ઝુલુસમાં 15 હજાર લોકોને ઝેરી કેપ્સ્યૂલ આપી મારવાનો પ્લાન હોવાની ફૈયાઝની કબૂલાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈના માસ પોઈઝનિંગ કાવતરાંમાં આતંકી હાથની પણ તપાસ
15 દિવસ જાતે કેપ્સ્યુલમાં ઝિંક ફોસ્ફાઈડ ભર્યું, ફૈયાઝ ઈરાન અને ઈરાકમાં કામ કરી ચૂક્યો છે, એક વર્ષમાં 19 વિદેશ પ્રવાસ
મુંબઈ: ભાયખલામાં મોહરમ ઝુલુસ દરમિયાન અત્યંત ઝેરી રસાયણ ઝિંક ફોસ્ફાઇડ ભરેલા કેપ્સ્યુલનું વિતરણ કરવાના આરોપી પકડાયેલા ફૈયાઝ નિસાર હુસૈન પ્રેમજીએ પોલીસ પૂછપરછમાં એવી કબૂલાત કરી હોવાનું કહેવાય છે કે ઓછામાં ઓછા
૧૫૦૦૦ લોકોને મારવાનો તેનો પ્લાન હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ફૈયાઝ પ્રેમજી પુણેનો રહેવાસી છે તેણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) ની ડિગ્રી પૂર્ણ કરી છે. તે ભૂતકાળમાં ઈરાન અને ઇરાકમાં કામ કરી ચૂક્યો છે. તેની માતા અને બહેન હાલમાં ઈરાનમાં રહે છે. વધુમાં હાલ તે તેની પત્નીથી અલગ રહે છે. તેણે એક વર્ષમાં ૧૯ વખત વિદેશ પ્રવાસ કર્યો છે. આથી, આ સમગ્ર કાવતરાં પાછળ કોઈ આતંકી નેટવર્કનો હાથ છે કે કેમ તે એંગલથી પણ તપાસ થઈ રહી છે. તે મૂળ પેઈન્ટિંગનો ધંધો કરે છે. તેની પાસે આવી કેપ્સ્યુલ રાખવા કે વેચવાનું કોઈ પ્રકારનું લાયસન્સ ન હતું.
તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે મોહરમના ઝુલુસના લગભગ ૧૫ દિવસ પહેલા, પ્રેમજી કથિત રીતે મુંબઈ પહોંચ્યો હતો અને ડોંગરીની એક લોજમાં રોકાયો હતો. આ સમયગાળા દરમિયાન, તેણે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લગભગ ૫૦ કિલોગ્રામ ઝીંક ફોસ્ફાઇડ, જે સામાન્ય રીતે ઉંદર મારવા માટે ઉપયોગમાં લેવાતું ઘાતક રસાયણ છે અને લગભગ ૩૦ હજારથી વધુ ખાલી એન્ટિબાયોટિક કેપ્સ્યુલ્સનો ઓર્ડર આપ્યો હોવાનું માનવામાં આવે છે.
તેણે ઉંદર મારવાની દવા કેપ્સ્યુલ્સમાં જાતે ભરી હતી. તપાસ મુજબ, આરોપીએ ઝુલુસમાં ઘાયલ થયેલા લોકોને દુઃખાવાથી બચવા માટે હર્બર પેઇનકિલર્સ અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોવાનો દાવો કરીને કેપ્સ્યુલ્સનું વિતરણ કર્યું હતું.
રે રોડ પર રહેમતાબાદ કબ્રસ્તાન નજીક એક મહિલા કેપ્સ્યુલ અંગે શંકા જતાં ભાયખલા પોલીસને આ અંગે જાણ કરી હતી.
ફૈયાઝ પ્રેમજીની ધરપકડ બાદ શનિવારે રાત્રે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
- 11 લોકોની તબિયત ખરાબ થઈ હતી ઃ ત્રણ મહિલા વોલન્ટિયરે હજારો લોકોને બચાવ્યા
ત્રણ મહિલા વોલન્ટિઅરની સતર્કતાથી ફૈયાઝ પકડાયો હતો. તેમણે ફૈયાઝને શંકાસ્પદ દવાઓ વેચતા જોયો હતો. તેમણે ફૈયાઝને અટકાવ્યો હતો. ફૈયાઝે કહ્યું હતું કે પોતે ઈમ્યુન બૂસ્ટર ડોઝ વેચી રહ્યો છે. જોકે, મહિલાને શંકા જતાં તેણે કેપ્સ્યુલ ખોલી સૂંઘી જોઈ હતી. તેમાં રહેલો પાવડર શંકાસ્પદ જણાતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે લાઉડ સ્પીકર દ્વારા ઝુલુસમાં એનાઉન્સ કરાવ્યું હતું કે કોઈ આવી કેપ્સ્યુલ લેશો કે આરોગશો નહીં. દરમિયાન, આ ગોળી ખાધા બાદ આશરે ૧૧ લોકોને ઝેરી અસર થયાનું જાણવા મળ્યું છે. આ તમામને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાઈ હતી અને તેમની સ્થિતિ હવે સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.









