Mumbai

ગર્ભપાતની દવા આપવા માટે મહિલા સરકારી ડોક્ટરે લાંચ માગી

By GS Team
5 Jun 20261 min read
ગર્ભપાતની દવા આપવા માટે મહિલા સરકારી ડોક્ટરે લાંચ માગી

મહારાષ્ટ્રનાં તંત્રની રગેરગમાં ભ્રષ્ટાચાર

પોતાની કારમાં ૪૫૦૦ રુપિયા રોકડા  સ્વીકારતી ચિપલુણ તાલુકાની મહિલા ડોક્ટરની ધરપકડ

મુંબઈ -       એન્ટી  કરપ્શન   બ્યુરો (એસીબી)એ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં સગર્ભા મહિલા પાસેથી ગર્ભપાતની ગોળીની કીટ આપવાના બદલામાં ૪,૫૦૦ રૃપિયાની લાંચ લેવાના આરોપમાં  મહિલા સરકારી ડોક્ટરની  ધરપકડ કરી  હતી.

        રત્નાગિરીના ચિપલુણ તાલુકા હેઠળ કામઠેમાં આવેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તૈનાત મેડિકલ ઓફિસર (ક્લાસ ૧ ) ૪૮ વર્ષીય ડા. કંચન શિરીષ મદારને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

    ફરિયાદી મહિલા  ગર્ભપાત કરાવવા માંગતી હતી.તેણે ત્રીજી જૂનના રોજ સરકારી હોસ્પિટલમાં ડાક્ટર મદારનો સંપર્ક કર્યો હતો.ત્યારે તેમણે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જરૃરી ગર્ભપાત ગોળીઓ ધરાવતી મેડિકલ કીટ આપવા માટે ચારથી પાંચ હજાર   રૃપિયાની લાંચ માંગી હતી, એમ એસીબી (રત્નાગિરિ યુનિટ) ના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ  પોલીસ અવિનાશ પાટીલે જણાવ્યું હતું.

     મહિલા લાંચ આપવા તૈયાર ન હોવાથી  તેણે એસીબીનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી.

     અધિકારીએ કહ્યું  હતું કે એન્ટી કરપશન  બ્યુરોએ પહેલા ફરિયાદની ચકાસણી કરી અને છટકું ગોઠવ્યું હતું.પછી ફરિયાદી પાસેથી પોતાના ખાનગી ફોર વ્હીલરમાં ૪,૫૦૦ રૃપિયાની લાંચ સ્વીકારતી વખતે ડાક્ટરને રંગે હાથ પકડી લીધી હતી.

    એસીબીના અધિકારીઓએ ડાક્ટરની ધરપકડ કરી હતી. ચિપલુણ પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર સંબધિત કલમ  હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.