રણવીરે વળતી નોટિસ ફટકારતાં ફેડરેશને તેના પરનો પ્રતિબંધ ઉઠાવ્યો

ડોન થ્રીની તકરારમાં આખરે દળી દળીને ઢાંકણીમાંં
ફેડરેશનની ચોમેરથી ટીકાઓ થતાં નિર્ણય લેવાયાની ચર્ચાઃ બીજી તરફ
પ્રોડયૂસર્સ ગિલ્ડએ ફરહાનને ટેકો જાહેર કર્યો
મુંબઇ
- ફરહાન અખ્તરની ફિલ્મ 'ડોન થ્રી' શૂટિંગ શરુ થવાના થોડા દિવસો પહેલાં જ
છોડી દેવા બદલ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા રણવીર સિંહ પર
લદાયેલા પ્રતિબંધ હવે પાછો ખેંચી લેવાયો છે. રણવીરે પણ આવો પ્રતિબંધ જાહેર કરવા બદલ ફેડરેશનને લીગલ નોટિસ
આપી હોવાના અહેવાલ વહેતા થયા હતા. તે પછી તરત જ ફેડરેશન દ્વારા પ્રતિબંધ પાછો
ખેંચવાની જાહેરાત થઈ હતી.
ફેડરેશને એક યાદીમાં જણાવ્યું હતું કે
ઈન્ડિયન મોશન પિકચર પ્રોડયૂસર્સ એસોસિએશન
(ઈમ્પા)એ અમને આ વિવાદનો રચનાત્મક ઉકેલ લાવવા અપીલ કરતાં તેને માન આપીને
અમે અગાઉ જાહેર કરાયેલા નોન કો ઓપરેટિવ ડિરેક્ટિવને પાછો ખેંચીએ છીએ.
જોકે,
બોલિવુડના વર્તુળોના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધ જાહેર થયા બાદ ફેડરેશનન હોદ્દેદારોની
ચોમેર ટીકા થઈ હતી. અનેક લોકોએ એવો અભિપ્રાય આપ્યો હતો કે અગાઉ પણ અનેક કલાકારો
ફિલ્મ છોડી ચૂક્યા છે તે વખતે ફેડરેશને આવું કડક પગલું જાહેર કર્યું નથી તો
રણવીરના કેસમાં જ કેમ આવો નિર્ણય લેવાયો છે. સૂત્રોના કહેવા મુજબ એક પરિસ્થિતિ તો
એ પણ હતી કે ફેડરેશન આ પ્રતિબંધનો અમલ કરાવવા માટે સક્ષમ પણ ન હતું.
જોકે,
અન્ય એક ઘટનાક્રમમાં ફિલ્મ નિર્મતાાઓનાં અન્ય એક સંગઠન પ્રોડયૂસર્સ
ગિલ્ડ દ્વારા ફરહાનને ટેકો જાહેર કરાયો હતો. રણવીરનું નામ લીધા વિના ગિલ્ડ દ્વારા
સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે કલાકારો દ્વારા અચાનક પ્રોજેક્ટ છોડી દેવાના
કિસ્સા વધ્યા છે. તેના કારણે ફિલ્મ સાથે સંકળાયેલા તમામને આર્થિક ફટકો પડે છે. આ
રીતે ફિલ્મ ઉદ્યોગને નુકસાન થાય તે સદંતર ખોટું છે.




