Mumbai

4 બાળકોને કૂવામાં ધકેલી દઈ પિતાની પણ આત્મહત્યા

By GS Team
26 May 20262 mins read
4 બાળકોને કૂવામાં ધકેલી દઈ પિતાની પણ આત્મહત્યા

બુલઢાણામાં ઘરેલુ વિવાદને કારણે ઘટના

ઘરકામ કરતો જોઈ પૂછપરછ કરતાં ઉશ્કેરાયેલા પિતાનું કૃત્યઃ કૂવામાંથી પાંચ મૃતદેહ મળ્યા

મુંબઈ  -       બુલઢાણામાં પારિવારિક વિવાદને કારણે પિતાએ ચાર બાળકોની  કુવામાં ધકેલીને હત્યા કર્યા બાદ પોતે પણ અંદર કૂદીને આત્મહત્યા કરી હતી.એક જ પરિવારના પાંચ  સભ્યોના મૃતદેહ કૂવામાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર બુલઢાણાના જળગાંવ જામોદ તાલુકાના રાજુરા ડેમ વિસ્તારમાં આ ઘટના બની  હતી .

    મૃતકની ઓળખ વિજય મુસા કિરાડિયા તરીકે થઈ હતી. તે  જળગાંવ જામોદ તાલુકાના ભાલે અંજન ગામનો રહેવાસી હતો. તેને ચાર બાળકો હતા. તેમના નામ પ્રીત કિરાડિયા (સાત  વર્ષ), પ્રાચી કિરાડિયા (પાંચ  વર્ષ), પૂર્વી કિરાડિયા (ચાર વર્ષ) અને પિયુષ કિરાડિયા (બે વર્ષ) હતા.

    પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વિજય કિરાડિયાની પત્ની ઘરેલુ ઝઘડાને કારણે  પિયરે  ચાલી ગઈ હતી. રવિવારે સવારે વિજય ઘરકામ કરી રહ્યો હતો ત્યારે તેના પિતાએ તેને પૂછયુંતું એકલો કેમ કામ કરે છે, તારી પત્ની ક્યાં ગઈ?

   ત્યારબાદ માનસિક તણાવ અને પારિવારિક ઝઘડાને કારણે વિજયે તેના ચાર બાળકોને રાજુરા ડેમ વિસ્તારમાં આવેલા કૂવામાં ધકેલી દીધા અને પોતે પણ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

     ઘટનાની માહિતી મળતા જ જળગાંવ  જામોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પાંચેય લોકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને વધુ તપાસ આદરી હતી. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ ઘટના ઘરેલુ ઝઘડા અથવા આથક તંગીના કારણે બની હશે.