Mumbai

૯૮ ટકા અનુપાલન છતાં લાઇસન્સ સસ્પેન્ડ રખાતાં એફડીએ ને પાંચ લાખનો દંડ

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર FDAને ઝાટકી, પુણેની ગુરુનાનક ડેરી એન્ડ સ્વીટ્સનું લાઇસન્સ 98% નિયમ પાલન છતાં સસ્પેન્ડ રાખવા બદલ 5 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો. કોર્ટે FDAની કાર્યવાહીને "વિચિત્ર અને વિકૃત" ગણાવી, જેનાથી દુકાનને 8.74 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. બેન્ચે દુકાનને ફરી વ્યવસાય શરૂ કરવા મંજૂરી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

૯૮ ટકા અનુપાલન છતાં લાઇસન્સ સસ્પેન્ડ રખાતાં એફડીએ ને પાંચ લાખનો દંડ

લાઈસન્સ સસ્પેન્ડ કરવાના  આદેશને હાઈકોર્ટે વિચિત્ર ગણાવ્યો 

 એફડીઅની કાર્યવાહીનો હેતુ પ્રશંસનીય છે, પરંતુ  તેમાં અતિરેક થઈ રહ્યો છે ઃ હાઈકોર્ટની ફટકાર

મુંબઈ -  બોમ્બે  હાઈકોર્ટે સોમવારે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની  ભારે ઝાટકણી કાઢી અને ૯૮ ટકા નિયમ પાલન છતાં પુણેની મીઠાઈની એક દુકાનનું લાઇસન્સ સસ્પેન્ડ રાખવા બદલ આ  દુકાનને પાંચ લાખ રૃપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ખાદ્ય સુરક્ષા નિરીક્ષણો હાથ ધરવાનો એફડીએનો હેતુ પ્રશંસનીય છે, પરંતુ  તેમાં અતિરેક થઈ રહ્યો છે.

ગુરુનાનક ડેરી એન્ડ સ્વીટ્સ નામની દુકાને હાઈકોર્ટમાં પોતાની અરજીમાં એફડીએની કાર્યવાહીને પડકારી હતી અને કહ્યું હતું કે જૂનમાં બંધ થયા પછી તેને ૮.૭૪ લાખ રૃપિયાની આવકનું નુકસાન થયું છે.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે જણાવ્યું હતું કે ખાણીપીણી અને હોટલના લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો એફડીએનો આદેશ વિચિત્ર અને વિકૃત છે.

બેન્ચે દુકાનને ફરીથી વ્યવસાય શરૃ કરવાની મંજૂરી આપતાં, વિભાગને એક મહિનાની અંદર માલિકોને પાંચ લાખ રૃપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

 અમે જોયું છે કે તમારો ઈરાદો પ્રશંસનીય છે અને ઓછામાં ઓછું કોઈ વિભાગે તો સાથ આપ્યો છે. પરંતુ તમે વધુ પડતું કરી રહ્યા છો. ૯૮ ટકા પાલન (ફરીથી નિરીક્ષણ અહેવાલમાં) જોયા પછી તમારે તાત્કાલિક લાઇસન્સનું સસ્પેન્શન રદ કરવું જોઈતું હતું,એમ કોર્ટે કહ્યું હતું.

અરજી મુજબ, ૧૨ જૂનના રોજ, ફૂડ પોઇઝનિંગની ફરિયાદના આધારે, એફડીએના એક ફૂડ સેફ્ટી ઓફિસરે દુકાનના પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વચ્છતા અને સ્ટાફની સ્વચ્છતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે જ દિવસે, વિભાગે દુકાનનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ પસાર કર્યો હતો.

ત્યારબાદ દુકાને એફડીએ કમિશનર સમક્ષ અપીલ દાખલ કરી અને પાલન અહેવાલ પણ રજૂ કર્યો હતો.

૧૩ જુલાઈના રોજ, ફરીથી નિરીક્ષણ કરવામાં આવ્યું, અને દુકાન ૯૮ ટકા નિયમોનું પાલન કરતી હોવાનું જાણવા મળ્યું, પરંતુ લાઇસન્સ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું ન હતું.

ત્યારબાદ દુકાન માલિકોએ સસ્પેન્શન ઓર્ડર રદ કરવા માટે એફડીએને રજૂઆત કરી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં, જેના પગલે તેઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.