપો વચ્ચે રદ કરવામાં આવી હતી.